આ છે સિઆચેન - હર્ષલ પુષ્કર્ણા
Aa Chhe Siachen Vishwana Sauthi Visham Yuddhashetrani Mulakatnu Safarnamu (Gujarati) by Harshal Pushkarna
With Coloured Pictures (રંગીન ચિત્રો સાથે)
સિઆચેનમાં ફરજ બજાવતા આપણા હિમપ્રહરીઓની હર્ષલ પુષ્કર્ણાએ રૂબરૂ મુલાકાત લઇને તૈયાર કરેલા દળદાર, રંગીન પુસ્તક.
તારીખ નવેમ્બર ૧૧, ૨૦૧૫ અને દિવસ દિવાળીનો હતો. લદ્દાખના પ્રવાસે ગયેલી ‘સફારી’ની ટીમ એ દિવસે જગતની સૌથી ઊંચાઇએ આવેલી યુદ્ધભૂમિ સિઆચેનના લશ્કરી બેઝ કેમ્પ પહોંચી હતી. મુલાકાતનો મુખ્ય ઉદ્દેશ તો જાણે સિઆચેનમાં આપણા નરબંકા જવાનો શી કામગીરી બજાવે છે તેની જાણકારી મેળવી ‘સફારી’ના વાચકોને તે અંગે માહિતગાર કરવાનો હતો. પરંતુ તે ઉપરાંત વધુ એક ઉદ્દેશ હતો: સિઆચેનની અજાણી, અલિપ્ત દુનિયામાં રહેતા ખુશ્કીદળના જવાનો સાથે દિવાળી મનાવી મીઠાઇ વડે તેમનું મોં મીઠું કરાવવાનો ! આ ઉદ્દેશ બર લાવવા માટે ‘સફારી’ની ટીમે પોતાની સાથે ૧૦ કિલોગ્રામ મીઠાઇ રાખી હતી. (જુઓ, ‘સફારી’ અંક નં. ૨૫૯; ડિસેમ્બર, ૨૦૧૫). બેઝ કેમ્પની મુલાકાત દરમ્યાન એક લશ્કરી અફસર જોડે લાંબા વાર્તાલાપમાં મને જાણવા મળ્યું કે દર વર્ષે ભારતીય ખુશ્કીદળ કુલ ૪૦ નાગરિકોને સિઆચેનના ઉત્તુંગ પહાડોમાં આવેલી આપણી લશ્કરી ચોકીઓની મુલાકાતે લઇ જાય છે. ‘સિઆચેન સિવિલિઅન ટ્રેક’ કહેવાતો એ પ્રવાસ સપ્ટેમ્બર માસમાં યોજાતો હોય છે અને તેમાં પસંદગી વહેલો તે પહેલોના ધોરણે કરવામાં આવે છે.
આ તો લાખો મેં એક જેવો અવસર ! ‘સિઆચેન સિવિલિયન ટ્રેક’માં જોડાવાનો નિર્ણય મેં તત્કાળ લઇ લીધો. નિર્ણય પાછળનો હેતુ હિમાલયના પહાડોમાં દિવસરાત ફરજ બજાવતા આપણા હિમપ્રહરીઓની કામગીરી નજીકથી જોવાનો, શૂન્ય નીચે ૨૫થી ૪૦ અંશ સેલ્શિઅસના વિષમ હવામાનમાં તેમણે વેઠવી પડતી વિવિધ શારીરિક તકલીફોથી માહિતગાર થવાનો, સિઆચેનની રોજિંદી કામગીરી જાણવાનો અને પછી એ તમામ અજાણ્યાં પાસાંને સચિત્ર વર્ણવતું પુસ્તક વાચકો સમક્ષ મૂકવાનો હતો. આમ કરવું જો કે સહેલું ન હતું. બલકે એમ કહો કે અત્યંત (ફરી વાંચો, અત્યંત) કસોટીભર્યું હતું. સિઆચેનના ઉત્તુંગ પહાડોનું આરોહણ કરવું, ત્યાંનું મર્યાદિત ઓક્સિજનવાળું વિષમ વાતાવરણ સહેવું અને કડકડતી ઠંડી વેઠવી એ જેવાતેવાનું તો કામ જ નહિ. શરીરની તેમજ મનની ડગલે ને પગલે આકરી પરીક્ષા લેવાય, જેમાં દર પળે ઉત્તિર્ણ થવું જ રહ્યું. આમાં મુખ્ય તો બે મોટા પડકારો હતા. પહેલો પડકાર સિઆચેનની શૂન્ય નીચે ૨૫થી ૪૦ અંશ સેલ્શિઅસની ઠંડી સહેવાનો, તો બીજી ચેલેન્જ સમુદ્રસપાટીથી સરેરાશ ૧૮,૦૦૦ ફીટ ઊંચા પર્વત પર આરોહણ કરવાની તેમજ એટલે ઊંચેની પાતળી, ઠંડી, ઓક્સિજનના મર્યાદિત પુરવઠાવાળી હવામાં શરીરના સ્વાસ્થ્યને ટકાવી રાખવાની હતી. આ બેઉ સાથે બાથ ભીડવાની તૈયારી હોય તો જ સિઆચેન જઇ શકાય. બાકી તો વિચાર સુધ્ધાં કરાય નહિ.
આ એડવેન્ચર ટ્રિપ દરમ્યાન કેવા કેવા અનુભવો થયા, જવાનોના તથા અફસરોના મોઢે શી માહિતી મળી, સિઆચેનની હોસ્પિટલમાં સારવાર લેતા દરદીઓની આપવીતી શી હતી, રસોઇયાઓથી માંડીને હેલિકોપ્ટર પાઇલટ સુધીના તમામ લોકો અહીં શી કામગીરી બજાવે છે અને તે કામગીરીમાં કેટકેટલી કસોટીઓ છે વગેરે અંગેની જાણકારી ની હર્ષલ પુષ્કર્ણાએ રૂબરૂ મુલાકાત લઇને તૈયાર કરેલા દળદાર, રંગીન પુસ્તક.
|