Tamara Balakne Shu Shikhavsho?
તમારા બાળકને શું શીખવશો ? – શ્રી ભાણદેવ
બાળઉછેરને લગતી આ સુંદર માર્ગદર્શિકા
તમારા બાળકને આટલું જરૂરથી શીખવજો.
[1] તમારું બાળક સુંદર, સુવાચ્ય અક્ષરે લખે તેમ તેને શીખવજો. ખરાબ અક્ષરો અધૂરી કેળવણીની નિશાની છે. ખરાબ અક્ષરથી લખનાર વ્યક્તિને માત્ર પરીક્ષામાં નહિ, પરંતુ અન્ય અનેક ક્ષેત્રોમાં શોષાવું પડે, તેવી શક્યતા છે અને સારા અક્ષરથી લખનાર વ્યક્તિને માત્ર પરીક્ષામાં જ નહિ, પરંતુ અન્ય અનેક ક્ષેત્રમાં વિશેષ ગુણ મળે છે. સુંદર, સુવાચ્ય, સુઘડ અને મરોડદાર અક્ષરે લખવું તે એક વિશેષ યોગ્યતા છે અને તમારા બાળકને આ યોગ્યતાનો લાભ મળે તેટલું કરજો.
એક વાર ખરાબ અક્ષરની ટેવ પડે પછી મોટી ઉંમરે તેમાં સુધારણા કરવાનું કાર્ય અશક્ય નથી, પરંતુ મુશ્કેલ છે. તેથી પ્રારંભથી જ બાળકને સુંદર અક્ષરે લખતાં શીખવજો. બીજા કે ત્રીજા ધોરણમાં તેથી પણ આગળ ભણનાર બાળકના અક્ષર ખરાબ થતાં હોય તો હવે તેને સારા અક્ષરે લખતાં શીખવી શકાય કે નહિ ? જરૂર શીખવી શકાય. ખરાબ અક્ષરે લખનાર બાળક સુંદર અક્ષરે લખતું થાય તે કાર્ય અશક્ય પણ નથી અને મુશ્કેલ પણ નથી. ઉંમર જેમ નાની તેમ આ સુધારણા સરળ છે. આમ છતાં વ્યક્તિ ધારે તો કોઈ પણ ઉંમરે પોતાના ખરાબ અક્ષરોને સુંદર બનાવી શકે છે. ઉત્તમ તો એ જ છે કે પ્રારંભથી જ બાળક સારા અક્ષરે લખે તેમ ગોઠવવું પણ તેમ ન બન્યું હોય તો હજુ પણ મોડું થયું નથી. બાળકના અક્ષરમાં સુધારો કરી શકાય છે. જેટલાં વહેલાં જાગીએ તેટલું સારું, પણ અશક્ય તો ક્યારેય નથી. તમારા બાળકને સારા અક્ષરે લખવાની ટેવ પડે તે માટે આટલું કરી શકાય – સારા અક્ષરે લખવા માટેની અભ્યાસપોથી મળે છે, તેનો ઉપયોગ કરવો. શિક્ષકો અને માતા-પિતા તથા અન્ય વડીલો બાળક સારા અક્ષરે જ લખે તેવો આગ્રહ, ચીવટ રાખે અને તે માટે બાળકને સતત મદદ કરતા રહે. સારા અક્ષરે લખવું ખૂબ જરૂરી છે, તે વાત બાળકના મનમાં મૂકો. બાળકને સારા અક્ષરનો મહિમા સમજાવો.
[2] બાળકના જીવમાં ઓછામાં ઓછી કોઈ એક કળાને સ્થાન હોય તેમ ગોઠવો. સંગીત, ચિત્ર, શિલ્પ, નૃત્ય, ફોટોગ્રાફી – આ કે આવી કોઈ લલિત કળા બાળકના જીવમાં કાંઈક અંશે સ્થાન પામે તે બાળકના હૃદયના વિકાસ માટે આવશ્યક છે. શિક્ષકો અને માતા-પિતા તથા વડીલો જાગૃતિપૂર્વક બાળકના ચિત્તમાં આવી કોઈ કળા પ્રત્યે અભિમુખતા વિકસાવી શકે છે.
[3] બાળક મધુર માનવસંબંધોની કળાનો મહિમા નાની વયથી શીખે અને તે કળા હસ્તગત કરે, જીવનમાં તે કળાને સમુચિત સ્થાન આપે, તે બાળકના ભાવિ જીવન માટે અને બાળકના સમતોલ જીવનવિકાસ માટે બહુ આવશ્યક છે. બાળક સંબંધમાં આવનાર સૌની સાથે મધુર વાણી બોલે, મધુર વ્યવહાર રાખે – આ કળા બાળકને શીખવો. એટલું જ નહિ, મધુર વાણી, મધુર વ્યવહાર અને મધુર માનવસંબંધોનો મહિમા પણ તેને સમજાવો.
[4] તમારા બાળકને તરતાં શીખવજો, તમારા બાળકને થોડું કરાટે શીખવજો. બાળકના વ્યક્તિત્વના વિકાસમાં આ અને આવી કળાઓનું પણ કાંઈક પ્રદાન છે. બાળક શરીરથી સ્વસ્થ અને બળવાન બને, મનથી નિર્ભય બને તે માટે આવી કળાઓનું શિક્ષણ ઉપયોગી થઈ શકે તેમ છે.
[5] નાની વયથી જ બાળકના ચિત્તમાં સારાં પુસ્તકો વાંચવાનો રસ લગાડી દેજો. ઉત્તમ પુસ્તકોના વાચન દ્વારા બાળકના જીવનમાં ઘણું આવશે. નાની વયને અનુરૂપ સારાં પુસ્તકો મૂકતા રહો અને પુસ્તકો વિશે વાતો પણ કરતા રહો.
[6] બાળકના જીવનવિકાસમાં યાત્રા-પ્રવાસનું પણ ઉત્તમ પ્રદાન થઈ શકે છે. યાત્રાપ્રવાસના માધ્યમ દ્વારા બાળકનું વિશ્વ વિસ્તૃત બને છે. શાળા દ્વારા આયોજિત યાત્રા-પ્રવાસમાં બાળકને જરૂર મોકલો અને તમે પણ બાળકને યાત્રા-પ્રવાસમાં શક્ય હોય તો અવાર-નવાર અવશ્ય લઈ જજો. નાની વયથી જ બાળકના ચિત્તમાં યાત્રા, પ્રવાસ, સાહસપ્રવાસ, પગપાળા પ્રવાસ આદિ પ્રવાસનાં ભિન્નભિન્ન સ્વરૂપો પ્રત્યે રસ-રુચિ ઉત્પન્ન થાય અને વિકસે તેમ ગોઠવજો.
[7] બાળકને નાની વયથી જ તેની વયને અનુરૂપ યોગાસન-પ્રાણાયામ શીખવજો. એટલું જ નહિ, પરંતુ બાળક તેનો નિત્ય અભ્યાસ કરે તેમ પણ ગોઠવજો. શરીર અને મન સ્વસ્થ અને સમતોલ રહે, તે માટે યોગાભ્યાસ ખૂબ મૂલ્યવાન સાધન છે. બાળકને યોગાભ્યાસનો મહિમા પણ સમજાવજો. બાળકને યોગના વર્ગોમાં મોકલો. તેમના હાથમાં યોગનાં સચિત્ર સરળ પુસ્તકો આપતા રહેજો. કોઈ છીછરા અને લેભાગુ યોગશિક્ષકના હાથમાં બાળકને સોંપશો નહિ. બાળકને યોગ શીખવો પરંતુ સાચા અને સારા જાણકાર શિક્ષક દ્વારા જ તે યોગ શીખે તે આવશ્યક છે.
[8] તમારું બાળક ઘરમાં બેસીને મીઠાઈ ખાઈ રહ્યું છે. તે વખતે પડોશમાં રહેતો તેનો સમવયસ્ક મિત્ર આવશે તો તમે તમારા બાળકને શું કહેશો ? બાળકને કહેજો, ‘બેટા ! તારો મિત્ર આવ્યો છે, તેને પણ મીઠાઈ આપ. એકલા એકલા ન ખવાય !’ બાળક પોતાના મિત્રને મીઠાઈ આપે એટલે તેને બિરદાવો. આ રીતે અને આવી અનેક રીતે બાળકને વહેંચીને ખાવાના અને અન્યને ખવડાવીને ખાવાના સંસ્કાર આપો. સાવધાન ! તમારું બાળક સ્વાર્થી અને એકલપેટું ન બની જાય તેની કાળજી રાખો.
[9] તમારું બાળક ઝઘડાખોર અને મારકણું ન બની જાય તેની કાળજી રાખો. બાળક પોતાના ભાઈઓ-બહેનો, શેરીનાં બાળકો અને શાળાનાં બાળકો સાથે મૈત્રીભાવ રાખે, કોઈની સાથે ઝઘડો કે મારામારી ન કરે તેવી રીતે તેનું ઘડતર કરો. ભાઈલાઓ પોતાની બહેનો પર હાથ ઉપાડે છે અને ભાઈલાઓની આ શિરજોરી આપણે ચલાવી લઈએ છીએ. તમારો પુત્ર તમારી પુત્રી પર હાથ ઉપાડે તો તે ગંભીર અપરાધ છે. તમારા પુત્રના વ્યવહારમાં આવી કુટેવ આવી ન જાય તેની ખૂબ કાળજી રાખજો. બાળક સૌની સાથે સંપીને રહે, તેવી કેળવણી થવી જોઈએ, તેવા સંસ્કાર તેને મળવા જોઈએ.
[10] બાળકને નાની વયથી સ્વચ્છતા, સુધડતા અને વ્યવસ્થાની ટેવ પડે તેની કાળજી રાખો. તે માટે ઘરનું પરિસર સ્વચ્છ રાખો, બાળકનાં કપડાં-પથારી-શરીર આદિ સ્વચ્છ રાખો, બાળકને સ્વચ્છતા-વ્યવસ્થા અને સુઘડતાનો મહિમા સમજાવતા રહો.
[11] વયને અનુરૂપ રહીને તમારું બાળક પોતાનું કાર્ય પોતાની જાતે કરે તેવી તેને ટેવ પાડો. આ જ ટેવ મોટી ઉંમરે તેનામાં સ્વાવલંબન વૃત્તિરૂપે પ્રગટ થશે, વિકાસ પામશે.
[12] બાળકને પ્રેમ આપો, ખૂબ પ્રેમ આપો. આમ છતાં અતિલાલન ત્યાજ્ય છે. અતિલાલનથી બાળક પંગુ બની જાય છે. બાળક વધારે પડતું ચાગલું બની જાય અને પોતાનું ધાર્યું જ કરે તેવી ટેવ પડે તે ઈષ્ટ નથી.
[13] બાળકને કોઈપણ સંયોગોમાં મારશો નહિ. બાળકને ધમકાવવું કે ડરાવવું નહિ. બાળકને સતત સલાહ આપ્યા કરવી કે સતત ઠપકો આપ્યા કરવો – આ રીત સારી નથી. તેનાથી બાળક નીંભર બની જાય છે. બાળકને સતત ઉતારી પાડવાથી તેનામાં લઘુતાગ્રંથિ ઊભી થાય છે. આ બધું છતાં બાળક કહે તેમજ આપણે કરવું જોઈએ, તે બરાબર નથી. બાળકની અનુચિત માગણી પૂરી ન કરવી.
તમારા બાળકને શું શીખવશો ? – આ યાદી અહીં પરિપૂર્ણ થઈ જાય છે તેમ નથી. અહીં થોડી નમૂનારૂપ બાબતોનો ઉલ્લેખ કર્યો. જાગ્રત વાલી પોતાના બાળકને આ અને આવું બીજું ઘણું શીખવી શકે
સાભાર : રીડ ગુજરાતી .કોમ
બાળ ઉછેર પર અન્ય રસપ્રદ પુસ્તકો માટે અહીં ક્લિક કરો
|