Rachanawali (Gujarati Bharatiya ane Vishwa Sahityani Rachnaono Parichay Kosh) By Chandrakant Topiwala
‘રચનાવલી’. : બુક અબાઉટ બુક્સ
ચન્દ્રકાન્ત ટોપીવાળા
આ પુસ્તકમાં ટોપીવાળાએ જુદી જુદી ભાષાઓના સાહિત્યના બસો અઢાર પુસ્તકોમાંથી દરેકનો સરેરાશ આઠસો શબ્દોમાં પ્રાથમિક પરિચય આપ્યો છે. તેમાં ત્રીજા ભાગની ગુજરાતી સહિત્યકૃતિઓમાં અઢાર મધ્યકાલીન અને પછીની ‘અર્વાચીન અધુનિક’ સમયની છે. સંસ્કૃત, હિન્દી, અંગ્રેજી અને ઉર્દૂ સહિત ચૌદ ભારતીય ભાષાઓના પુસ્તકો એમાં છે. વિશ્વસાહિત્યની વીસ શાખાઓનાં પુસ્તકો વિશે પણ અહીં છે. ‘અઘરું બહુ લખ્યું હવે સહેલું લખો’ એ મતલબની રસિકોની વિનંતીથી આ એક ઠીક લોકભોગ્ય ઉપક્રમ થયો છે.
‘રચનાવલી’ માં સામાજિક-રાજકીય નિસબત ધરાવતી કેટલીક સાહિત્યકૃતિઓ છે. તેમાં દલપતરામની ‘હુન્નરખાનની ચડાઈ’, મેઘાણીની ‘યુગવંદના’ અને બ.ક.ઠાકોરની ‘હિટલર’ રચના છે. સંસ્કાર (યુ.આર. અનંતમૂર્તિ), રણાંગણ (વિશ્રામ બેડેકર), ઈંધણ (હમીદ દલવાઈ) ઉઠાવગીર (લક્ષ્મણ માને),ધ કલર પર્પલ(ઍલિસ વૉકર), સર્વાયવલ ઇન આઉત્સવિત્સ (પ્રિમો લેવી), ધ ટ્રાયલ (ફ્રાન્ઝ કાફ્કા), કૅન્ટો જનરલ (પાબ્લો નેરુદા) જેવી કૃતિઓ પણ છે. તે બધામાં, એક યા બીજી રીતે, સ્વાતંત્ર્ય-સમતા-બંધુતાનાં મૂલ્યોના પુરસ્કારની અને એકાધિકારવાદના વિરોધની અભિવ્યક્તિ છે.