અઘરો છે આ પ્રેમ ને અઘરા છે આશીર્વાદ !
સંજીવ શાહ
આ પુસ્તક વર્જીનીઆ એક્ઝ્લીન નામના લેખિકાના 'ડીબ્ઝ ઇન સર્ચ ઓફ સેલ્ફ ' પુસ્તકમાંથી પ્રેરિત થયેલ છે.
આ પુસ્તક નથી તો કોઈ કાલ્પનિક વાર્તા, સત્યકથા, કે સત્યકથા આધારિત વાર્તા. એ ત્રણેય છે; અને છતાં એ બાળશિક્ષણ સાથે સંકળાયેલ શિક્ષકો માટેની માર્ગદર્શિકા વધારે છે. કદાચ ગુજરાતી સાહિત્યમાં આ પ્રકારનું સાહિત્ય જવલ્લે જ જોવા મળે છે. અને આમ હોવા છતાં એ વાચકના મન ઉપર જબરી છાપ છોડી જાય છે.
એવું તો શું છે આ પુસ્તકમાં ?
આ એક બાળકના માનસિક ઉત્થાનની કથા છે. બાળમાનસની અભ્યાસી, એક વિશિષ્ઠ શિક્ષિકાની યથાર્થ રીતે, યશોગાથા ગાતી સત્યકથા આધારિત આ વાર્તા છે.
વાર્તાની શરૂઆત આ રીતે થાય છે.
અમેરિકામાં જન્મેલ અને ઉછરેલ ડીબ્ઝ ( કાલ્પનિક નામ) નામનો બે વર્ષનો બાળક ન્યુયોર્કની એક શાળાના છૂટવાના સમયે, સાવ એકલો, અટૂલો, સંતાઈને ઊભો છે. એને ઘેર નથી જવું. જો કે, શાળામાં પણ એ કોઈની સાથે ભળતો નથી. તે આક્રમક છે. તે કશું બોલતો પણ નથી. તેની માતા તેને પરાણે ઘેર લઈ જાય છે.
….
અને છેલ્લા પ્રકરણમાં વીસ વર્ષનો ડીબ્ઝ એક સમારંભમાં વ્યાખ્યાન આપે છે. જેમણે નેતૃત્વ અને સામાજિક સેવાના ક્ષેત્રે વિશિષ્ઠ યોગદાન કર્યું હોય તેવા ત્રણ આશાસ્પદ યુવાનોનું બહુમાન કરવા માટેનો એ સમારંભ છે. પોતાના બાળપણમાં છ જ મહિનાના જેના પ્રયત્નોથી આ પરિવર્તન શકય બન્યું હતું; તે બાળશિક્ષિકા મેરીને પોતાની સિદ્ધિનો બધો યશ તે સમર્પિત કરે છે.
ડીબ્ઝની બાળપણની બહુ જ અસામાન્ય કહી શકાય તેવી, મર્યાદાઓ તેના સમૃદ્ધ અને પોતાના વ્યવસાયમાં અત્યંત પારંગત એવા એના માબાપના વર્તન અને અભિગમને કારણે હતી. છ જ મહિનાના ટૂંકા ગાળામાં ડીબ્ઝ અને તેના માબાપના માનસમાં મેરી અકલ્પનીય પરિવર્તન લાવી શકી.
શી રીતે આ અશક્ય વાત શક્ય બની?
એ માટે તમારે આ જકડી રાખતી વાર્તા વાંચવી જ પડશે.
પણ આ વાત એક મહાન સંદેશ આપણા મન પર છોડતી જાય છે. અમેરિકાનું એક અત્યંત સમૃદ્ધ કુટુમ્બ ઘણા ખર્ચે, મેરી જેવી, બાળમાનસની જ્ઞાતા, અને અપ્રતિમ રીતે મેધાવી શિક્ષિકાની સહાયથી અને પોતાની માનસિક જાગૃતિથી, એક બહુ જ અસામાન્ય બાળકનું પરિવર્તન કરવા શક્તિમાન બન્યું. પણ…..
• કરોડો બાળકો એમનાં માબાપોની માન્યતાઓ, નાણાંકીય અને માનસિક મર્યાદાઓ અને સંયોગોના શિકાર બની; બહુ જ સીમિત અને વિકૃત વિકાસ પામતાં હોય એમ નથી લાગતું?
• એ સૌ પોતાના માટે, પોતાના હયાત, અને ભાવિ કુટુમ્બ , તેમજ આખા સમાજ માટે બોજા અને સમસ્યારૂપ બની જતાં નથી હોતાં?
• વિકાસની આ વિકૃત શૃંખલાઓથી માનવજાત જકડાઈ ગઈ નથી?
પુસ્તકમાંનાં બે સરસ વાક્ય –
‘ ડીબ્ઝ તદ્દન બદલાઈ ગયો હતો. હવે તેણે પોતે જેવો છે , તેવો કેવી રીતે બની રહેવું; પોતાનાં આત્મવિશ્વાસ, આંતરિક સ્વાતંત્ર્ય અને ગૌરવને કેવી રીતે જાળવી રાખવાં – તે શીખી લીધું હતું – તે હવે બાળક બની શક્યો હતો.
…
‘ આપણું જીવન અને આપણું વ્યક્તિત્વ એ આપણા વિચારો, માન્યતાઓ, ભાવનાઓ તથા આપણા સંબંધો, અનુભવો અને સંઘર્ષોનો સરવાળો જ હોય છે.’
|