મહામાનવ શ્રીકૃષ્ણ – શ્રીકૃષ્ણનું એકમાત્ર સંપૂર્ણ જીવનચરિત્ર
જગતની અનેક ભાષાઓમાં શ્રીકૃષ્ણની જીવનકથા, લીલા,ચરિત્ર અને પરાક્રમગાથા રજૂ કરનાર સંખ્યાબંધ ગ્રંથો અનેક સદીઓથી લખતા રહ્યા છે અને હજુ પણ લખાતા રહેશે . છેલ્લા પચાસેક વરસમાં ગુજરાતના અનેક સમર્થ અને ખ્યાતમાન સાહિત્યકારોએ આધુનિક સંદર્ભમાં કૃષ્ણજીવન અંગેની નિરૂપણ કરનાર ચરિત્રગ્રંથો લખવા માંડ્યા છે. કમનસીબે આ ચરિત્રગ્રંથોમાં કૃષ્ણજીવન અંગેની પ્રાચીન પરંપરાઓની રજૂઆત કે અર્થઘટન કરવાને બદલે આ શબ્દ્સ્વામીઓએ પોતપોતાની કલ્પનાના ગુબ્બારા ઉડાવ્યા છે. પ્રાચીન પરંપરામાં ન હોય તેવા કાલ્પનિક પ્રસંગો, પાત્રો અને સંવાદોનું ઉમેરણ કર્યું છે. આવા એક ચરિત્રલેખક કાલીયદમનનો પ્રસંગ સમજાવવા માટે કૃષ્ણને મદારી બનાવી દીધા છે.આવા ઉમેરણોનું સાહિત્યિક મૂલ્ય તો જે હોય તે ખરું, પણ આવા નિરૂપણના કારણે પ્રાચીન પરંપરાઓ સ્પષ્ટ થવાને બદલે ઉલટી દુષિત થઇ રહી છે. હજાર વરસ અગાઉના ગ્રંથોમાં વેરણછેરણ પથરાયેલી પરંપરાની કણિકાઓને એકઠી કરીને સુગ્રથિત સ્વરૂપે રજૂ કરવી અને તેમાંથી હિન્દુઓના પરમ શ્રદ્ધાપુરુષ શ્રીકૃષ્ણના માનવસ્વરૂપની જે છબી ઊપસે તેને ઝીલવાનો એક નમ્રપ્રયાસ અહીં કરવામાં આવ્યો છે.