ગીતાદર્શન : કર્મયોગ
શ્રીમદ્દ ભગવદ્દ ગીતા -ત્રીજો અધ્યાય
ઓશો
અર્જુને કહ્યું કે, હે જનાર્દન જો કર્મો કરતા જ્ઞાન તમારા માટે શ્રેષ્ઠ છે, તો પછી મને આ ભયંકર કર્મ કરવામાં શા માટે પ્રયોજો છો ?
ગીતાની જ્ઞાનગંગામાં સ્નાન કરવાનું સદ્ ભાગ્ય આપણને પ્રાપ્ત થયું છે. ગીતાની જ્ઞાનગંગાનું સ્થાન સૌને માટે ખુલ્લું છે. તેનો લાભ લઈ લો તો બીજા કોઈયે સ્નાનની જરૂર નહિ રહે. ગીતાના ઉત્તમોત્તમ તીર્થની યાત્રા કરો એટલે તીર્થયાત્રાનું બધું જ ફળ મળી જશે ને ગીતાના શ્રવણ, મનન ને આચરણનો યજ્ઞ કરો એટલે બીજા બધા જ યજ્ઞોનો આનંદ સાંપડી જશે. ગીતા ભગવાનની વાણી છે; ભગવાનના હૃદયની સિતાર પરથી છૂટેલી સુરાવલી છે. તેનો મહિમા મંત્રથીયે વિશેષ છે. તેનો સ્વાદ લેવાથી સુખશાંતિનો અનુભવ થાય છે, સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે, ને તરી જવાય છે. ગીતામાં એટલી બધી શક્તિ ક્યાંથી આવી ? તેના ઉત્તર માટે ભગવાન શ્રીકૃષ્ણ ને વ્યાસના જીવન પર નજર ફેરવવી જોઈએ. ભગવાનની તો વાત જ કરવાની નથી પણ તેમની વાણીને શબ્દોની માળામાં ગુંથનાર મહર્ષિ વ્યાસ ભગવાનના પરમ કૃપાપાત્ર મહાન તપસ્વી હતા. ગીતાની ભાષા જીવનના મહાન યોગી ને તપસ્વીની ભાષા છે. તેથી તે આટલી બધી પ્રેરણાત્મક ને તારક બની શકી છે. કેવળ વિદ્વતા કે બૌધિક પ્રતિભાથી સંપન્ન થયેલો માણસ આવી અલૌકિક વાણીને ભાગ્યે જ લખી કે રજૂ કરી શકે.
ત્રીજા અધ્યાયની શરૂઆતમાં અર્જુનની જિજ્ઞાસા એ હતી કે જ્ઞાન મોટું કે કર્મ, ને કર્મયોગ મોટો કે કર્મસંન્યાસ ? ભગવાને તેને સમજાવવાનો પ્રયાસ કર્યો ને કહ્યું કે જ્ઞાન ને કર્મ બંને પોતપોતાની રીતે મોટાં છે. એટલું જ નહિ, પણ બંને પરસ્પર સંકળાયેલાં છે. કર્મના ત્યાગનો મહિમા ભગવાને ગાયો, ને સાથે સાથે કર્મયોગનાં પણ વખાણ કર્યા, એથી અર્જુનના મનનું સમાધાન ના થયું ને તેની શંકા પણ ચાલુ રહી. પાંચમાં અધ્યાયની શરૂઆતમાં જ આ શંકાનો પડઘો પડે છે. અર્જુન ભગવાનને પૂછે છે કે હે પ્રભો, તમે ઘડીકમાં કર્મને વખાણો છો, ઘડીમાં ત્યાગની પ્રશંસા કરો છો, તેથી મારૂં મન મુંઝાય છે. બંનેમાંથી જે વધારે કલ્યાણકારક ને શ્રેષ્ઠ હોય તે એક જ માર્ગનો મને ઉપદેશ આપો તો સારું. બંને બાજુ ઢોલકી વગાડવાનું બંધ કરીને હવે કોઈ એક ને નક્કી વાતનો ઉપદેશ આપો એવી મારી ઈચ્છા છે.
અર્જુનની ઈચ્છાને પૂરી કરવા માટે ભગવાને પોતાની ચર્ચા ચાલુ રાખી. ભગવાને કહ્યું કે અર્જુન, સંન્યાસ ને કર્મયોગ બંને કલ્યાણકારક છે. તે બંનેમાંથી કોઈ એકમાં જ માણસનું શ્રેય સાધવાની શક્તિ છે, ને બીજાની કિંમત કાંઈ જ નથી એમ માનવું ભૂલભરેલું છે. જીવનનું મંગલ કરવાની શક્તિ બંનેમાં છે, ને તે બંનેમાંથી કોઈપણ એકનો આશ્રય લેવાથી જીવન ઉજ્જવલ બની શકે છે. વાત સાચી છે. ભગવાનનાં એ વચનોની સાથે આપણે સહમત થઈશું. જેના જીવનમાં પોતાની ને બીજાની સેવાની ભૂખ જાગી છે ને જેને શાંતિની તથા મુક્તિની તરસ લાગી છે, તેને માટે શું કલ્યાણકારક છે, સંન્યાસ કે કર્મયોગ. એમ પૂછવાનો કાંઈ અર્થ જ નથી. સંન્યાસ ને કર્મયોગ બંને કલ્યાણકારક છે, તે બંને માર્ગો માનવને માટે આશીર્વાદરૂપ છે. જીવનનું મંગલ કરનારા માર્ગો તરીકે તે બંનેને આપણે માનવની સામે મૂકીએ છીએ. પોતપોતાની રૂચિ ને સગવડ પ્રમાણે માનવ તે બંનેમાંથી કોઈ એકનો અથવા બંનેનો આધાર લઈ શકે છે. જીવનની કંગાલિયત ને નૈતિક તથા આધ્યાત્મિક ગરીબીને દૂર કરવાની શક્તિ તે બંનેમાં છે. બંને જીવનને મહાન, મંગલ, મુક્ત ને શક્તિશાળી તથા શાંતિમય કરી શકે છે. જીવનની દરિદ્રતા બંનેથી દૂર થાય છે માટે તે બંને આવકારદાયક ને આશીર્વાદરૂપ છે.
આપણે મુખ્ય મહત્વ આપવાનું છે તે મારી દૃષ્ટિએ સંન્યાસ કે કર્મયોગને અથવા પ્રવૃત્તિ કે નિવૃત્તિને નહિ પણ જીવનના મંગલને, જીવનની શાંતિને, મુક્તિ તથા પરમાત્માના સાક્ષાત્કારને. જીવનનું મૂળ ધ્યેય એ જ છે ને એ જ કલ્યાણકારક કે આશીર્વાદરૂપ છે. તે ધ્યેયની સદાની સ્મૃતિ ને તેની પ્રાપ્તિ માટેનો પુરૂષાર્થ મંગલકારક છે. તેની વિસ્મૃતિ નુકશાનકારક છે. તે ધ્યેયની પ્રાપ્તિ માણસ પોતાની ઈચ્છાનુસાર ગમે તે માર્ગે કરે, તેમાં આપણને હરકત હોય જ શા માટે ? જીવનની આ મહાયાત્રામાં આપણે યાત્રી બનીને આપણા મૂળ ઘરમાંથી નીકળ્યા છીએ. આપણે આપણા પ્રિયતમ પરમાત્માની પાસે પાછા પહોંચવું છે ને શાંત, મુક્ત ને પૂર્ણ થવું છે. આ કામ આપણે પ્રવૃત્તિની વચ્ચે રહીને કરીએ કે નિવૃત્તપરાયણ થઈને કરીએ, વ્યવહારમાં ને માનવસમૂહની વચ્ચે રહીને કરીએ કે જ્યાં માનવનું દર્શન કો'કવાર જ થઈ શકતું હોય એવા-એકાંત વન કે પર્વતમાં વસીને કરીએ; સંસારી થઈને સ્ત્રી, સંતાન ને સંબંધીઓ સાથે રહીને કરીએ કે તેમની સાથે રહેવાનું નાપસંદ કરીને એકલા જ રહેવાનું પસંદ કરીને કરીએ. બધા માણસોની રૂચિ ને પસંદગી સરખી નથી હોતી. માટે બધા એક જ માર્ગે ચાલશે એ માન્યતા ભૂલભરેલી છે. તેથી આપણે સાધન કે માર્ગોની બાબતમાં બને ત્યાં સુધી ઉદાર ને વિશાળ બનવું જોઈએ. આ જ માર્ગ સાચો છે ને બીજા બધા જ ખોટા છે તથા આ જ માર્ગ કલ્યાણકારક ને બીજા બધા અકલ્યાણ કરનારા છે. જો જો, આ મને પસંદ છે તે માર્ગનો જ આશ્રય લેજો તો જીવશો ને ગતિ પામશો, નહિ તો મર્યા, ને દુઃખ તથા દુર્ગતિ પામશો એ નક્કી સમજજો - એવો હઠાગ્રહ નકામો છે, તેથી તેનો અંત આવવો જોઈએ.
|