Dithun Mein
દીઠું મેં.. -હસમુખ શાહ હસમુખ શાહ વડાપ્રધાનની ઓફિસ (PMO)માં અગત્યની જવાબદારી સંભાળી રહ્યા હતા. એમણે પોતાના 'દીઠું મેં...’ પુસ્તકમાં આ પ્રસંગ નોંધ્યો છે. આ પુસ્તક સૌ ગુજરાતીઓએ વાંચવા જેવું છે. રઘુવીર ચૌધરીએ આ પુસ્તકનું પ્રકાશન કરીને આપણી સેવા કરી છે. મોરારજીભાઇ કોણ હતા તે સૌ જાણે છે, પરંતુ મોરારજીભાઇ 'શું’ હતા તેની જાણ થાય તેવો આ પ્રસંગ છે. હવે હસમુખભાઇના શબ્દોમાં શું બન્યું તે સાંભળીએ: 'આ કેસોની મૂળ તપાસ સી.બી.આઇ.એ કરેલી. તેથી સી.બી.આઇ.ના ડાયરેક્ટરને બોલાવવામાં આવ્યા અને કેસો બંધ કરવા કહેવામાં આવ્યું. સી.બી.આઇ.ના ડાયરેક્ટર એક તટસ્થ, નેક અને બાહોશ અધિકારી હતા. વડાપ્રધાનની ખફગી વહોરીને પણ તેમણે એક કલાક સુધી દલીલ કરી કે જે તથ્યો છે તેને આધારે આ કેસો બંધ ન થઇ શકે... આ લાંબી અને સી.બી.આઇ.ના ડાયરેક્ટર માટે કસોટીરૂપ મુલાકાતનો અંત ત્યારે આવ્યો જ્યારે વડાપ્રધાને સી.બી.આઇ.ના ડાયરેક્ટરની નિષ્પક્ષતા અને હિંમતને અનુમોદન આપ્યું અને કાયદો કાયદાનું કામ કરે તેવો નિર્ણય આપ્યો. આનાથી પક્ષના કેટલાક સિનિયર પ્રધાનો ખૂબ નારાજ થયેલા. મોરારજીભાઇએ જ્યારે વડાપ્રધાનપદ છોડયું ત્યાર પછી આ કેસ બંધ કરી દેવામાં આવ્યા હતા.’ (પાન ૧૮૩-૧૮૪). નીતિયુક્ત મોરારજીભાઇને મળેલા નીતિયુક્ત સી.બી.આઇ. ડાયરેક્ટર કોણ? એ ડાયરેક્ટર હતા મિ. લોબો. જે સી.બી.આઇ.ને સુપ્રીમ ર્કોટ 'પિંજરાનો પોપટ’ (Caged parrot) કહે તેવા સમયે મિ. લોબો જેવા ટટ્ટાર અધિકારી ક્યાંથી લાવવા? વળી એવા અધિકારીની સાચી વાત માન્ય રાખે એવા ટટ્ટાર વડાપ્રધાન પણ ક્યાંથી લાવવા? ક્યાં છે ધર્મ? ક્યાં છે નીતિ? ક્યાં છે વિદુર?' વિચારોના વૃંદાવનમાં ગુણવંત શાહ Blog:http://gunvantshah.wordpress.com