Prernamurti Hanumanji
Swami Yoganand
શાંતિ, સત્ય, ઔષધિ અને માર્ગદર્શનના સાચા શોધક :હનુમાનજી
દર વર્ષે ચૈત્ર સુદ પૂર્ણિમાના દિવસે આપણે શ્રી હનુમાનજીની વંદના કરીએ છીએ. હવે પ્રશ્ન થાય કે આપણે શ્રી હનુમાનજીને કેમ માનીએ છીએ? મનુષ્ય થઇને એક વાનરની આરાધના શા માટે કરીએ છીએ? આટલા સુંદર પરિવેશમાં રહેનારો અને ભૌતિક સુવિધામાં જીવનારો સમાજ, એક વનચર જે વનમાં વસે છે એની પૂજા શું કામ કરે છે? મષ્ટિભોજન કરવાવાળો સમાજ કંદ, મૂળ અને ફળ ખાવાવાળા વાનરને કેમ પૂજી રહ્યો છે? ટૂંકમાં સમાજ એક પૂછવાળા શ્રી હનુમાનજીનો આશ્રય કેમ આટલો બધો કરે છે? હું તો ગમે ત્યાં જાઉં, શ્રી હનુમાનજીનો આશ્રય કરવાવાળા વ્યક્તિઓ મળી જ જતા હોય છે. આ બધું જોયા પછી સદ્ગુરુ ભગવાનની કૃપાથી એટલું અવશ્ય કહીશ કે એક વાનરની સમાજમાં પૂજા એટલા માટે થાય છે જેનાં મુખ્ય ચાર કારણ છે.
આપણી પાસે શરીર છે. આપણા શરીરને અમુક સમયે ઔષધિની જરૂર પડે છે. બીજું કે આપણી પાસે મન છે. મનને શાંતિની જરૂર પડે છે. ત્રીજું આપણી પાસે આખા જીવનની યાત્રા છે, જે જન્મજન્માતરની યાત્રા છે. આ તો અનંતયાત્રા છે અને છેલ્લે જીવનની અનંતયાત્રાને સત્યની જરૂરત છે. આપણે આગળના જન્મમાં જવું નથી પણ જે માનવદેહ મળ્યો છે એ સમયમાં આપણને એક સારા માર્ગદર્શક જરૂરી છે. તો શ્રી હનુમાનજી વાનર હોવા છતાં, વનચર હોવા છતાં આપણે બધા એને પૂજીએ છીએ એનું એક કારણ એ છે કે શ્રી હનુમાનજીએ ચાર વસ્તુની શોધ કરી હતી. જેમાં શ્રી હનુમાનજીએ રામકથામાં રામની શોધ કરી. બીજું હનુમાનજીએ રામકથામાં સીતાની શોધ કરી છે.
ત્રીજું હનુમાનજીએ રામકથાના વિભીષણની શોધ કરી અને છેલ્લે ચોથી શોધ હનુમાનજીએ રામકથામાં સંજીવની ઔષધિની શોધ કરી. આ ચારેય વસ્તુ સમગ્ર માનવ જીવન માટે નિતાંત આવશ્યક છે. હવે આ ચાર વસ્તુને વિસ્તારથી સમજીએ. શ્રી હનુમાનજીએ જે ચાર વસ્તુની શોધ કરી તેમાં આપણે ઔષધિ, શાંતિ, માર્ગદર્શક અને સત્યરૂપી રામને બરાબર સમજીએ.આપણે શરીરધારી માણસ છીએ. શરીરને અવારનવાર ઔષધિની જરૂર પડે છે. આપણાં શાસ્ત્રોમાં કહેવાયું છે કે અન્ન સ્વયં ઔષધિ છે. જેટલી માત્રામાં ઔષધિની જરૂર હોય તેટલી માત્રામાં ભોજન લેવું જોઇએ. ઉપનિષદ તો અન્નને પણ બ્રહ્મ કહે છે. શ્રી હનુમાનજી મહારાજે રામચરિતમાનસમાં ઔષધિની શોધ કરી.
હા, ઔષધિ ઓળખી શક્યા નહીં માટે આખો પહાડ લઇ આવ્યા. હનુમાનજી મહારાજે આપણા બધા માટે ઔષધિની શોધ કરી છે. હવે ઔષધિ એટલે બ્રહ્મના રૂપમાં છે. કળિયુગમાં બીજું કંઇ જ નહીં જ્યારે સમય મળે હાલતા-ચાલતા કેવળ હરિનામનું સ્મરણ કરો. આપણા માટે જીવનની સાચી ઔષધિ છે.
'જાસુ નામ ભવ ભેષજ હરન ઘોર ત્રય સૂલ
સો કૃપાલ મોહિ તો પર રામ રહઉ અનુકૂલ ’
રામકથાના પ્રસંગમાં જ્યારે લક્ષ્મણજી મૂચ્છિર્ત થયા ત્યારે જ ઔષધિ લઇ આવ્યા. એ તો છે જ પણ ઔષધિનો અર્થ અન્ન છે. શાસ્ત્રસંમત વાત છે કે અન્ન એટલે બ્રહ્મ છે.
સંસારમાં પ્રભુનું નામ ઔષધિ છે. આપણા દેશમાં અને પાશ્ચાત્ય જગતમાં ઘણા ચિંતકો થઇ ગયા જેમણે કદાચ ઇશ્વરનું નામ નહીં લીધું હોય, પણ કોઇનો આશ્રય તો અવશ્ય કર્યો જ હશે. આપણે વિકસિત હતા. આજે છીએ અને આગળના કાળમાં ખૂબ જ વિકસિત થવાના છીએ. આપણો ભૂતકાળ પશુતા છે. આપણો ભવિષ્યકાળ દેવતાઇ છે. આપણે ભૂતકાળમાં ડાર્વિનના મત અનુસાર પશુ હતા. ડાર્વિનની અવતારવાદીની જે પરિકલ્પના છે. ક્યારેક આપણે માછલી હતા. ક્યારેક આપણે કાચબા હતા. ક્યારેક આપણે વરાહ રૂપ હતા. ક્યારેક આપણે અડધા મનુષ્ય અને ઇશ્વરરૂપ પશુ હતા. ક્યારેક આપણે વામન હતા અને આમ કંઇક થતા થતા અંતે રામ થયા. કૃષ્ણ થયા. બુદ્ધ થયા.
આપણો જે રીતે વિકાસ ચાલી રહ્યો છે એના અંતમાં દેવતા બન્યા. દેવતા એટલે કે જે સ્વર્ગમાં જ નિવાસ કરે છે એટલો જ અર્થ નથી, પણ દેવતા એટલે દિવ્ય જીવન તરફ આખા સંસારની ગતિ છે. હરિનું નામ નહીં લઇએ તો કોઇનું નામ તો લેવું જ પડશે. ઘણા મહાપુરુષો એવા થઇ ગયા કે જેમણે બ્રહ્મનું પૂરેપૂરું ખંડન કરી નાખ્યું પણ એમનું નામ તો એમના ભક્તો લે છે. નામ વગર, આશ્રય વગર કોઇને ચાલતું નથી. હરિનામ તો ઔષધિ છે હરિનામની ઔષધિમાં જે તાકાત છે એનું વર્ણન થઇ શકે તેમ નથી. હા, ઔષધિમાં ભરોસો અને સત્યતા ખૂબ જ જરૂરી છે. તો હનુમાનજીએ ઔષધિની શોધ કરીને આપી માટે આપણે એને પૂજીએ છીએ. બીજી વસ્તુ કે આપણા મનને શાંતિ જોઇએ.
ચંચ્ચલં હિ મન: કૃષ્ણ પ્રમાથિ બલવદદ્દઢમ્
તસ્યાહં નિગ્રહં મન્યે વાયોરિવ સુદુષ્કરમ્
આપણું મન ચંચળ છે. આપણો સ્વભાવ જ પ્રમંથન કરવાળો છે. એવા મનને શાંતિની ખૂબ જ જરૂર છે ત્યારે રામચરિતમાનસમાં હનુમાનજીએ સીતાજીની શોધ કરીને આપણને બધાને શાંતિનું વરદાન આપ્યું છે. 'સીતાશાંતિ સમાહિતૌ’ અશાંતિને સમાપ્ત કરવાથી શાંતિ આવતી નથી પણ શાંતિ મળી જાય તો દુનિયાની તમામ અશાંતિ મટી જાય છે. હનુમાનજી સંદેશ આપે છે કે જીવનમાં શાંતિની શોધ કરો. સીતારૂપી શાંતિ મળી જશે તો જીવનમાં અશાંતિ ક્યારેય આવશે નહીં અને અશાંતિ હટી જશે એટલે મન સ્વયં શાંતિનો અનુભવ કરશે. ત્રીજી વાત માર્ગદર્શકની છે.
વર્તમાન જીવન માટે, જન્મજન્માંતર માટે કોઇ સારા માર્ગદર્શકની શોધ આપણે કરી લેવી જોઇએ. એ માર્ગદર્શકને સાથી કહો, મિત્ર કહો, ગુરુ કહો, જે નામ આપવું હોય એ આપી શકાય છે. રામચરિતમાનસની લીલા પ્રમાણે હનુમાનજીએ વિભીષણને પ્રાપ્ત કર્યા એ એક પક્ષ છે. પણ સમજવા માટે આપણે બધા એવું વિચારીએ કે હનુમાનજીને એક માર્ગદર્શક મળ્યા છે. હનુમાનજીના માર્ગદર્શક વિભીષણ છે અને વિભીષણના માર્ગદર્શક શ્રી હનુમાનજી છે. બંને એકબીજાના પરસ્પર માર્ગદર્શક છે અને તમે બધા જાણો છો કે હનુમાનજીના માર્ગદર્શનથી વિભીષણ રામને પામી ગયા. જ્યારે વિભીષણના માર્ગદર્શનથી હનુમાનજી સીતાને પામી ગયા. જીવનમાં કોઇ માર્ગદર્શક અવશ્ય રાખજો, એકલા રહેતા નહીં.
સતી એકલાં રહ્યાં તો તરત જ ભટકી ગયાં. એકલાં જાનકીજીનું હરણ થયું. આમ તો એકલા રહેવામાં આનંદ છે પણ માનસિક રૂપે કોઇ પ્રેરણામૂર્તિને સાથે રાખજો. જે આપણો ખ્યાલ રાખે છે. અને છેલ્લે હનુમાનજીએ સ્વયં રામની શોધ કરી છે. જન્મજન્માંતરની યાત્રામાં કોઇ એક જન્મમાંય સત્ય વિના ચાલતું નથી રામાયણમાં એક પક્ષ આવ્યો છે.'જુઠઇ લેના જુઠઇ દેના જુઠઇ ભોજન જુઠ ચબેના’ દિવસમાં ચોવીસે કલાક જૂઠું બોલી શકાતું નથી. ક્યારેક તો સત્ય બોલવું જ પડે છે. જન્મજન્માંતરની ખોજમાં તો સત્ય સિવાય બીજો કોઇ ઉપાય જ નથી. શ્રી હનુમાનજી મહારાજે રામની શોધ કરી. હવે રામ એટલે કોણ? રામ એટલે સત્ય, જેની પાસે સત્ય છે એનું દર્શન કરો. એ હાલતું ચાલતું સમાજમાં રામમંદિર છે.
હનુમાનજી મહારાજે ઔષધિના રૂપમાં હરિનામની ખોજ કરી. સીતારૂપી શાંતિની ખોજ, જીવનમાં પ્રેરણાદાયી સાથીની ખોજ અને છેલ્લે રામરૂપી સત્યની ખોજ. આ ચાર પ્રકારની શોધ હનુમાનજીનું સ્મરણ કરીને, હનુમાનજીનો આશ્રય કરીને એમાંથી આપણે શીખીશું તો સમાજમાં અદ્ભુત પરિવર્તન જોવા મળશે. છેલ્લે હનુમાન જયંતીની ખૂબ ખૂબ વધાઇ. મારી પ્રસન્નતા વ્યક્ત કરું કે આપ સર્વને બલ પ્રાપ્ત થાય, બુદ્ધિ પ્રાપ્ત થાય, વિદ્યા પ્રાપ્ત થાય, આ ત્રણના માધ્યમથી જીવનની સમસ્યાઓનું સમાધાન સ્વયં તમે કરી શકો એવી હનુમાજીના ચરણોમાં રામસ્મરણ સહ પ્રાર્થના.
જયસીયારામ'
(સંકલન : રામેશ્વરદાસ હરિયાણી)
હનુમાનજી સંદેશ આપે છે કે જીવનમાં શાંતિની શોધ કરો. સીતારૂપી શાંતિ મળી જશે તો જીવનમાં અશાંતિ ક્યારેય આવશે નહીં અને અશાંતિ હટી જશે એટલે મન સ્વયં શાંતિનો અનુભવ કરશે.
મોરારિબાપુ
|