Sardar Sacho Manas, Sachi Vaat
સરદારઃ સાચો માણસ, સાચી વાતો
– લેખકઃ ઊર્વીશ કોઠારી.
સરદાર વલ્લભભાઈ પટેલ ભારતના આઝાદી સંગ્રામમાં પ્રથમ પંક્તિના નેતા રહ્યા. એમના વિશે ઘણું લખાયું છે અને લખાતું રહેશે. કેટલાંયે વર્ષોથી સરદાર વિશે જુદા જુદા પ્રકારની વાતો ચગતી રહી છે. સરદાર દેશના પહેલા વડા પ્રધાન બન્યા હોત તો? આવા સવાલો હંમેશાં “જો…તો”ની ભાષામાં અને સંભાવનાઓના પ્રદેશમાં હોય છે. સૌ પોતાને મનગમતો જવાબ આગળ ધરતા હોય છે. આમ ઇતિહાસની મરણોત્તર પરીક્ષા, જેને આપણે સાદી ભાષામાં પોસ્ટ મોર્ટમ કહીએ છીએ તે, નિરંતર ચાલ્યા કરે છે.
ઊર્વીશ કોઠારીના લેખોનું આ પુસ્તક પણ કદાચ આપણા મનમાં સળવળ્યા કરતા આ અધિતર્ક (હાઇપોથિસિસ)નું જ પરિણામ છે. સવાલ તો લેખકે જાતે જ ઊભો કર્યો છેઃ “જૂના વિષય પર નવું પુસ્તક લખવાનું કામ ઘણી રીતે હતોત્સાહ કરનારું હોય છે. સૌથી પહેલો સવાલ થાય: શું જરૂર હતી પુસ્તક લખવાની?” ( જુઓ, પુસ્તકમાં ‘અંતરની – અને અંદરની – વાત’ , પાનું ૭) એમાં જ આગળ એમણે ખુલાસો આપતાં પોતાનો ઉદ્દેશ છતો કર્યો છેઃ “ (સરદાર) વિશેની વિરોધાભાસી લાગે એવી હકીકતો પણ વાચકો સમક્ષ વધુ વિચાર માટે મૂકી આપવી.”
આમ, આ પુસ્તકના મૂલ્યાંકન માટે લેખકે પોતે જ માપદંડ સૂચવ્યો છે. એમણે સરદારની માત્ર પ્રશંસા કે ટીકા કરવાનો રસ્તો નથી લીધો. ૧૫૦ પાનાંમાં ફેલાયેલાં ૧૦ પ્રકરણોમાં એમણે સરદારના વ્યક્તિત્વનાં વિવિધ પાસાંઓ પર પ્રકાશ પાડવાનો સફળ પ્રયત્ન કર્યો છે. નોંધવા જેવી વાત એ છે કે આ કાર્ય એમણે ભક્તિભાવ દાખવ્યા વિના પત્રકારની તટસ્થતાથી કર્યું છે. અને “વિરોધાભાસી લાગે એવી હકીકતો”માં પણ ખરેખર તો કંઈ વિરોધાભાસી છે નહીં; હા, આના માટે, આપણે વલ્લભભાઈના વ્યક્તિત્વની અંદર જવું પડે. એક વાર આપણે એ કરી લઈએ તો બધું સહેલું થઈ પડે છે. એકંદરે, ઊર્વીશ આમાં સફળ રહ્યા છે, એમ કહેવામાં અતિશયોક્તિ નથી.
વલ્લભભાઈ આપબળે આગળ વધ્યા હતા. એમાં એમનો પ્રચંડ આત્મવિશ્વાસ કામ કરતો હતો, તે એટલે સુધી કે, લંડન જઈને બૅરિસ્ટર થવા માટેની પહેલી તક એમણે જરાયે કચવાટ વિના મોટા ભાઈ વિઠ્ઠલભાઈને આપી દીધી, જાણે એમને બીજી વાર તક મળવાની જ હોય!
ખેડૂત પરિવારમાં જન્મ્યા હોવાથી, એમના વિચારો પણ વ્યવહારની જેમ જમીન પર પગ ખોડીને ઊભા હતા. એમની પાસે સપનાં માટે જગ્યા નહોતી. સપનાં ન જોવાની ટેવને કારણે સરદાર એમની સામે જે પ્રશ્ન હોય તેનો સીધો, અને સફળ થાય એવો, ઉપાય શોધતા. જોકે, આનો અર્થ એ નથી થતો કે સપનાં જોનારા હંમેશાં ખોટા જ હોય. સપનાં એક લાંબા ગાળાનું ‘વિઝન’ આપતાં હોય છે. સરદારનું કશું ‘વિઝન’ હશે? સરદાર એવા તળપદા માણસ હતા કે એમનું વિઝન હશે તો પણ એમણે કદી એને શબ્દોમાં નથી ઉતાર્યું. કોંગ્રેસમાં ગાંધીજીની નિશ્રામાં એમણે મોટાં કામો કર્યાં, તેમ છતાં આમ આદમી જ બની રહ્યા.
‘સરદાર અને અભિવ્યક્તિ’ પ્રકરણનો આ સંદર્ભમાં ખાસ ઉલ્લેખ કરી શકાય છે. સરદારની ધારદાર ભાષા સામાન્ય માણસ સાથે એમને જોડી દે છે. લોકોને ‘પોથીપંડિતાઈ’ લઘુતાગ્રંથિમાં ધકેલી દેતી હોય છે, પણ સરદારની વાણી હૈયા સુધી પહોંચીને સૌને ઉત્સાહિત કરી દે છે. આ નમૂનો જોવા જેવો છેઃ “પુસ્તકિયા કેળવણીની પરવા ન કરો. એવા માણસો ખૂબ મળે છે અને ઘણાખરા ગુજરાત ક્લબમાં નવરા રહે છે. તે ભાડે પણ મળશે….મને વાંચતાં કંટાળો આવે છે. હું કદી વાંચતો નથી. તમને ઊતરેલું ધાન ખાવાની શી ટેવ છે? પારકું શું કામ વાંચ્યા કરો છો? તમારું પોતાનું કંઈક લખો! તમે બારે મહિને મળી હ્રસ્વઈ-દીર્ઘઈની ચર્ચા કરતા એ સાક્ષરોના ટોળામાં (સાહિત્ય પરિષદના અધિવેશનમાં) નહીં જાઓ તો સુખી થશો. મેં કદી આયર્લૅંડનાં કે કૅનેડાનાં બંધારણ વાંચ્યાં નથી. ખેડૂતો આગળ એની શી જરૂર? અખો વાંચો, ગીતા વાંચો. બહુ બહુ તો તુલસી રામાયણ વાંચો…કાશીમાં ખૂબ ભણી એક સંસ્કૃતનો ભારે વિદ્વાન રંગરેજની દુકાને બેઠો હતો, તે હું જાણું છું, પણ સંસ્કૃતને તે શું ઓઢે કે પાથરે? સંસ્કૃતમાં કંઈ બિલ બનાવાય?” (પાનું ૭૦). આજે જોડણીના ચોખલિયાઓ સામે સરદાર આવીને ઊભા રહે તો શું થાય?
સરદાર ગાંધીજીના અનન્ય ભક્ત હોવા છતાં, એમનાથી અલગ થઈને પોતાના રસ્તે ચાલતાં પણ અચકાતા નહોતા. બીજા વિશ્વયુદ્ધ વખતે સરદાર સહિત બીજા નેતાઓ માનતા હતા કે ભારત પર જાપાની કે જર્મન દળો આક્રમણ કરે તો લોકોના રક્ષણ માટે કોંગ્રેસે અહિંસાની નીતિ છોડવી જોઈએ. ગાંધીજી સંમત નહોતા અને એમણે કોંગ્રેસને માર્ગદર્શન આપવાનું બંધ કરવાનો નિર્ણય જાહેર કર્યો. સરદારે એનો સ્વીકાર કરતાં કહ્યુઃ “બાપુજી આપણી પાસે આંધળી વફાદારી નથી ઇચ્છતા. આપણી શક્તિ કેટલી છે એ આપણે એમને સાફસાફ કહી દેવું જોઈએ. કોંગ્રેસની અંદર જે વસ્તુ નથી, તે છે એમ કહી ચલાવવા જઈશું તો ચાલવાનું નથી” (પાનું ૩૧).
વલ્લભભાઈનું વ્યક્તિત્વ ગાંધીજી સાથે પણ ટકરાતું હતું. એમણે એક તબક્કે તો પોતે જ કહી દીધું હતું કે “ગાંધીજી મહાત્મા છે. હું મહાત્મા નથી. મારે મારું કામ પાર પાડવાનું છે”.
સરદારને મન કામ એટલે કામ. એ ક્ષેત્રમાં એમના સાર્વભૌમત્વ સામે ગાંધીજીની શેહમાં આવવા પણ તેઓ તૈયાર ન થતા. સંદર્ભમાં લેખકે ઇન્દુલાલ યાજ્ઞિક, મોરારજી દેસાઈ, સુભાષચંદ્ર બોઝ વગેરે કેટલાયે અગ્રગણ્ય નેતાઓ સાથેના મતભેદોનું નિર્ભીક વિવરણ આપ્યું છે, એ આ પુસ્તકનું જમાપાસું છે. કવિ નાન્હાલાલ સાથે તો સરદારને કાયમ બારમો ચંદ્રમા રહ્યો અને બન્નેના સંબંધો અશિષ્ટતાની હદ વટાવી ગયા હતા. જોકે આ પુસ્તકમાં વલ્લભભાઈના સાથીઓનાં મંતવ્યો આપ્યાં છે, તે જોતાં નાન્હાલાલ વધારે ઉગ્ર હતા અને સામાન્ય વાતચીતમાં પણ ગુસ્સે થઈને “વલભો, વલભો’ કહેતા. સરદાર પણ ગાંજ્યા જાય તેવા નહોતા. કવિ નાન્હાલાલે જ્યારે એમને દ્વન્દ્વયુદ્ધ માટે સ્થળસમય નક્કી કરવા આહ્વાન કર્યું ત્યારે વલ્લભભાઈએ કહેવડાવ્યું: “મારે જગા નક્કી નથી કરવી. જ્યારે અને જ્યાં તું સામે મળશે ત્યાં હું ઠોકીશ!” (પાનું ૮૩).
ઇન્દુલાલ યાજ્ઞિક સાથેના એમના વિવાદના મૂળમાં ઇન્દુલાલની સમાજવાદી વિચારધારા હતી. સામ્યવાદીઓ કે સમાજવાદીઓ તરફ સરદાર નફરતની નજરે જોતા. આટલા દ્વેષનું કોઈ સ્પષ્ટ કારણ તો જાણવા નથી મળતું. બીજી બાજુ, મૂડીદારો સાથે એમના મીઠા સંબંધો હતા. ગાંધીજીની હત્યા થઈ તે બિરલા હાઉસને મ્યૂઝિયમમાં ફેરવવાની વાત આવી ત્યારે સરદારે એને અન્યાયી નિર્ણય ગણાવ્યો અને બિરલાને સરકારે વળતર ચૂકવવું જોઈએ એવો આગ્રહ રાખ્યો.
ગૃહ પ્રધાન તરીકે એમણે રાજ્યોના વિલીનીકરણ અને ભાગલાને કારણે ફાટી નીકળેલાં રમખાણો સામે સખત હાથે કામ લીધું. આમ તો એમણે હિન્દુ અને મુસ્લિમ જેવા ભેદ ન કર્યા, પરંતુ નેહરુની જેમ એમને મુસ્લિમો માટે કૂણી લાગણી પણ નહોતી. બીજી બાજુ, ‘હિન્દુ હૃદય સમ્રાટ’ બનવાની પણ એમને ખ્વાએશ નહોતી. જરૂર પડ્યે હિન્દુઓને ઠમઠોરતાં પણ તેઓ અચકાતા નહોતા. એકંદરે એમણે આ બાબતમાં એક વહીવટકાર તરીકે કામ કર્યું.
નેહરુ અને સરદાર વચ્ચે ભારે મતભેદ હોવાની કલ્પના કરનારા, બન્ને મહાન નેતાઓની અલગ જીવ નદૃષ્ટિ તરફ ખાસ ધ્યાન ખેંચતા હોય છે, પણ એ વાત ભૂલી જાય છે કે ગાંધીજી એ બન્નેને એકબીજાના પૂરક તરીકે જોતા હતા, હરીફ તરીકે નહીં. એટલે જ એમણે બન્નેને એકસાથે જ રાખ્યા. વળી, વલ્લભભાઈનો ઉછેર પરંપરાના વાતાવરણમાં થયો હતો, જેમાં ધાર્મિક મૂલ્યોનો પણ સમાવેશ હતો. નેહરુ બાળપણથી જ પશ્ચિમનાં સ્વાધીનતામૂલક મૂલ્યોથી પ્રભાવિત થયા, તો સરદાર પોતે જે કંઈ કરે તેમાં પરંપરાગત સમાજના કલ્યાણકારી, છતાં કડક એવા સત્તાધીશની પરિકલ્પનાથી પ્રભાવિત હતા. નેહરુને પોતાના વિચારોને અમલમાં મૂકવાના સાધન તરીકે સત્તા જરૂરી લાગતી હતી, તો સરદાર સ્વાભાવિક રીતે જ માનતા કે એમની પાસે સત્તા હતી જ અને એનો અમલ એમણે સુરાજ્ય માટે કરવાનો હતો. સત્તા સંબંધી માનસિકતા બાબતમાં સરદાર નેહરુ કરતાં સફળતાની નજરે હંમેશાં એક કદમ આગળ રહ્યા. આમ, નેહરુ ઘણી વાર દ્વિધાનો શિકાર બનતા, પણ સરદાર સમક્ષ ધ્યેયો સ્પષ્ટ રહ્યાં. તે સિવાય, નેહરુ અને સરદારના આર્થિક નીતિઓ – સમાજવાદ કે મૂડીવાદ - વિશેના મતભેદો તો એ વખતે પણ જગજાહેર હતા અને એની વારંવાર ખોજ કર્યા કરવાનો અર્થ નથી.
ગાંધીજી પણ બૅરિસ્ટર થવા લંડન ગયા અને તે પછી વ્યવસાય અર્થે દક્ષિણ આફ્રિકા ગયા પણ ત્યાં એમના વિચારોમાં ભારે પરિવર્તન આવ્યું. એમના પર પશ્ચિમી ઉદારમતવાદ અને માનવતાવાદની બહુ અસર પડી હતી. સરદારમાં આવું કંઈ પરિવર્તન ન આવ્યું. આ બાબતમાં ગાંધીજી વધારે પ્રગતિશીલ હતા. આઝાદીની લડતમાં શ્રીમંત વર્ગ ગાંધીજી સાથે હતો, પરંતુ એમણે હંમેશાં શ્રમને મૂડીનો જનક માન્યો.
ભારત આઝાદ થયું એ કાળમાં દુનિયામાં સ્વાધીનતાનો વાયરો વાતો હતો અને ૧૯૪૫થી ૧૯૫૫ના ગાળામાં અનેક મુક્તિઆંદોલનોને વિજય મળ્યો. નેહરુએ મુસોલિનીનું મળવાનું આમંત્રણ ઠુકરાવીને આંતરરાષ્ટ્રીય સ્વાધીનતા સંગ્રામોમાં પોતાનું સ્થાન એક અડગ અને નિર્ભય નેતા તરીકે સ્થાપી દીધું હતું. ગાંધીજીએ એમને પહેલા વડા પ્રધાન તરીકે પસંદ કર્યા તેમાં આ પરિબળે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો. વલ્લભભાઈએ ગાંધીજીનું આ આકલન જરાયે વિરોધ વિના સ્વીકારી લીધું અને સત્તાસંઘર્ષથી દૂર રહ્યા. આમ છતાં, ઊર્વીશ કોઠારી કહે છે તેમ, “ સરદારના મૃત્યુ પછી, થોડાં વર્ષોમાં કોંગ્રેસનાં તેવર બદલાવા લાગ્યાં. નેહરુને રાજી રાખવાના પ્રયાસોમાં સરદારની સ્મૃતિ ભૂંસવાનું કમનસીબ રાજકારણ કોંગ્રેસમાં શરૂ થયું?” (પાનું ૧૫). આ ખેલમાં ગુજરાતના નેતાઓ, મોરારજી દેસાઈ, ખંડુભાઈ દેસાઈ અને ઉછરંગરાય ઢેબરની મૌન ધારણ કરવાની નીતિ તરફ પણ લેખકે ધ્યાન દોર્યું છે.
અહીં ઉમેરી શકાય કે કોંગ્રેસના બીજા નેતાઓએ પહેલાં તો સત્તાની લાલચમાં નેહરુની ખુશામત કરવાના હેતુથી સ્વેચ્છાએ મૌન ધારણ કર્યું અને તે પછી, ખાસ કરીને ઇંદિરા ગાંધીના શાસનકાળમાં કોંગ્રેસમાં લોકશાહીનો અંત આવી ગયો અને દેશના સ્વાતંત્ર્ય સંગ્રામમાં અગત્યની ભૂમિકા ભજવનાર બધા નેતાઓને ભુલાવી દેવાની નવી નીતિ શરૂ થઈ. ઇંદિરા ગાંધી પાસે પણ નેહરુના નામ સિવાય બીજી કોઈ મૂડી નહોતી. આમ વાસીદામાં સરદાર જેવું સાંબેલું પણ તણાઈ જાય એ ઇંદિરા ગાંધીની રાજકીય આવશ્યકતા હતી.
પરંતુ સરદારને સીમિત બનાવી દેવામાં એમના નવા ફૂટી નીકળેલા ચાહકોની ભૂમિકા પણ નાનીસૂની નથી. લેખક સરદારના પૌત્ર ગૌતમભાઈને પણ મળ્યા. ગૌતમભાઈએ કહ્યું કે “ સરદારને નેશનલ ફિગરમાંથી સ્થાનિક નેતા તરીકે મર્યાદિત બનાવવા માટે સરદારના આ કહેવાતા પ્રેમીઓ જ જવાબદાર છે” (પાનું ૧૮).
Courtsey: દીપક ધોળકિયા
|