Balakne Uchherta Shikhiye
બાળકને ઉછેરતાં શીખીએ
ડો ઉર્મિલા શાહ
બાળક જન્મે એ જ પળથી આજની કહેવાતી શિક્ષિત મને ખરેખર તો એવો વિચાર આવવો જોઈએ કે 'ઈશ્વરે મારામાં વિશ્વાસ મૂકીને મને આ બાળક જેવી મહામૂલી ભેટ આપી છે, તો હું એનો સરસ ઉછેર કરું, એના બાળપણની પળેપળ માણી લઉં, તેને બદલે એ એને સર્વશ્રેષ્ઠ અને ટોપર બનાવવાની ધૂનમાં જ મહાલે છે અને એ બાળકને જાણે મેરેથોનની રેસમાં દોડાવ્યે જ રાખે છે .એને મન એનું સંતાન એ એની પ્રતિષ્ઠાનું પ્યાદું છે અને એટલે એ માત્ર ભણતર પર જ ધ્યાન આપે છે એના જીવનનું ઘડતર તો બાજુ પર જ રહી જાય છે . બાળઉછેર એ ખરેખર શીખવી પડે તેવી કળા છે કેરી ખાવી હોય તો આંબો વાવવો પડે ને એનું જતન કરવું પડે, તો જ કેરીની મીઠાશ માણવા મળે .... બાળઉછેરનું પણ એવુજ છે
આજના ઝડપથી બદલાઈ રહેલા આર્થિક, સામાજિક માળખામાં માબાપ એટલા વ્યસ્ત રહે છે કે આ બાળકોનો ઉછેર એક સમસ્યા બની જાય છે અને એટલે જ 'બાળકને ઉછેરતા શીખીએ' એ પુસ્તકમાં એ માટેનું દિશાસૂચન કર્યું છે પોતાની કારકિર્દી બનાવવા અને પોતાની મહત્વાકાંક્ષાને જ પરિપૂર્ણ કરવામાં ડૂબી ગયેલી આજની કહેવાતી શિક્ષિત માતાઓને તેમાંથી ઘણું માર્ગદર્શન મળી રહેશે તેવું આ પુસ્તક છે .
સ્ત્રીના જીવનની સર્વશ્રેષ્ઠ ભેટ કઈ ? જ્યારે આવો પ્રશ્ર્ન પૂછવામાં ત્યારે એક સામાન્ય ઉત્તર મળશે, ‘માતૃત્વ’. માતૃત્વને પ્રાપ્ત કરવું એ સ્ત્રીના જીવનની ઉત્તમ પળ છે. ઘણીવાર એવું જોવા મળે છે કે લગ્નનાં ઘણાં વર્ષો સુધી ઘરે પારણું ના બંધાય ત્યારે પથ્થર એટલા દેવ કરી, બાધા-આખડીઓની માનતા કરી સંતાનની પ્રાપ્તિ માટે યાચક બનનાર માતા-પિતા બાળકના જન્મ બાદ તેની યોગ્ય રીતે ઉછેરવાની રીતમાં ક્યાંક માત ખાઈ જાય છે.
ઈશ્ર્વર જ્યારે બધે પહોંચી વળ્યો નહીં ત્યારે તેણે માતાનું સર્જન કર્યું એવું કહેવાય છે; તો જ્યારે ઈશ્ર્વરે કોઈને માતૃત્વરૂપી અમૂલ્ય ભેટ આપી સ્વના સ્થાને બાળઉછેરની જવાબદારી માતાને આપી ત્યારે માતા ઈશ્ર્વરના વિશ્ર્વાસને કેવી રીતે તોડી શકે ? પરંતુ હાલનો સમય એ આધુનિક યુગ છે અને સ્ત્રી પુરુષસમોવડી બની રહી છે. કારકિર્દી બનાવવાનું સ્વપ્ન દરેક સ્ત્રીના મનમાં હોય છે અને પોતાની શૈક્ષણિક લાયકાત ખૂબ વધે છે પણ તે પોતાના પાલ્યના સંસ્કારોનું સિંચન કરવામાં ક્યાંક ઊણી ઊતરે છે.
પ્રસ્તુત પુસ્તકનાં લેખિકા વર્ષોથી નાનાં ભૂલકાંઓ સાથે અને તેમનાં માતા-પિતા સાથે સંકળાયેલા હોવાથી બાળઉછેરમાં પડતી અનેક મુશ્કેલીઓનો તદ્શ્ય ચિતાર રોજ-બરોજ મળતો રહે છે. આથી ઘટેલી ઘટનાઓને દરેક પ્રકરણમાં લેખિત સ્વરૂપે ઢાળી હોવાથી વાચકને જાણે બધી ઘટના પોતીકી લાગે છે.
આજની શિક્ષિત માતાઓને બાળક જોઈએ છે પણ જ્યારે બાળક તેમના જીવનમાં કેન્દ્રસ્થાને નથી ત્યારે બાળઉછેરમાં અનુભવાતી મુશ્કેલીઓનો ઉપચાર પુસ્તકમાંથી પ્રાપ્ત થાય છે. પુસ્તક કુલ 45 પ્રકરણોમાં વિભાજિત છે, જેમાં સંતાનના ઉછેરમાં શું મહત્ત્વનું, શિક્ષણ કે સંસ્કાર ? સંસ્કારોનું વાવેતર, સંતાનનું ઘડતર - એક સાધના વગેરેમાંથી માતા-પિતાની ભૂમિકાની યોગ્ય સમજ પ્રાપ્ત થાય છે. તો વળી નિ:સહાય સંતાનો, બાળકને મહામૂલું બાળપણ માણવા દો, બાળક અને રમકડું : બે અવિભાજ્ય અંગો જેવા પ્રકરણમાં એ વાત સમજાય છે કે અજાણતાં પણ બાળક આપણા વાણી-વર્તનથી કેટકેટલી માનસિક યાતનાઓમાંથી પસાર થાય છે.
આજે જ્યારે ચોતરફ કમ્પ્યુટર, મોબાઈલ અને ટેબલેટ વચ્ચે ઊછરતા બાળકને જોઈએ છીએ ત્યારે અવશ્ય એવું લાગે છે કે બાળકનો ઉછેર કરવો એ વાસ્તવમાં એક શીખવા યોગ્ય કળા છે અને આજની માડર્ન મમ્મીઓ અને ભાવિ મમ્મીઓ માટે આ કળા હસ્તગત કરવા માટે આ પુસ્તક એક ખજાનો છે. વાંચીને લૂંટાય એટલો લૂંટવા માટે મમ્મીઓ થઈ જાવ તૈયાર...
|