શ્રીમદ્દ ભાગવત કથામૃત - પૂ .શ્રી ડોંગરેજી મહારાજ કથિત
Dongreji Maharaj Kathit Shrimad Bhagwat Kathamrut (Gujarati)
'ભાગવતજી' એ સાક્ષાત શ્રીકૃષ્ણનું વાડ્મય સ્વરૂપ છે .સૌ પ્રથમ ભગવાન નારાયણે બ્રહ્માજીને કહ્યું છે, બ્રહ્માજીએ નારદજીને કહ્યું છે . નારદજીએ વેદવ્યાસને કહ્યું છે અને વેદ વ્યાસે તેમના પુત્ર શુકદેવજીને કહ્યું છે .શુકદેવજીએ પરીક્ષિત રાજાને આ કથા કહી છે.પરીક્ષિતના મોક્ષાર્થે ,પરીક્ષિતને પરબ્રહ્મના દર્શન કરાવવા જે કથા શુકદેવજી દ્વારા કહેવામાં આવી તે જ શ્રીમદ્દ ભાગવત
આ ગ્રંથની વિશેષતાઓ:
1. શ્રીમદ્દ ભાગવતનું મહાત્મય
2. શ્રીમદ્દ ભાગવત ગ્રંથની પૂજનવિધિ
3. શ્રીમદ્દ ભાગવત સપ્તાહ પારાયણ અને અનુષ્ઠાન વિધિ
4. દસ અવતારના રંગીન ચિત્રો, તેની કથા
5. સ્કંધ -લીલા -અંગ -અધ્યાય અને શ્લોકોનો સારણી કોઠો
6. દરેક સ્કંધની શરૂઆતમાં તેનો સારાંશ
7. દશાવતાર અને ચોવીસ અવતારોના સ્તોત્ર
8. કુંતાજી,ભિષ્મપિતામહ ,ધ્રુવ અને ગજેન્દ્રે કરેલી શ્રી હરિની સ્તુતિઓ
9. કૃષ્ણ અષ્ટોત્ત્રરશત નામાવલી -વિષ્ણુ સહસ્ત્ર નામાવલી -પુરોષત્તમ સહસ્ત્ર નામાવલી
10. નારાયણ કવચ -સૂર્ય નમસ્કાર મંત્રો
સંસ્કૃત ભાષાના પ્રખર વિદ્વાન પંડિત ડોંગરેજી મહારાજ સારા કથાકાર હોવાની સાથે સંત પણ હતા. તેમનું મન બાળક જેવું નિર્લેપ અને નિર્મોહી હતું. કરુણા, સેવા, દયા અને પ્રેમભાવની ર્મૂિત એવા ડોંગરેજી મહારાજની વાણીમાં એવો પ્રભાવ હતો કે સાંભળનારને કૃષ્ણની મધુરી મોરલી સાંભળ્યાની અનુભૂતિ થતી.
ડોંગરેજી મહારાજનો જન્મ મધ્યપ્રદેશના ઇન્દૌર શહેરમાં ફાગણ સુદ ત્રીજના દિવસે થયો હતો. તેમના પિતાનું નામ કેશવ ગણેશ ડોંગરે અને માતાનું નામ કમલાવતી હતું. તેમણે પાંચમા ધોરણ સુધી વડોદરામાં અભ્યાસ કર્યો હતો અને પૂનામાં વેદ દર્શન અને ઉપનિષદનો ગહન અભ્યાસ કર્યો. તેમણે જ્ઞાન વેદાંગની બનારસમાં ઉપાધિ પ્રાપ્ત કરી. તેઓએ કાશીમાં રહીને કર્મકાંડનો અભ્યાસ કર્યો અને થોડો સમય કર્મકાંડનો વ્યવસાય પણ કર્યો. જોકે આવા કાર્યમાં તેમનું મન નહોતું લાગતું. કથાકાર નરસિંહ શાસ્ત્રીની મુલાકાતથી તેમના જીવનને યોગ્ય દિશા મળી ગઇ. એક વાર તેમણે વડોદરામાં નરસિંહ શાસ્ત્રીની ભાગવત કથા સાંભળી અને તેમણે કથાકાર બનવાની મનમાં ગાંઠ વાળી લીધી. તેમણે ઈ.સ. ૧૯૪૯માં વડોદરામાં પહેલી વાર મરાઠી ભાષામાં કથા કરી. ત્યારબાદ અનેક સ્થળોએ તેમની અમૃત વાણીનો સૌને લાભ આપ્યો.
ડોંગરેજી મહારાજનું વ્યક્તિત્વ મોહ-માયાથી પર હતું. તેમને સાંસારિક મોહ-માયાનાં બંધન ક્યારેય આકર્ષી ન શક્યાં. તેઓ કહેતાં કે "માયા તો મનુષ્યને મારે છે. આધ્યાત્મિક માર્ગની મોટી અડચણ મોહ-માયા છે. તેને ત્યજીને જ મનુષ્ય આત્મઉન્નતિના માર્ગે આગળ વધી શકે છે અને સાત્ત્વિક, આત્મિક શાશ્વત સુખ પામી શકે છે." તેમની વાણી અને વ્યવહારમાં એકરૂપતા જોવા મળતી. તેઓ જેવું કહેતાં તેવું જ આચરણમાં કરતા. તેમનું મન સાંસારિક ભોગવિલાસમાં ક્યારેય નહોતું રાચતું, પણ પરિવારના હઠાગ્રહને લીધે તેમણે પેટલાદના પરશુરામની પુત્રી સીતાદેવી સાથે લગ્ન કર્યાં, પણ ચોવીસ વર્ષના લગ્નજીવનમાં તેમણે બ્રહ્મચર્યનું વ્રત પાળ્યું. સીતા દેવી પણ બાપા જલારામનાં પત્ની વીરબાઇમાની જેમ પરમ વૈરાગી અને નિર્મોહી જીવ હતાં. તેઓ ડોંગરેજી મહારાજની જેમ શ્રીકૃષ્ણનાં પરમ ભક્ત હતાં. તેઓ વીણાવાદન સાથે કૃષ્ણપદો ગાતાં ત્યારે ખુદ ડોંગરેજી મહારાજ વીણાના સૂર સાથે ભક્તિરસમાં તરબતર થઇ જતાં. તેમનું ભક્તિમય દાંપત્યજીવન સાંસારિક લોકોને ધર્મપરાયણ બનાવવાની પ્રેરણા આપી જતું.
તેમનો કૃષ્ણપ્રેમ તેમની કથામાં પ્રતિબિંબિત થયા વગર ન રહેતો. ક્યારેક તો તેઓ કૃષ્ણની વાત કરતાં કરતાં ચાલુ કથાએ જ રડી પડતા. તેમનું કૃષ્ણ ભગવાન પ્રત્યેનું એવું તાદાત્મય હતું કે તેઓ જે કૃષ્ણલીલાનું વર્ણન કરતાં ત્યારે સાંભળનારને એવું થતું કે જાણે તેઓ આબેહૂબ જોયેલ દૃશ્યનું વર્ણન કરે છે. તેમની છેલ્લી કથા માલસરમાં યોજાઇ હતી ત્યારબાદ કારતક વદ છઠ્ઠના દિવસે તેમણે નશ્વર દેહ છોડયો અને તેમની ઇચ્છા પ્રમાણે તેમને સમાધિ આપવામાં આવી. આજે ડોંગરેજી મહારાજ તો નથી પણ તેમનો ભાગવત વાણીનો પ્રવાહ હંમેશાં લોકોની સ્મૃતિમાં અંકિત રહેશે.
સાભાર : પ્રમોદ પાટીલ
|