Devayat Pandit Dada Dakhave (Devrajdham)
દેવાયત પંડિત દા ' ડા દાખવે (દેવરાજધામ )
લેખક: ડી.પી.અસારી
'દેવાયત પંડિત દા ' ડા દાખવે ' ધર્મગ્રંથ એ સત્ય સનાતન આદિધર્મ હિંદુ ધર્મના નિજારી સિદ્ધ મહાત્માઓ એવા શ્રી દેવાયત પંડિત મહારાજ અને સ્વર્ગની અપ્સરા સતી દેવલદે માતના જીવનકાર્યો અને મહાનતાની સઘળા પાસાઓને આવરી લેતો સર્વપ્રથમ ગ્રંથ બન્યો છે.
આપણે ત્યાં ઘણાં એવા ત્રિકાળજ્ઞાની સંતો થઈ ગયા છે કે તેનું બોલેલું સાચું પડે છે અને એ ભવિષ્યના એંધાણ આપે છે. આવા ભજનો આગમવાણી કહેવાય છે. આવી આગમભાખનારા ભગતોની એક પરંપરા છે. તેમાં ખાસ કરીને અધ્યાત્મ જીવનની આગમવાણી થાય છે.
ઘણાં એવા સંતો હતા જેમણે ભવિષ્યમાં દેશ-પ્રદેશ-દુનિયામાં શું થશે તેની પણ ભવિષ્યવાણી કરી છે.
દેવાયત પંડિતનું નામ આગમવાણી કરવામાં એ ત્રણ લોકોમાં ગણાય છે જેમાં સરવણ ઋષી, સહદેવ જોષી અને પછી દેવાયત પંડિત હતા જેના લેખા જોખા સાચા જ પડતા હતા. ધર્મના બંધનોને પાર કરીને માનવીય મહોબ્બતનો માર્ગ ખોલનાર આ ઓલિયો જ્યારે તંબૂર હાથમાં લઈને ભવિષ્યની વાણી ભાખતા ત્યારે તેના મુખમાંથી પડતો સાદ ભવિષ્યની વાતો લઈને આવતો. અહીં તમે જોઈ શકો છો કે તેણે કરેલી ઘણી વાતો આજે પણ સાચી પડી રહી છે.
ભકતો અને સંતોએ પુરાણોની અને શાસ્ત્રોની અટપટી વ્યાખ્યાઓમાં જકડાઈ રહેલી ઉત્પતિકથાઓને ભજનમાં ઉતારીને લોકગમ્ય કરી. આગમનાં ભજનમાં પણ મુખ્યત્વે બે પ્રકાર કહી શકાય. એક તો જેમાં પૂથ્વીની ઉત્પતિકથા અથવા જુના યુગને અનુલક્ષીને ભજનો રચાયા હોય તે અને બીજો જેમાં ભવિષ્યને અનુલક્ષીને ભજનો રચાયા હોય તે. જેમાં ભવિષ્યને અનુલક્ષીને રચવામાં આવેલા ભજનને સાચા આગમ કહેવાય છે. આવા ધારદાર ભજનો રચનાર દેવાયત પંડિતના જીવનની મધુર પળો જાણીએ. દેવાયત પંડિત સૌરાષ્ટ્રની સમૂધ્ધ ભજનવાણીના નક્ષત્ર છે તથા લોકહૃદયમાં તેમની ચાહના અતુટ છે.
દેવાયત પંડિત મહાપંથ સાથે સંકળાયેલા છે. તેમની રચનાઓમાં જેણે મનને વશ કરી લીધુ છે એવા સંત-ભકતોના લક્ષણો, કામ-ક્રોધને વશમાં રાખવાની શિખામણ આપતો સાધુનો ધર્મ જોવા મળે છે. સતી દેવળદે સાથેનું દેવાયત પંડિતનું દાંપત્યજીવન કવિત્વમય છે. દેવળદે પણ સંત કવયિત્રી હતા. દેવાયત પંડિતનાં ભજનમાં પળેપળે અનિત્ય ભાસતી આ પૃથ્વી એક દિવસ લય પામશે એ કલ્પના આગળ તરી આવે છે. દેવાયત પંડિતનાં આગમમાં જે કાંઈ લખ્યુ છે તે કલ્પના છે કે તેને કોઈ અગમ્ય શક્તિનો સાક્ષાત્કાર થયો અને લખ્યુ છે તે ગહન વિષય છે પરંતુ તેનાં આગમ અમુક અંશે સાચા જણાતા આવે છે.
|