Chintan Ni Pale By: Krishnakant Unadkat
ચિંતનની પળે
- કૃષ્ણકાંત ઉનડકટ
બીજાને તારી સાથે જોઈને ઈર્ષ્યા નથી થાતી,
મને આનંદ છે કે એણે મારી ખોટ પૂરી છે.
- બરકત વિરાણી' બેફામ'
દરેક સંબંધની એક લાઇફલાઇન હોય છે. કોઈ સંબંધ લાંબો હોય છે તો કોઈ સંબંધ ટૂંકો હોય છે. બહુ ઓછા સંબંધ કાયમી હોય છે. સંબંધનું સર્જાવું જેટલું સ્વાભાવિક હોય છે, સંબંધનું તૂટવું પણ એટલું જ નેચરલ હોય છે. જાળવવા હોય તોપણ દરેક સંબંધ જળવાય જ એવું જરૂરી હોતું નથી.
નજીકનો સંબંધ તૂટે ત્યારે દર્દ થાય છે. સંબંધની સાર્થકતા એમાં છે કે તૂટેલા સંબંધને તમે કેવી રીતે જુઓ છો.
આપણે ભલે એવું કહીએ કે બધું ભૂલી જવાનું પણ દરેક વાત, દરેક ઘટના અને દરેક યાદ ભૂલી શકાતી નથી. કંઈક એવું બનતું રહે છે કે આપણે દાટી દીધેલી ઘટનાઓ જીવતી થઈને બહાર આવી જાય છે. બ્રેકઅપ વખતે એક પ્રેમિકાએ તેના પ્રેમીને કહ્યું કે "તું જાય છે એનો વાંધો નથી પણ થોડીક ટિપ્સ આપતો જા કે શું કરૂ તો તું યાદ ન આવે? આટલા પ્રેમથી જુદો ન પડ કે તને નફરત કરવાનું પણ કારણ ન મળે. હા, તને મારી સાથે ન ફાવ્યું કે પછી મને તારી સાથે ન જામ્યું પણ આટલું સાથે જીવ્યો તેનું શું? સપનાં તૂટતાં હોય છે પણ ખુલ્લી થઈ ગયેલી આંખો કહેતી હોય છે કે એ તો તંદ્રાવસ્થામાં જોવાયેલી ઘટનાઓ હતી. તારી સાથે તો ખુલ્લી આંખોએ કેટલો બધો સંબંધ જીવ્યો છે. તારી સાથે જે રોડ પરથી પસાર થઈ છું એ રોડ તો ત્યાં જ છે. જ્યારે ત્યાંથી નીકળીશ ત્યારે શું કરૂ તો તું યાદ ન આવે? બગીચો મને સવાલ કરે કે તું ક્યાં ગયો તો હું શું કહું? તેં આપેલી ગિફ્ટ તો કદાચ ફેંકી દઉં પણ તારા હાથના સ્પર્શને મારા અસ્તિત્વથી કેમ જુદો કરી દઉં? હા, આપણે એકબીજા પરના અધિકારથી મુક્ત થઈએ છીએ પણ એકબીજામાં જીવતી સંવેદનાઓથી કેવી રીતે મુક્ત થવું? આંખોની ભીનાશમાં કોઈ દૃશ્ય ઉભરી આવે તો એને કેમ ખંખેરવું? એ દોસ્ત, હું તને જરાયે યાદ નહીં કરૂ પણ કોઈ કારણોસર તું યાદ આવી જઈશ તો એ પળોને વાગોળીશ જે મેં તારી સાથે જીવી છે. તૂટેલા કે મરેલા સંબંધોને ખભે ટીંગાડી ફરવાની મારી ફિતરત નથી. મેં એ ઉતારી દીધા છે. હું આગળ ચાલું છું પણ જ્યાં મેં આપણા સંબંધોને ઉતાર્યા છે ત્યાં શણગારીને રાખ્યા છે. હું રડીશ નહીં પણ હસી શકીશ કે કેમ તેની કોઈ ખાતરી નથી. હા, એટલો ભરોસો છે કે તને વખોડીશ નહીં, તને શાપ આપીશ નહીં. તારા માટે તો પ્રાર્થના જ કરીશ કે તું જ્યાં હોય ત્યાં ખુશ રહે. મજામાં રહે. હસતો રહે અને જીવતો રહે."
સંબંધો કેવા હતા એ તો ઘણી વખત સંબંધો તૂટે પછી જ ખબર પડતી હોય છે. બે મિત્રો હતા. બંને વચ્ચે અણબનાવ થયો. એક મિત્રને ખબર પડી કે એ તો મારૂ બૂરૂ થાય એવા જ પ્રયત્નો કરે છે. તેણે કહ્યું કે "તેં જ તો મારૂ સારૂ કર્યું છે. હવે તું જ આવું કરે છે? દોસ્તી તૂટી એનો ગમ નથી પણ કડવાશ ખૂટી નથી એનું દુઃખ છે. હું તો તારૂ બૂરૂ ન કરી શકું. તારા વિશે ખરાબ ન વિચારી શકું. મેં તો દોસ્તી તૂટી એ સમયને જ કાપીને ફેંકી દીધો છે. એ સમય જ સાચવી રાખ્યો છે જે સમયે તારી સાથે મજા કરી હતી, તારી સાથે હસ્યો હતો. તું ડિસ્ટર્બ હોય ત્યારે તને ખુશ કરવાનાં પ્લાનિંગ કરતો હતો. હવે તું ખુશ ન રહે કે તું દુઃખી થાય એવું હું કઈ રીતે કરી શકું?"
દુશ્મનનો સામનો કરવાની તાકાત દરેકમાં હોય છે પણ દરેક માણસ દોસ્તમાંથી દુશ્મન થયેલી વ્યક્તિ સાથે નથી લડી શકતો, કારણ કે એમાં માત્ર નફરત નથી હોતી. નફરત તો માત્ર ઉપર છવાઈ ગઈ હોય છે. અંદર તો પ્રેમ અને લાગણી જ હોય છે. નફરતના આ પડને જો હટાવી ન દઈએ તો એ ઘટ્ટ ને ઘટ્ટ થતું જાય છે.
દરેક માણસને દરેક સાથે ફાવે એવું જરૂરી નથી. ઘણી વખત ઘણાં સમય પછી સમજાતું અને પરખાતું હોય છે કે આપણે જેને નજીકના માનતા હતા એ નજીક રાખવા જેવી વ્યક્તિ ન હતી. આવી વ્યક્તિથી દૂર પણ થઈ જવું પડતું હોય છે. આપણે કેવી રીતે દૂર જઈએ છીએ અને દૂર ગયા પછી કેવા રહીએ છીએ એના પરથી નક્કી થાય છે કે આપણામાં સંબંધને સમજવાની ત્રેવડ કેટલી છે.
સાત જનમનો સાથ સમજતા હોઈએ તેની સાથે ઘણી વખત સાત ડગલાં પણ ચાલી શકાતું નથી. રસ્તા જુદા પડતા હોય છે. વ્યક્તિ ખોટી પસંદ થઈ જતી હોય છે. પકડી રાખવા કરતાં છોડી દેવામાં ઘણી વખત વધુ સાર હોય છે, પણ પછી કેટલો ભાર હોય છે?
ભાર વેંઢારવાનો કે ભાર હળવો કરી દેવો તેના પર પણ સુખ અને દુઃખ, ખુશી અને ગમ તથા રિયાલિટી અને ભ્રમનો આધાર હોય છે. એક વ્યક્તિએ કહ્યું કે એને મેં સારો સમજ્યો એ મારો ભ્રમ હતો. હવે તો ભ્રમ તૂટી ગયોને? જે ભ્રમ હોય એને પણ આપણે કેટલો ભૂલી શકતા હોઈએ છીએ?
આપણે ભૂલવું હોતું નથી. આપણે બદલો લેવો હોય છે. આપણે બતાવી દેવું હોય છે. આપણે હિસાબ ચૂકતે કરવો હોય છે. હું સારો છું ત્યાં સુધી સારો છું કે હું સારી છું ત્યાં સુધી સારી છું પણ મને ખરાબ થતાં પણ આવડે છે. ખરાબ થવું અઘરૂ હોતું નથી. સારા થવું જ અઘરૂ હોય છે. હવે મારે કોઈ દિવસ તારૂ મોઢું નથી જોવું એવું કહી દીધા પછી પણ આપણે એ મોઢું ભૂલી શકીએ છીએ?
ઘણી વખત માણસ નવો સંબંધ એટલે શરૂ કરી શકતો નથી, કારણ કે એ જૂનો સંબંધ ખતમ કરી શકતો નથી. સંબંધોનું પોસ્ટમોર્ટમ ન કરો, કારણ કે એમાંથી સવાલો જ નીકળશે, એમાંથી ફરિયાદો જ નીકળશે, એમાંથી આક્ષેપો જ નીકળશે. એવા સંબંધોને દફનાવી દો અને દફનાવી દીધા પછી પણ એના પર ફૂલો જ વાવો, કારણ કે કાંટા વાવશો તો એ કોઈક દિવસ તમને જ વાગશે.
કોઈ વ્યક્તિ ચાલી ગઈ પછી પણ આપણે એ જ ફિકર કરતાં રહીએ છીએ કે એનું શું થયું? મને તરછોડીને એ સુખી ન જ થવો જોઈએ. એ દુઃખી છે એ જાણીને ઘણી વખત આપણને સેડેસ્ટિક પ્લેઝર પણ મળતું હોય છે. એ પ્લેઝર રિયલ કે સાત્ત્વિક હોતું નથી. કોઈનો જ હિસાબ રાખતી વખતે આપણને એ સમજાતું જ નથી કે આપણે કેટલા ખોટમાં છીએ. એમાંય જો આપણાથી જુદી પડેલી વ્યક્તિ સુખી હોય તો આપણાથી ઘણી વાર સહન થતું નથી. જે વ્યક્તિને સુખી કરવા કે સુખી જોવા આપણે ઇચ્છતા હતા એ જ દુઃખી અને હેરાન થાય એવું આપણે ઇચ્છવા લાગીએ છીએ.
જે સંબંધો પૂરા થઈ ગયા હોય એને ભૂલી જાવ અને ભૂલી ન શકો તો પણ બૂરૂ ન ઇચ્છો કારણ કે એનો ભાર આપણે જ સહન કરવો પડતો હોય છે. જિંદગીમાં જુદા પડવું પડતું હોય છે. જુદાં પડીએ પછી જુદા થઈ જવાય તો જ જિંદગી સરળ રહે છે. કંઈ જ બતાવી દેવું નથી, કંઈ જ જોઈ લેવું નથી. જુદી પડેલી વ્યક્તિને જે કરવું હોય એ કરે, આપણે શું કરવું એ આપણે નક્કી કરવાનું હોય છે. વાંચી લીધેલા પુસ્તકને જેમ લાઇબ્રેરીમાં ગોઠવી દઈએ છીએ એ જ રીતે ખતમ થઈ ગયેલા સંબંધને દિલના એક ખૂણામાં ગોઠવી દેવાના હોય છે. એવી રીતે કે ક્યારેક નજરે પડે તો પણ એવી લાગણી થાય કે એક સરસ વાર્તા હતી અને એનું એક પાત્ર હું પણ છું. બૂરૂ ઇચ્છવાથી કોઈનું બૂરૂ થઈ જવાનું નથી પણ ભલું ઇચ્છવાથી કોઈનું ભલું થાય કે ન થાય આપણને તો ચોક્કસ હળવાશ લાગવાની જ છે.
છેલ્લો સીન
કેટલાંય યુદ્ધ એવાં હોય છે, જેમાં હાર જ ખરો વિજય હોય છે.
- ગાંધીજી
http://www.sandesh.com
|