Thor Heyerdahl
પંદર સૈકાઓ પહેલા દક્ષિણ અમેરિકાના આદિવાસીઓ વાપરતા તેવા વાંસના તરાપા પર ચઢીને વીસમી સદીના મધ્યમાં પેસિફિક મહાસાગરનો ૪,૩૦૦ માઈલનો પટ ઓળંગનારા છ યુરોપી જવાંમર્દોની આ આપવીતી આપણા જમાનાની શ્રેષ્ઠ સાહસકથા બની રહી છે. પંદરથી વધુ ભાષાઓમાં તેના અનુવાદો થયા છે તો કરોડો નકલો વેચાઈ ગઈ છે. વાત મૂળ તો લગનની છે. લેખક નોર્વેના વતની છે અને દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલીયા વચ્ચે આવેલા ટાપુઓમાં વસતા લોકોના પૂર્વજો ક્યાંથી ત્યાં પહોંચ્યા એ વિશે મતમતાંતરો હતાં, શ્રી હાયરડાલે સાબિત કરવાનો યત્ન કર્યો કે તેઓ દક્ષિણ અમેરીકાથી જ ત્યાં જઈને વસ્યા હોવા જોઈએ. જો કે તેમના આ દાવાને સજ્જડ ફગાવી દેવાયો. દક્ષિણ અમેરીકાથી મધ્ય પેસિફિકનો આ ૪૩૦૦ માઈલનો પંથ ૧૫૦૦ વર્ષ પહેલા કઈ રીતે પાર કરી શકાય એ પ્રશ્નનો ઉત્તર આપવા તેમણે વાંસના તરાપા પર આ આખોય પ્રવાસ ખેડ્યો. પ્રસ્તુત છે આ પુસ્તક વિશે કેટલીક વાત અને અંશો. શ્રી મહેન્દ્ર મેઘાણીએ વિશ્વના કેટલાક અપ્રતિમ પુસ્તકોનો અનુવાદ કરી આપણી ભાષાનું અનેરું ગૌરવ કર્યું છે અને સાથે આપણા માટે વિશ્વ સાહિત્યની નવી ક્ષિતિજ પણ ખોલી આપી છે.
પુસ્તક વાંચતા સમયનું ભાન ન રહે, એક બેઠકે વાંચવાનું મન થાય એવું આ પુસ્તક જાણે દિલધડક સાહસના આપણે એક ભાગ હોઈએ એવી લાગણી આપ્યા વિના ન રહે.