Prernamurti Hanumanji
Virendra Raval
મહાવીર, બળવાન, પરમ પરાક્રમી, જિતેન્દ્રિય, જ્ઞાાનીઓમાં અગ્રગણ્ય. તેમજ બુધ્ધિમાન ભગવાન શ્રીરામજીના અનન્ય ભક્ત શ્રી હનુમાનજીનાં અનેકાનેક નામ છે. તેમને ચિરંજીવી પણ કહેવામાં આવે છે. તેમનાં ચરિત્રની અનેક કથાઓ પ્રચલિત છે. તેઓ કેમ અમર બન્યા તેવો પ્રશ્ન ઉદ્ભવે તે સ્વાભાવિક છે. તેમનાં આયુષ્યના રહસ્યને જાણવું વિવેચન કરવું કઠણ છે. આમ તો અશ્વત્થામાં બલી, વ્યાસ, હનુમાન, વિભિષણ, કૃપાચાર્ય, પરશુરામ અને માર્કણ્ડેય આ આઠ વિભુતિઓ ચિરંજીવ માનવામાં આવે છે. હનુમાનજી અજર અમર છે. હનુમાનજી રામનાં અનન્ય ભક્તોમાં એક રહ્યા છે. તેનું પ્રમાણ છે કે- લંકા વિજય પછી હનુમાનજીએ ભગવાન શ્રીરામમાં સદાય પોતાની નિશ્ચલ ભક્તિની યાચના કરી હતી. શ્રીરામજીએ તેમને પોતાના હૃદય સરસા લગાડીને કહ્યું હતું, 'કપિ શ્રેષ્ઠ આમ જ થશે !' સંસારમાં મારી કથા જ્યાં સુધી પ્રચલિત રહેશે, ત્યાં સુધી તારી કીર્તિ પણ અમીટ રહેશે અને શરીરમાં પ્રાણ પણ રહેશે ! તે મારા પર ઉપકાર જે કર્યો છે તેને હું ચૂકવી શકુ તેમ નથી ! ભગવાન શ્રીરામજી એ ચિરકાળ સુધી જીવિત રહેવાનો આર્શીવાદ મેળવી શ્રી હનુમાનજીએ કહ્યું,
'યાવત તવ કથા લોકે વિચરિષ્યતિ પાવની ।
તાવત્ સ્થા સ્યામિ મેદિન્યાં તવજ્ઞાામનું
પાલયન ।।'
ભગવાન જ્યાં સુધી સંસારમાં આપની પાવન કથાનો પ્રચાર થતો રહેશે, ત્યાં સુધી હું આપની આજ્ઞાાનું પાલન કરતો રહીશ અને આ પૃથ્વી પર રહીશ. રામચરિત માનસમાં પણ ઉલ્લેખ મળે છે કે શ્રીરામજીએ હનુમાનને એવી જ આશીષ આપી છે. શ્રીરામ સિવાય જનક નંદનિ સીતા એ પણ હનુમાનને અમરતાના આશીષ આપ્યાં છે. અશોક વાટિકામાં ભક્તિ પ્રતાપ, તેજ અને શક્તિ સભર ઉચ્ચારેલી હનુમાનજીની વાણી સાંભળીને સીતાના મનમાં સંતોષ થાય છે. તેઓને શ્રીરામનાં પ્રિય પાત્ર જાણીને હનુમાનજીને આશીષ આપ્યા કે-
તાત ! તું બળ અને શીલ નિધાન બની રહો !
'આસિષ દીન્હિ રામ પ્રિય જાના ।
હો હું તાત બલ શીલ નિધાના ।।
અજર-અમર ગુનનિધિ સુત હો હૂં ।
કરહું બહુત રઘુનાયક છોહૂં ।।
કરહું કૃપા પ્રભુ અસ સુનિ કોના ।
નિર્ભર પ્રેમ મગન હનુમાના ।।
'હે પુત્ર ! તું અજર-અમર અને ગુણોના ભંડાર બનો. શ્રી રઘુનાથ તારા પર અસીમ કૃપા વરસાવે. એવું પણ કહેવામાં આવે છે કે એક વખત સીતાજીએ આપેલ મણી તેમજ રત્નોથી વિભૂષિત હાર પહેરીને મોચન હનુમાન શ્રી રામની સમક્ષ આવીને ઊભા રહ્યાં. ભગવાન તેમની ભક્તિથી અતિ પ્રસન્ન થયા. કહ્યું, હનુમાન ! હું તારા પર પ્રસન્ન છું. જે ઇચ્છે તે વરદાન માગી લે ! જે વરદાન દેવતાઓને દુર્લભ હોય છે. તે હું તને અવશ્ય આપીશ.
હનુમાનજી ભગવાનના ચરણોમાં પડી ગયા અને કહ્યું આપના નામ સ્મરણ કરવાથી મારા મન અંતર તૃપ્ત થતાં નથી. મારી મનોકામનાં એ જ છે-જ્યાં સુધી આપનું નામ આ વિશ્વમાં રહે, ત્યાં સુધી મારું શરીર પણ આ પૃથ્વી પર વિદ્યમાન રહે ! શ્રીરામજીએ કહ્યું, એમ જ થશે ! જીવન મુક્ત બનીને સંસારમાં સુખપૂર્વક રહો.
હનુમાનજીને ઇન્દ્રએ પણ વરદાન આપ્યું હતું -તારું મૃત્યુ ત્યાં સુધી નહી થાય, જ્યાં સુધી તું સ્વયં મૃત્યુની ઇચ્છા ન કરે !' આ તથ્યોથી સ્પષ્ટ થાય છે કે હનુમાનજી ચિરંજીવી છે ! અજર-અમર અને ઇચ્છા મૃત્યુ પણ પ્રાપ્ત કર્યું. તેમની અજરતા-અમરતા પર સંશય કરવો ન જોઇએ. હનુમાનજી કળીયુગનાં જનદેવતા છે. આવી ધારણાઓ છે કે પોતાના નિષ્ઠાવાન ભક્તોને દર્શન આપતા રહે છે..!!
- લાલજીભાઇ જી. મણવર
|