Garud Mahapuran (Purva ane Uttarkhand Gujaratima) by Maharshi Ved Vyas
મહર્ષિ વેદવ્યાસ પ્રણિત શ્રી ગરુડમહાપુરાણ (પૂર્વ અને ઉત્તરાખંડ)
શુદ્ધ ગુજરાતી ભાષાંતર
'ગરુડ મહાપુરાણ' ની રચના પણ મહર્ષિ વેદવ્યાસે કરી છે . બીજા પુરાણોની જેમ આ પુરાણ પણ માનવ આત્મકલ્યાણ માટે ઉપયોગી છે .આ પુરાણ બે વિભાગમાં વહેંચાયેલ છે -(1) પૂર્વખંડ -આચારખંડ અને (२) ઉત્તરખંડ -પ્રેતકર્મ -સારોદ્વાર.
પૂર્વખંડ -આચારખંડમાં સૃષ્ટિની ઉત્પત્તિ, સૂર્ય - ચંદ્ર અને અન્ય દેવ દેવીઓના મંત્રો, ઉપાસના વિધિ, ભક્તિ - જ્ઞાન-વૈરાગ્ય -સદાચારનો મહિમા ,યજ્ઞ -દાન -તપ -તીર્થાટન -લૌકિક- પરલૌકિક ફળોનું વર્ણન ,વ્યાકરણ -છંદ -સ્વર -જ્યોતિષ-રોગો -આયુર્વેદ-રત્નસાર -નીતીસાર ઉપરાંત મરણ પામેલ વ્યક્તિના કલ્યાણ અર્થે ઔધર્વદૈહિક સંસ્કાર -પિંડદાન -શ્રાદ્ધ -સપીંડીકરણ કર્મવિપાંક- પાપોનું પ્રાયશ્ચિત,ધર્મ -અર્થ-કામમોક્ષના સાધનોથી આત્મજ્ઞાનની વૃદ્ધિનું સુંદર પ્રતિપાદન કરવામાં આવ્યું છે .
આ પુરાણના બીજા ઉત્તરખંડમાં કેવા કર્મો કરવાથી પ્રેત ન બનવું પડે , તેના ઉપાયો ,સમાધાનો ,યમમાર્ગગમનથી થતી યાતનાઓ , તેનાથી છૂટવાના ઉપાયો ,મરણોત્તર દાન ,પ્રેતોનું વિવરણ ,પ્રેતપીડા, પ્રેતપણાથી મુક્તિના ઉપાયો આદિની જાણકારી આપેલ છે .
પુરાણોને મનુષ્યના ભૂત, ભવિષ્ય અને વર્તમાનનું દર્પણ પણ કહેવામાં આવે છે જેમાં મનુષ્ય પોતાના દરેક યુગનો ચહેરો જોઈ શકે છે. આ દર્પણ થકી મનુષ્ય પોતાનો વર્તમાન સુધારીને ભવિષ્યને ઉજ્જવળ બનાવી શકે છે. ત્રિકાળનો સમાવેશ પુરાણોમાં છે એટલે કે ભૂતકાળમાં જે થયું, વર્તમાનમાં જે થઇ રહ્યું છે અને ભવિષ્યમાં જે થશે તે જાણવા મળે છે. પુરાણોમાં હિન્દુ દેવી-દેવતાઓનું વિસ્તૃત વર્ણન છે. તેની ભાષા સરળ હોવાની સાથે કથા-વાર્તા સ્વરૂપે છે. છતાં પણ પુરાણોને વેદો અને ઉપનિષદો જેટલી પ્રતિષ્ઠા મળી નથી.
પુરાણ વેદોનો જ વિસ્તાર છે. વેદોની ભાષા અઘરી અને ગૂંચવણભરી હતી. વેદની રચના કરનાર વેદવ્યાસજીએ જ પુરાણોની રચના અને પુનર્રચના કરી. વેદોની અઘરી ભાષાને પુરાણોમાં સરળ કરીને સમજાવવામાં આવી છે. પુરાણોમાં અવતારવાદ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. તેમાં જુદાં-જુદાં દેવી દેવતાઓને આધારે ધર્મ-અધર્મ, પાપ-પુણ્યની કથા-વાર્તાઓ આપવામાં આવી છે.
પુરાણનો અર્થ : પુરાણની સંધિ છૂટી પાડીએ તો પુરા+અણ=પુરાણ થાય. જેનો શાબ્દિક અર્થ પ્રાચીન અથવા પુરાણું થાય છે. અહીં સંધિના શબ્દો જોઇએ જેમાં પુરા શબ્દનો અર્થ વીતેલું અથવા ભૂતકાળ થાય છે. જ્યારે અણ શબ્દનો અર્થ થાય છે કહેવું કે જણાવવું એટલે કે જે ભૂતકાળના સિદ્ધાંતો, શિક્ષાઓ, નીતિ-નિયમો અને ઘટનાઓને દર્શાવે તે. એવું માનવામાં આવે છે કે સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીએ સૌથી પહેલાં જે પ્રાચીનતમ ગ્રંથની રચના કરી તેને પુરાણના નામે ઓળખવામાં આવે છે. જ્યારે હિન્દુ સનાતન ધર્મમાં પુરાણ સૃષ્ટિની શરૂઆતથી જ માનવામાં આવે છે. પુરાણોને જ્ઞાનનો સ્ત્રોત માનવામાં આવે છે.
ગરુડ પુરાણને મૃત્યુ પછી આત્માને સદ્ગતિ આપનાર કહેવામાં આવે છે. મનુષ્યના મૃત્યુ પછી ગરુડ પુરાણ વાંચવાનું પ્રાવધાન છે. મનુષ્યના મૃત્યુ પછી તેની શી ગતિ થાય છે, તે કયા પ્રકારની યોનિઓમાં જન્મ લે છે અને પ્રેતયોનિમાંથી કેવી રીતે મુક્તિ મેળવી શકાય તેની વિસ્તૃત માહિતી છે. વાસ્તવમાં આ પુરાણમાં વિષ્ણુભક્તિ અને તેમના ચોવીસ અવતારોનું જ સવિસ્તર વર્ણન છે. ગરુડ પુરાણના શ્લોકની સંખ્યા ઓગણીસ હજાર માનવામાં આવે છે જોકે વર્તમાનમાં સાત હજાર શ્લોક જ ઉપલબ્ધ છે.
|