Gujaratni Asmita ( Useful for GPSC/UPSC Exam)
ગુજરાતની અસ્મિતા
- રજની વ્યાસ
ગુજરાતના સંસ્કારજીવનનો કદાચ આ પહેલો જ સર્વસંગ્રહ છે. પ્રવાસ, ઈતિહાસ, લોકજીવન, લોક્નાયકો અને અરણ્યલોક જેવા વિષયો પર આવશ્યક માહિતી આપતો આ ગ્રંથ ગુજરાતની અસ્મિતાનો વાચક બની રહેવાની બાયંધરી ઉચ્ચારે છે. રજની વ્યાસ જેવા કળાસર્જકની દ્રષ્ટિનો સ્પર્શ પામીને તૈયાર થયેલા આ સચિત્ર ગ્રંથ આ પ્રકારના અનેક ગ્રંથોમાં વિસ્તારવા જોઈતા સર્વસંગ્રહનો પુરોગામી છે.--------હરીન્દ્ર દવે.
દેશ અને દુનિયા સમક્ષ ગુજરાતની અનોખી ઓળખ ઊભરી રહી છે. ગુજરાતની આજની અનેરી ઓળખ પાછળ વર્તમાન ઉપરાંત તેનો ભવ્ય ઇતિહાસ ખડો છે. ગુજરાતની અસ્મિતા તેના ગૌરવવંતા ઇતિહાસને કારણે વિશેષ ઉલ્લેખનીય છે.
માનવીએ લિપિ દ્વારા અભિવ્યક્તિની શરૂઆત કરી. શરૂઆતમાં ચિત્ર દ્વારા માનવીએ પોતાના મનની વાતને આલેખવા પ્રયત્નો કર્યા. ભાષા અને લિપિએ માનવીના જીવનમાં અભિવ્યક્તિને આસાન બનાવી. આમ, પોતાનાં વિચારો, સંવેદનો, કાર્યો, અવલોકનોને … ટૂંકમાં, સૃષ્ટિના, જીવનના ધબકારને માનવી આલેખતો ગયો. તે થકી ઇતિહાસ રચાતો ગયો.ઇતિહાસની પહેલાં તે પ્રાગૈતિહાસ અથવા પ્રાક્-ઇતિહાસ. પ્રાક્ અર્થાત્ પૂર્વે અથવા પહેલાનું.ઇતિહાસ પહેલાનો સમય તે પ્રાગૈતિહાસિક કાળ.
સામાન્ય રીતે ઇતિહાસ લેખિત પ્રમાણો પરથી આલેખાતો હોય છે. જ્યારે પ્રાગૈતિહાસમાં જગત કે જીવનના અતીતનું પ્રમાણ લેખિત સ્વરૂપમાં ઉપલબ્ધ નથી હોતું, પરંતુ ભૂતકાળનાં અવશેષો-ચિહ્નો તો મળતાં હોય છે. આ અવશેષો મૃતદેહરૂપે અથવા માનવીએ સર્જેલ કે ઉપયોગમાં લીધેલ વસ્તુના રૂપે હોય છે. ડાયનાસુરના અશ્મીઓ પ્રાગૈતિહાસિક કાળના છે. એક સ્વીકાર્ય મત પ્રમાણે આશરે પાંચેક હજાર વર્ષ અગાઉનો સમય પ્રાગૈતિહાસિક કાળ ગણાય છે, પરંતુ તેમાં દેશ-પ્રદેશ અનુસાર મતભેદ હોઈ શકે.
ગુજરાતનો પ્રાગૈતિહાસિક કાળ ત્રણ યુગમાં વિભાજિત કરી શકાય :
(1) અશ્મયુગ (2) અશ્માયસયુગ. (3) લોહયુગ.
જોકે પ્રાગૈતિહાસિક કાળને આમ પેટા-યુગોમાં સ્પષ્ટતાપૂર્વક વિભાજિત કરવા પડકારરરૂપ જ નહીં, વિવાદાસ્પદ પણ હોય છે. આપણે પ્રાથમિક જાણકારી પૂરતું તેને સીમિત રાખીશું.
અશ્મયુગમાં બહુધા પાષાણનો ઉપયોગ છે. આશરે બે લાખથી વીસ લાખ વર્ષો પૂર્વે માનવી માત્ર પત્થરનાં ઓજારો વાપરતો. તે જ હતો અશ્મયુગ. કાળક્રમે માનવીએ આ પાષાણ-ઓજારો બે ધારવાળાં બનાવ્યાં. આ સમય લઘુઅશ્મયુગ કે અંત્યાશ્મયુગ તરીકે ઓળખવામાં આવે છે. ગુજરાતમાં સાબરકાંઠા જિલ્લામાં તેના અવશેષો મળ્યા છે. આ યુગ આશરે દસેક હજાર વર્ષ પૂર્વે આરંભાયો હશે તેવી માન્યતા છે.
ગુજરાતમાં લોથલ, ધોળાવીરા આદિ સ્થળોએથી પથ્થર ઉપરાંત તાંબાનાં સાધન મળેલ છે. આ સાથે પ્રતીક સ્વરૂપમાં લેખિત પ્રમાણો પણ મળેલ છે. તેની પ્રતીક-લિપિ ઉકેલવાના પ્રયત્નો ચાલુ છે. આ કાળ તામ્રાશ્મયુગ તરીકે જાણીતો છે. વળી તત્કાલીન માનવજીવનને વિશે સમજી શકાય તેવાં પ્રમાણો મળ્યાં હોવાથી આ યુગને ઇતિહાસના અભ્યાસના પ્રથમ ચરણમાં મૂકવામાં આવે છે. તેથી તેને આદ્ય ઐતિહાસિક કાળ પણ કહેવામાં આવે છે. લોહયુગનો આરંભ ત્રણેક હજાર વર્ષ પહેલા થયો હોવાનું સંશોધકો કહે છે.
ગુજરાતમાં વિશ્વસનીય પ્રમાણો સાથેનો સુનિશ્ચિત ઇતિહાસ આશરે 2300 વર્ષ અગાઉ આરંભાય છે.
ગુજરાતમાં મૌર્યયુગના શાસનના સ્પષ્ટ પુરાવા ઉપલબ્ધ છે. ચંદ્રગુપ્ત મૌર્ય (ઈ.પૂ. 322-298) ઉત્તર ભારતમાં મૌર્ય વંશનો સ્થાપક સમ્રાટ. તેણે ભારતવર્ષના ઘણા પ્રદેશોમાં સત્તા ફેલાવી હતી. ચંદ્રગુપ્ત મૌર્યના રાજ્યપાલ પુષ્યગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર સુદર્શન જળાશય બંધાયું હોવાનો શિલાલેખ મળેલ છે. ચંદ્રગુપ્ત મૌર્યનો પૌત્ર સમ્રાટ અશોક ( ઈ.પૂ. 293–237). મૌર્ય વંશના આ સુપ્રસિદ્ધ શાસક સમ્રાટ અશોકના શિલાલેખો સૌરાષ્ટ્રમાં જૂનાગઢના ગિરનાર પર્વતના માર્ગ પર મળી આવ્યા છે.
ઈસવીસનની શરૂઆત પછી પણ ગુજરાતનો ઇતિહાસ યશસ્વી છે. ઈ.સ. 470માં ગુજરાતના ભાવનગર નજીક વલભીમાં શૈવધર્મી મૈત્રક કુળની સ્થાપના મહત્ત્વનો બનાવ છે. સાતમી સદીમાં ચીની યાત્રી હ્યુ એન સંગની ભારતની યાત્રાની નોંધ ઉપયોગી છે. આ મહાન ચીની મુસાફર હ્યુ એન સંગ (ઉચ્ચારભેદ રહે છે: હુવેન શ્યાંગ) ગુજરાત પણ આવ્યા હતા. તેમણે વલભીની સમૃધ્ધિ તેમજ વલભીની વિદ્યાપીઠનું સવિસ્તર વર્ણન કરેલ છે.
છેલ્લાં હજાર વર્ષના ગુજરાતના ઇતિહાસમાં સિદ્ધરાજ જયસિંહનું સામ્રાજ્ય, મોગલ શાસન તથા મરાઠા સત્તા ઉપરાંત પણ ઘણી બધી નોંધપાત્ર ગાથાઓ છે. ગુજરાતનો ગૌરવવંતો ઇતિહાસ રાજકીય ક્ષેત્રે જ નહીં, આર્થિક, સામાજિક અને સાંસ્કૃતિક ક્ષેત્રે પણ સમગ્ર ભારત દેશને પ્રેરક બની રહે છે.
સાભાર :http://webgurjari.in/
|