Siddhayog Sangrah By Vishnu Jadavji Acharya
સિદ્ધયોગ સંગ્રહ - લેખક: જાદવજી ત્રિકમજી આચાર્ય- વૈધવાચસ્પતિ 'આયુર્વેદ માર્તંડ'
સંવર્ધિત સંસ્કરણ:વિષ્ણુદત્ત જાદવજી આચાર્ય
આયુર્વેદના ચિકિત્સાગ્રંથોમાં દરેક રોગ માટે અનેક ઔષધો લખાયા છે. પ્રાચીન ગ્રંથકારોએ તે ઔષધો ચોક્કસ પોતાના અનુભવના જ નિષ્કર્ષરૂપે લખ્યા હોવા જોઈએ તો પણ અમુક ઔષધો વધારે ગુણકારક છે. કયા રોગના મારણ-નિવારણ અર્થે કયું ઔષધ પસંદ કરવું તે ચિકિત્સક સામે કઠીન સમસ્યા હોય છે.
આ સૌના માટે માર્ગદર્શક નીવડે તે અર્થે 50 વર્ષના અનુભવના આધારે તથા શાસ્ત્રીય સંદર્ભોના આધારે પ્રસ્તુત ગ્રંથ 'સિદ્ધયોગ સંગ્રહ' શ્રી જાદવજી ત્રિકમજી આચાર્યજીએ તૈયાર કર્યો છે.
'સિદ્ધયોગ સંગ્રહ' ગ્રંથમાં કુલ 283 દ્રવ્ય બનાવવાની રીત, માત્રા અને અનુપાન તેમજ તેના ઉપયોગ વિશે સવિસ્તાર જણાવેલ છે.
આયુર્વેદનું એક અજોડ અને અસરકારક ઔષધ :'પંચગુણ તેલ'
રાંઝણના કારણે પગમાં દુઃખાવો થતો હોય, કાનમાં સણકા આવતા હોય, કશુંક વાગી જવાથી તીવ્ર પીડા થતી હોય અને મૂઢમાર કે મચકોડના કારણે સોજો આવી ગયો હોય તેવી સ્થિતિમાં આ તેલ ખૂબજ ઉપયોગી છે.
આમવાત સિવાયના સાંધાના દુઃખાવામાં એટલે કે ઓસ્ટિયોઆથ્રાઈટિસમાં પણ સાંધા પર આ તેલ ચોળીને શેક કરવામાં આવે તો તરત રાહતનો અનુભવ થાય છે. કાનમાં સખત દુઃખતું હોય ત્યારે વાત વિધ્વંસન રસની બે બે ગોળી સવારસાંજ ગળવામાં આવે અને આ તેલના કાનમાં ટીપાં પાડી હળવો ગોટાશેક કરવામાં આવે તો તરત સણકા ઓછાં થઈ જાય છે અને થોડા દિવસ રોજ આ ટીપાં પાડવામાં આવે તો કાનનો દુઃખાવો અથવા સણકા શમી જાય છે. કમરમાં અસહ્ય દુઃખાવો થતો હોય ત્યારે પણ ત્રયોદશાંગ ગૂગળની બે બે ગોળી સવાર સાંજ ચાવી જવાથી અને કમર પર માલિશ કરી શેક કરવાથી રાહતનો અનુભવ થાય છે. પીઠ કે છાતી પર મસ્ક્યુલર પેઈન થતું હોય, દુઃખાવો દાદ ન આપતો હોય ત્યારે પણ મહાવાત વિધ્વંસન રસની બે બે ગોળી સવાર સાંજ ચાવી જઈ છાતી તથા પીઠ પર માલિશ કર્યા પછી શેક કરવાથી દુઃખાવો દૂર થાય છે.
આટલું બધું ઉપયોગી આ ઔષધ 'પંચગુણ તેલ' નામથી પ્રખ્યાત છે. 'સિદ્ધયોગ સંગ્રહ' નામના ગ્રંથમાં વાત વ્યાધિ અધિકારમાં આ તેલનું વર્ણન મળે છે. વાત વ્યાધિ એટલે વાયુથી થતા રોગો. વેદના પ્રધાન વાયુના રોગોમાં આ તેલનો બાહ્ય ઉપયોગ થાય છે. શરીરના બાહ્ય અંગોમાં ક્યાંય પણ દુઃખાવો થતો હોય ત્યાં આ તેલ લગાવવાથી પીડામાં રાહત થાય છે.
આ તેલ જો જાતે બનાવવું હોય તો...
પાણીને બાદ કરીએ તો આ તેલમાં કુલ પંદર ઔષધોનો સમાવેશ થાય છે. હરડે, બહેડા અને આમળા (એટલે કે ત્રિફળા) એ દરેક પચાસ પચાસ ગ્રામ લઈ એનો જવકૂટ ભૂકો બનાવી લેવો. ત્યારબાદ લીમડાના અને નગોડના તાજા દોઢસો દોઢસો ગ્રામ પાન લાવી કૂટી નાખવા. એ પછી આ પાંચે દ્રવ્યનો કલ્ક એક કલઈ કરેલા પિત્તળના અથવા સ્ટીલના વાસણમાં નાખી કલ્કના વજનથી આઠ ગણા એટલે કે ૩૬૦૦ મિ.લિ. પાણીમાં ઉકાળી ચોથા ભાગનું પ્રવાહી બાકી રહે ત્યારે કપડાથી ગાળી તેમાં તલ તેલ ૮૦૦ ગ્રામ તથા મીણ, રાળ, ગૂગળ, શિલારસ અને ગંધ બિરોની એ પાંચ દ્રવ્ય ચાલીસ - ચાલીસ ગ્રામ મેળવી ધીમા તાપે ઉકળવા દેવું. તેલ બરાબર સિદ્ધ થઈ જાય એટલે કે 'ખરપાક' થાય ત્યારે તેલ અને અંદરના (કલ્ક) દ્રવ્યો અલગ પડવા લાગશે. કલ્ક દ્રવ્યોની વાટ થઈ શકશે. અને અગ્નિમાં તેલના છાંટા નાખવાથી તડતડાટ ન થાય તો સિદ્ધ થઈ ગયું છે એમ સમજી ઉતારી ખાદીના કપડાથી ગાળી લેવું અને તેલ થોડું ગરમ હોય ત્યારે જ તેમાં ૫૦ ગ્રામ કપૂર મેળવી હલાવી નાખવું. કપૂર બરાબર ભળી જાય અને તેલ ઠરી ગયું છે એવું લાગે ત્યારે તેમાં પચાસ ગ્રામ ટર્પેન્ટાઈન તેલ, પચીસ ગ્રામ નિલગિરી તેલ અને પચીસ ગ્રામ કેજીપુટી તેલ ઉમેરી મિક્સ કરી કાચના બાટલામાં ભરી લેવું. જરૃર પડે ત્યારે યોગ્ય માત્રામાં એક કટોરામાં કાઢી તેનાથી માલિશ કરવી. અથવા તો જે તે ભાગ પર તેલ ચોપડવું કે ચોળવું. તેલ ચોળ્યા બાદ હળવો શેક પણ કરી શકાય.
Courtesy: Gujarat Samachar/Vatsal Vasani
|