Kundalini Mahashakti
કુણ્ડલિની યોગસાધનાથી સાધક અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી શકે છે
કુણ્ડલિની યોગ એ વિશ્વના વિજ્ઞાનની સૌથી પ્રાચીન શાખા છે. કેમ કે એની ઉત્પત્તિ સૃષ્ટિના આરંભ સમયે જ બ્રહ્મા, વિષ્ણુ અને શિવના સંયુક્ત પ્રયાસથી થઈ છે. કુણ્ડલિની તંત્ર વિજ્ઞાાન અતિગુહ્ય છે અને અપાર રહસ્યોથી ભરેલું છે.
યોગવિદ્યાને જાણનારા બ્રહ્મવાદી ઋષિઓએ વેન રાજાના શરીરમાંથી પહેલાં નિષાદ અને પછી પૃથુ અને અર્ચિ નામના સ્ત્રી-પુરુષનું યુગલ ઉત્પન્ન કર્યું હતું તેનું વર્ણન શ્રીમદ્ ભાગવત મહાપુરાણના ચોથા સ્કંધના ચૌદમા અને પંદરમા અધ્યાયમાં આવે છે. આ ઉલ્લેખ એમ બતાવે છે કે પ્રાચીનકાળના ઋષિ-મુનિઓ પાસે અત્યારના વિજ્ઞાનીઓ જેવું જ જ્ઞાન હતું અને તે તેનો ઉપયોગ કરી અદભુત ચમત્કારો સર્જી શકતા હતા. વેનની માતા સુનીથાએ પણ આવી યોગ વિદ્યાર્થી મૃત વેનના શરીરને એક વર્ષ સુધી એવું ને એવું જાળવી રાખ્યું હતું કે જેથી તેના શરીરના કોષો મરી ન જાય. અત્યારના વિજ્ઞાન પાસે હજુ સુધી આવી સિદ્ધિ આવી નથી. કુણ્ડલિની શક્તિ દ્વારા યોગી અનેકવિધ સિદ્ધિઓ મેળવી શકે છે.
ઘણા પ્રાચીન શાસ્ત્રોમાં યોગશાસ્ત્ર દર્શાવે છે તે શરીરના ચક્રો વિશે ઉલ્લેખ છે. તેમાં નિરૃપણ કર્યું છે કે મૂલાધાર ચક્રથી સહસ્ત્રાર ચક્ર તરફ શક્તિ વહે છે. અનેકવિધ ચક્રો, નાડીઓ અને ગ્રંથિઓ વિશે સૂક્ષ્માતિસૂક્ષ્મ માહિતી આપી છે. પણ કુણ્ડલિની શબ્દ પહેલી વાર જોવા મળ્યો મધ્યકાલીન યુગના અભિનવ ગુપ્તના 'તંત્રલોક' નામના ગ્રંથમાં. પ્રાચીન શાસ્ત્રોમાં આને પરાશક્તિ તરીકે ઓળખવામાં આવતી હતી. આદિ શંકરાચાર્યજીએ સૌંદર્યલહરી અને લલિતા સહસ્ત્ર નામમાં આ વિષયનું જ્ઞાાન આપ્યું છે. ત્રિપુરા સુંદરી પણ આ શક્તિનું જ નામ છે.
શ્રીમદ્ ભાગવતના ત્રીજા સ્કંધના બારમા અધ્યાયમાં ઉલ્લેખ કરાયો છે કે બ્રહ્માએ પહેલાં દસ માનસપુત્રો ઉત્પન્ન કર્યા તે પછી આગળ સૃષ્ટિ રચવા બીજા શરીરો ધારણ કરવાનો સંકલ્પ કર્યો. ભગવાન વિષ્ણુની આધાર અને પોષણ શક્તિ શિવ-શક્તિના સહયોગથી તેમના શરીરના બે ભાગ થયા એટલે એને 'કાય' કહેવાય છે. (તસ્ય રૃપમ્ અભુદ્ દ્વેધા યત્ કાયમ્ અભિચક્ષતે) તે બે વિભાગમાંથી સ્ત્રી અને પુરુષનું જોડું બન્યું. મનુ અને શતરૃપાના તે યુગલથી મૈથુન ધર્મ થકી પછી પ્રજા આગળ વધવા લાગી. બ્રહ્માના શરીરના બે ભાગ પડવાની તે પ્રક્રિયા સદાશિવની શક્તિથી શક્ય બની. શિવ અને શક્તિ એટલે કે પુરુષ અને સ્ત્રીથી જ જગત અને જીવન ચાલે છે. પુરુષ અને પ્રકૃતિ તથા પદાર્થની ઋણ અને ધન સ્થિતિ તે આને કારણે જ છે. શિવ વિના શક્તિ નિરર્થક છે અને શક્તિ વિના શિવ અધૂરા અને નિષ્ક્રિય છે!
કુણ્ડલિની શક્તિ પણ આ શક્તિનો જ પ્રકાર છે. પ્રકૃતિના દરેક વિભાગમાં તેનું અસ્તિત્વ છે. પદાર્થના કણમાં અને માનવીના શરીરના કોષમાં તે વહે છે. કુણ્ડલિની શબ્દ કુણ્ડ અને કુણ્ડળ પરથી બન્યો છે. તે અગાધ શક્તિનો કુણ્ડ છે અને તેનો આકાર કુંડળ ભરેલા એટલે કે ગૂંચળાની જેમ વળેલા સર્પ જેવો છે તેથી તેને કુણ્ડલિની કહેવાય છે. દેવી કુણ્ડલિની શિવલિંગ પર ગૂંંચળું ભરીને સૂતેલી છે એવું મૂલાધાર ચક્રનું ધ્યાન કરતાં દેખાય છે. તેનો આકાર ત્રણ ગૂંચળાવાળો સર્પ છે. મૂલાધારમાં રહેલી કુણ્ડલિની ગતિશીલ શક્તિ (Kynetic Energy)નો સિદ્ધાંત છે અને સહસ્ત્રારમાં રહેલ શિવ અચલ શક્તિનો એટલે કે Static Energyનો સિદ્ધાંત છે. કુણ્ડલિની યોગ દ્વારા આ શક્તિને ઊર્ધ્વીકૃત કરી સહસ્ત્રાર સુધી લઈ જવામાં આવે છે. સૂક્ષ્મ શરીર (બાયોપ્લાઝમા)ની શિરોલંબ ધરી પર કરોડરજ્જુ અને મગજ સાથે સંબંધિત જે સુષુમ્ણા નાડી આવેલી છે તેના પર આવા સૂક્ષ્મ ચક્રો આવેલા છે. તેમને ચૈતસિક રીતે જ જોઈ શકાય છે. ભૌતિક આંખથી જોઈ શકાતા નથી. અથર્વવેદમાં કહેવાયું છે, 'અષ્ટચક્રા નવદ્વારા દેવાનાં પૂરયોધ્યા । તસ્મિન્ હિરણ્યે કોશે ત્ર્યરે ત્રિપ્રતિષ્ઠતે ।।' આત્મા આઠ ચક્રોના નવ દ્વારવાળા દેશમાં રહે છે જેને દેવોનો દેશ કહેવાય છે.
કેટલાક પ્રાચીન ગ્રંથોમાં આઠ મુખ્ય ચક્રોનો ઉલ્લેખ છે. મૂલાધાર, સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, બિન્દુ, વિશુદ્ધિ, આજ્ઞાા અને સહસ્ત્રાર એ નામના આઠ ચક્રો છે. જોકે સામાન્યતઃ બિન્દુ ચક્રની આમાં ગણતરી થતી નથી એટલે મુખ્ય સાત ચક્રો ગણાય છે. જોકે આ સિવાય ૧૪૫ ગૌણ ચક્રો પણ છે. કુણ્ડલિની યોગ તંત્રના નિષ્ણાતો કહે છે કે શરીરમાં બધા મળીને ૫૪૭ ચક્રો છે. શિવ સ્વરોદય વિજ્ઞાાન પ્રમાણે શ્વાસોચ્છ્વાસના માર્ગોને 'નાડી' કહેવામાં આવે છે. આ નાડીઓ એ નસો નથી. તે પ્રાણવાયુના આવાગમન માટેના અને સૂક્ષ્મ ઊર્જાવહનના રસ્તાઓ છે. આમાં ઈડા, પિંગલા અને સુષુમ્ણા એ મુખ્ય ત્રણ નાડીઓ છે. તે ઉપરાંત ગાંધારી, હસ્તિજિહ્વા, પૂષા, યશસ્વિની, અલંબૂષા, કુહુ અને શંખિની નામની અન્ય ૭ નાડીઓ પણ મુખ્ય ગણાય છે. સુષુમ્ણા નાડી માનવીના વાળ કરતાં એક હજાર ગણી પાતળી હોય છે. ઈડા અને પિંગલા નાડીને મેડિકલ પરિભાષામાં સિમ્પેથેટિક અને પેરાસિમ્પેથેટિક કહેવાય છે.
મૂલાધાર ચક્રને પૃથ્વી તત્ત્વ સાથે સંબંધ છે, મણિપુર ચક્રને જળતત્ત્વ સાથે, સ્વાધિષ્ઠાન ચક્રને અગ્નિતત્ત્વ સાથે, અનાહત ચક્રને વાયુતત્ત્વ સાથે, વિશુદ્ધિ ચક્રને આકાશ તત્ત્વ સાથે અને આજ્ઞાા ચક્રને મન સાથે સંબંધ છે. સહસ્ત્રાર ચક્રને અંતરાત્મા સાથે સંબંધ છે જ્યાં સદા શિવ વસે છે. વાત, પિત્ત અને કફ એ ત્રિદોષ છે. રસ, રક્ત, માંસ, મેદ, અસ્થિ, મજ્જા, શુક્ર એ સાત ધાતુઓ છે. ઉદાન, પ્રાણ, સમાન, અપાન, વ્યાન એ પાંચ પ્રાણ છે. વિવિધ ચક્રોમાં એની સાથે સંબંધિત તત્ત્વનું ધ્યાન કરવાથી શરીરની બધી ક્રિયાપ્રક્રિયા સંતુલિત થાય છે, અસંતુલનને કારણે આવેલી બીમારીઓ દૂર થાય છે. શરીરને પૂર્ણ સ્વાસ્થ્ય પ્રાપ્ત થાય છે. કુણ્ડલિની શક્તિ મૂલાધારમાંથી ઉપર ઊઠે છે અને ષટ્ચક્રભેદન કરી સહસ્ત્રારમાં પહોંચે છે ત્યારે સાધકને અનેકવિધ અસાધારણ દિવ્ય શક્તિઓ પ્રાપ્ત થાય છે. મૂલાધાર ચક્ર ગુદાથી બે આંગળ અંડકોષો તરફ સીવનીમાં આવેલું છે. સુષુમ્ણાની શરૃઆત આ સ્થાનથી જ થાય છે. આ ચક્રમાં પૃથ્વી તત્ત્વનું ધ્યાન કરવાથી કમળો, વાયુ વગેરે વિકારોથી થતા રોગો દૂર છાય છે. સ્વાધિષ્ઠાન ચક્ર પેઢાની નીચે જનનેન્દ્રિયની ઉપરના ભાગે આવેલું છે. તેમાં જળ તત્ત્વનું ધ્યાન કરવાથી ભૂખ-તરસ દૂર થાય છે અને સહનશક્તિ અસાધારણ વધે છે. તેનાથી પાણી પર ચાલવા જેવી સિદ્ધિ પણ પ્રાપ્ત થાય છે. સિદ્ધ પુરુષો લાંબો સમય પાણીમાં ડૂબ્યા વિના રહી શકે છે. મણિપુર ચક્ર નાભિ સ્થાનમાં આવેલું છે. તેમાં અગ્નિતત્ત્વનું ધ્યાન કરવાથી ક્રોધ વગેરે માનસિક વિકારો દૂર થાય છે. સોજો આવવો, મંદાગ્નિ થવો, અજીર્ણ વગેરે પેટના વિકારો દૂર થાય છે. આ તત્ત્વના ધ્યાનથી તિબેટના યોગીઓ 'તુમ-મો' સિદ્ધિ પ્રાપ્ત કરી શરીરમાં અત્યંત ગરમી પેદા કરી બરફના પાણીમાં બોળેલા ભીના કપડાને સૂકવી દે છે. અનાહત ચક્ર હૃદય પ્રદેશમાં આવેલું છે. તેમાં વાયુ તત્ત્વનું ધ્યાન કરવાથી આકાશગમન, હવામાં ઊડવાની સિદ્ધિ પ્રાપ્ત થાય છે. વિશુદ્ધ ચક્ર ગળાના ભાગમાં આવેલું છે. તેમાં આકાશ તત્ત્વનું ધ્યાન કરવાથી ત્રિકાળ જ્ઞાાન, અણિમા, લઘિમા, ગરિમા વગેરે અષ્ટ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે. હૈડાખાનવાલા મહાબાબા, સ્વામી વિશુદ્ધાનંદ, પરમહંસ યોગાનંદ, લાહિજી મહાશય વગેરે યોગીપુરુષોએ કુણ્ડલિની જાગરણ કરી આવી સિદ્ધિઓ મેળવી હતી. પ્રવર્તમાન સમયે અંબાજી-ગબ્બર પાસે રહેતા માતાજી (મૂળ નામ પ્રહલાદભાઈ જાની)એ કુણ્ડલિની યોગ દ્વારા છેલ્લા ૩૦ વર્ષથી કંઈ પણ ખાધા પીધા વિના જીવતા રહેવાની સિદ્ધિ મેળવી છે. કુણ્ડલિની યોગ સાધવા માટે સાધકે પ્રથમ કુણ્ડલિની વિજ્ઞાાન, ચક્રો, નાડીઓ, ગ્રંથીઓ વગેરેથી વિગતવાર માહિતી આપતા શાસ્ત્રીય ગ્રંથનો અભ્યાસ કરવો. તે પછી કોઈ સિદ્ધ પુરુષ, યોગ ગુરુ કે આ વિષયના નિષ્ણાત-તજ્જ્ઞાનું માર્ગદર્શન લઈ આગળ વધવું. યોગ્ય સમજ સાથે પ્રારંભિક કુણ્ડલિની ધ્યાન કે ચક્રોના પંચતત્ત્વનું ધ્યાન કરવાથી કોઈ નુકસાન થતું નથી. ઊલટું તેનાથી અપાર સુખ, શાંતિ, સ્વાસ્થ્ય અને સિદ્ધિઓ મળવાની શરૃઆત થાય છે.
Courtsey : અગોચર વિશ્વ - દેવેશ મહેતા
http://gujaratsamachar.com/index.php/articles/display_article/agochar-vishva9422
Kundalini Mahashaktiકુણ્ડલિની યોગસાધનાથી સાધક અનેક પ્રકારની સિદ્ધિઓ મેળવી શકે છે!
|