Hasyano Varghodo
હાસ્યનો વરઘોડો
શાહબુદ્દીન રાઠોડ
શાહબુદ્દીન રાઠોડ ગુજરાતના જાણીતા હાસ્ય કલાકાર અને હાસ્ય લેખક છે. હાસ્ય અને મર્માળી વાતોની રજૂઆત આગવી શૈલીમાં કરવા માટે જાણીતા છે. તેમનો જન્મ ૯ ડિસેમ્બર, ૧૯૩૭, થાન, સુરેન્દ્રનગર ખાતે થયો હતો. વ્યવસાયે તેઓ એક શિક્ષક, હાસ્યકાર તથા લેખક છે.
તેમણે સર્જેલ પુસ્તકોની સર્જનયાત્રા આ પ્રમાણેની છે : મારે ક્યાં લખવું હતું ?, હસતાં-હસાવતાં, અણમોલ આતિથ્ય, સજ્જન મિત્રોના સંગાથે, દુઃખી થવાની કળા, શો મસ્ટ ગો ઓન, લાખ રૂપિયાની વાત, દેવું તો મરદ કરે, મારો ગધેડો દેખાય છે ?, હાસ્યનો વરઘોડો, દર્પણ જૂઠ ન બોલે. તેમણે ૧૦ પુસ્તકો ગુજરાતીમાં અને ૧ પુસ્તક હિંદીમાં લખ્યું છે. તેમનાં પુસ્તકોમાંથી ચાર બીજાં પુસ્તકો ડૉ. જગદીશ ત્રિવેદીએ સંપાદન કર્યાં છે.
નિર્દોષ હાસ્ય સર્જવું, રજૂ કરવું, જીવતરનાં સાદાં સત્યોને તેમાં વણી લેવાં, વાંચવા યોગ્ય કાંઈક લખવું અને લખવા યોગ્ય જીવન જીવવા પ્રયાસ કરવો, તેમને જે માધ્યમો મળ્યાં તેના દ્વારા વિશુદ્ધ હાસ્ય સમાજ સુધી પહોંચાડવાનો તેમણે સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે અને તે પ્રયાસ આજે પણ ચાલુ છે.
દેશ-પરદેશમાં હાસ્યના અનેક કાર્યક્રમો આપીને ગુજરાતી સાહિત્યપ્રેમી અને હાસ્યપ્રેમી જનતાના હૃદયમાં તેમણે વિશિષ્ટ સ્થાન પેદા કર્યું છે - આ તેમની અનોખી સિદ્ધિ છે.
|