P Kharsanino Vesh By Praful Kharsani
પી ખરસાણનો વેશ :રંગભૂમિના એક ઉમદા કલાકારના જીવન અને કવન વિશે
પ્રફુલ્લ ખરસાણી
પુસ્તકો આનંદ આપે છે. જ્ઞાન અને સમજણ આપે છે. માર્ગદર્શન આપે છે અને નવા વિચારોની દિશા ઉઘાડી આપે છે, એ બધું સાચું છે પણ અમુક પ્રકારના પુસ્તકો જો નર્યા વ્યક્તિસ્તુતિકેન્દ્રી ના હોય તો એ ઈતિહાસને એમાં કાલવી આપીને ટાઈમ કેપ્સ્યુલનું કામ આશ્ચર્યકારક રીતે કરી આપે છે. વ્યક્તિગત વાતોના આલેખનની મિષે એ પ્રાચીનોત્તર ઇતિહાસ પરની રજોટી અને/અથવા તાજેતરના ઇતિહાસના આયના ઉપરનું ધુમ્મસ દૂર કરી આપે છે.
‘પી.ખરસાણીનો વેશ’ જેવું સાર્થક નામ ધરાવતા એવા એક અદભુત પુસ્તકમાં આજે નેવુંના થવા આવેલા ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના સમર્થ અભિનેતા પી.ખરસાણીના જીવન અને કવનને એટલી વિશદ અને અનોખી રીતે નિરુપવામાં આવ્યું છે કે ઇતિહાસલક્ષી કોઈ દસ્તાવેજી ચિત્ર નજર સમક્ષ પેશ થતું હોય એવો અહેસાસ જન્મે. બેશક એમાં ‘પરણે એના ગાણાં ગવાય’ એ ધોરણે એમના વ્યક્તિત્વની ઉજ્જવળતાને જ ઉજાગર કરવામાં આવી છે એ સાચું છે અને એ એમ હોવું ગનીમત પણ છે જ. પણ એમાં જૂના સોના-ચાંદીના દાગીનાને ઉજાળી આપીને હથેળીમાં મૂકી આપવાનો કલાકીય ઉદ્યમ દેખાય છે. એ ઉજ્જવળતા કોઇ ગિલેટની કે કલાઈની ચમકની નથી, એટલે એ ગ્રંથ આ અભિનેતાની અસલી ધાતુ ( મેટલ-ટિમ્બર)નો આજ સુધી વણપ્રીછ્યો રહેલો પરિચયકોશ બની રહ્યો છે.
સિત્તેર સિત્તેર વર્ષોની પી.ખરસાણી (પ્રાણલાલ દેવજીભાઇ-લક્ષ્મણદાસ–ખરસાણી)ની અભિનયયાત્રામાં સાથે રહેનારા એમના નિકટના સહકલાકારોને પણ જેની ખબર નહીં હોય તેવી વાતો બહુ રસપ્રદ તો બની આવી છે જ, પરંતુ તે બધી વાતો સાથે ગુજરાતના રચાતા જતા ઈતિહાસનો સંદર્ભ પણ ઘોળાતો રહ્યો છે, એટલે તેનું દસ્તાવેજી મૂલ્ય પણ પેદા થયું છે.
યાદગાર અને નૉસ્ટાલ્જિક એવી અઢળક તસ્વીરો સાથેનો રૂપિયા 800ની કિમતનો એ ડબલ ડેમી સાઈઝનો 207 જેટલા આર્ટપેપર પર મુદ્રીત થયેલો દળદાર ગ્રંથ તેમના પુત્ર પ્રફુલ્લ ખરસાણીએ વિદ્વાન મિડીયા અભ્યાસી પ્રો.કાર્તિકેય ભટ્ટ સાથે મળીને ભારે ખંતથી તૈયાર કર્યો છે.
|