ઝલક : બાળપણની - ઓશો
ઓશોએ ઓરિગોનના તેમના નિવાસ દરમ્યાન -તેમની દંતચિકિત્સાની બેઠકો દરમ્યાન - ચાર શિષ્યોને તેમના પોતાના બુદ્ધત્વ પ્રાપ્ત જીવનના પ્રસંગો અંગ્રેજીમાં કહેલા જે પુસ્તક રૂપે " Glimpses of a Golden Childhood " ના નામે પ્રકાશિત છે.જેનો ગુજરાતી અનુવાદ બે ભાગમાં પ્રકાશિત છે.જેમાં એક " ઝલક : બાળપણની " માં શરૂંઆતના પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે. અને " કથા શાણપણની " માં પાછલા પ્રકરણોનો સમાવેશ કરવામાં આવેલ છે.
સમગ્ર કથામાં ઓશોના બચપણના લોકોનો,તેમની નજીકના પાત્રો તેનો પરિચય અને બુદ્ધત્વની સફર સુધીની કથા છે.પુસ્તકમાં ઓશોને અનહદ ચાહતા અદભૂત નાની છે. તો ઓશોનાબુદ્ધત્વના સહયાત્રીઓ જેવા વિશિષ્ટ પાગલબાબા, મગ્ગાબાબા,અને મસ્તોબાબાછે.સ્કૂલથી કોલેજ સુધીની તેમની યાત્રા છે.
ઓશો રજનીશે પોતાના તર્ક અને તત્ત્વજ્ઞાનથી દુનિયાને ઘેલી કરી હતી. અંગ્રેજીમાં ધારાપ્રવાહ પ્રવચનો કરી એ ભલભલા બૌદ્ધિકોની બોલતી બંધ કરી દેતા. આઠ વર્ષના થયા ત્યાં સુધી એમણે શાળાનું નામ પણ સાંભળેલું નહીં. માતૃભાષા સિવાય કશું આવડતું નહીં. મધ્યપ્રદેશના એક સાવ અંતરિયાળ કુચવાડા નામના ગામમાં નાનીમા પાસે એ દિવસો એમણે પસાર કર્યા હતા. દુનિયાભરના શિક્ષણશાસ્ત્રી, સમાજશાસ્ત્રી અને મનોવૈજ્ઞાનિકો કહે છે કે ગર્ભસંસ્કારથી લઇને બાળક આઠ-નવ વર્ષનું થાય ત્યાં સુધી જે શીખે છે તે જ તેના જીવતરનું ભાથું બને છે. ઓશો પણ એ જ કહે છે. એ કહે છે, 'હું સાત વર્ષમાં જે શીખ્યો એ આખી જિંદગીમાં ન શીખી શક્યો. એ મારા સ્વર્ણિમ દિવસો હતા. કુચવાડા ગામમાં શાળા નહોતી, રસ્તા નહોતા.
દુનિયાની કોઇ ભૌતિક સુખ-સુવિધા ત્યાં નહોતી. ઓશોએ ગામમાં બાળપણનાં નવ વર્ષ વિતાવેલાં. આંતરરાષ્ટ્રીય સ્તરે નામના મેળવ્યા પછી ગામમાં વિતાવેલા એ દિવસો ઓશોનાં મન-મસ્તિષ્ક અને હૃદય પર અમીટ છવાયેલા રહ્યા. ઓશો કહે છે, 'એ ગામમાં શાળા નહોતી તેમ કોઇ રસ્તો, રેલવે કે પોસ્ટ ઓફિસ જેવું કશું નહોતું. કેવો નસીબદાર પાછળથી હું લાખો માણસોના સંપર્કમાં આવ્યો પણ તેઓના કોઇના પણ કરતાં તે ગામના લોકો વધારે સરળ હતા. તેઓને બહારની દુનિયાની કશી જ ગમ નહોતી. એ ગામમાં અખબારે દેખા દીધી નહોતી. કેવું ધનભાગ્ય આ જમાનાનું બાળક આવું ભાગ્યશાળી નહીં હોય.’
એ વખતે બાળક દસ વર્ષનું થાય તે પહેલાં તેને પરણાવી દેવામાં આવતું. કોઇક વખત તો બાળક હજી માતાની કૂખમાં હોય ત્યાં જ તેને પરણાવી દેવામાં આવતું. બે મિત્રો નક્કી કરી લેતા કે 'આપણી પત્નીઓ સગર્ભા છે. જો એકને પુત્ર જન્મે અને બીજીને પુત્રી જન્મે તો આપણે એકબીજાને લગ્નનું વચન આપીએ છીએ.’ છોકરો કે છોકરીની સંમતિ લેવાનો તો પ્રશ્ન જ નહોતો કારણ કે તેઓ જન્મ્યાં જ નહોતાં. ઓશો કહે છે, 'મારી માનાં લગ્ન પણ તે સાત વર્ષની હતી ત્યારે થયેલાં. મારા પિતાની ઉંમર દસ વર્ષની હતી. શું બની રહ્યું છે તેની તેમને કશી ગતાગમ નહોતી. એકવાર મેં એમને પૂછેલું તમારાં લગ્ન વખતે તમને મઝા પડી હોય તેવું શું હતું? પિતાએ કહેલું ઘોડા ઉપર બેઠો એ. જિંદગીમાં પહેલીવાર તેમણે રાજા જેવો પોશાક પહેરેલો. કમર પર તલવાર લટકતી હતી. પોતે ઘોડા ઉપર સવાર હતા, જ્યારે બીજા બધા તેની આજુબાજુ ચાલતા હતા. તેમને ભારે મઝા પડી ગઇ.
ઓશોના પિતા બાર વર્ષના હતા ત્યારે તેમની માતાનું અવસાન થયું. લગ્ન પછી બે વર્ષની અંદર જ બધી જવાબદારી ઓશોની મા ઉપર આવી. ત્યારે માની ઉંમર માત્ર નવ વર્ષની હતી. ઓશોનાં દાદી તેમની પાછળ બે નાની દીકરીઓ અને બે નાના દીકરા મૂકતી ગઇ. આમ, ચાર નાનાં બાળકોને સંભાળવાની જવાબદારી નવ વર્ષની છોકરી અને બાર વર્ષના છોકરા ઉપર આવી પડી. ઓશોના દાદાની દુકાન શહેરમાં હોવા છતાં દાદાને શહેરમાં રહેવું પસંદ નહોતું. એમને ગામડાનું વાતાવરણ ગમતું હતું એટલે જ્યારે ઓશોનાં દાદીનું અવસાન થયું તે પછી તેઓ સાવ સ્વતંત્ર થઇ ગયા. સરકાર લોકોને મફતમાં જમીન આપતી હતી.
દાદાને પચાસ એકર જમીન સરકાર તરફથી મળી, એટલે તેમણે દુકાન પોતાના છોકરાને એટલે કે બાર વર્ષના ઓશોના પિતાને સોંપી, ગામડે જતા રહ્યા. વીસ વર્ષની ઉંમરે પહોંચતા તો ઓશોના પિતાએ ભાઇ-બહેનનાં લગ્ન અને ભણતરની તજવીજ કરવી પડી. ઓશોની માએ નવ વર્ષની ઉંમરથી જ ચાર ચાર બાળકો ઉછેરેલાં, એટલે ઓશોનો જન્મ થયો એ પછી ઓશોનો ઉછેર એમનાં નાના-નાનીએ કર્યો હતો. આ બંને વડીલ કુચવાડામાં રહેતા હતા. એમના અંતિમ દિવસો આનંદમાં પસાર થાય તેવા એક બાળકની જરૂર હતી. ઓશો મા-બાપનું પહેલું સંતાન હતા. આથી એમને નાના-નાની પોતાની સાથે લઇ ગયાં. ઓશો કહે છે, 'મારી જિંદગીની શરૂઆતનાં વર્ષો મેં મારાં નાના-નાની તથા તેમના એક જૂના નોકર સાથે ગાળ્યા હતા.
આ ત્રણ વ્યક્તિઓની ઉંમર અને મારી વચ્ચે મોટો તફાવત હતો. આમ, હું સાવ એકલો જ ગણાઉં.’ આ નાનકડા ગામમાં ઓશોના નાના સૌથી પૈસાદાર હતા. ગામમાં બસોથી વધુ માણસોની વસ્તી નહોતી. ગામના માણસો એટલા ગરીબ હતા કે ઓશોના નાના ગામના છોકરાઓ સાથે એમને હળવા મળવા દેતા નહોતા. આથી શરૂઆતનાં તે વર્ષોમાં ઓશો સાવ એકલાઅટૂલા પડી ગયા. જોકે તે પછી મને ખૂબ મઝા પડવા માંડી. ઓશો કહે છે, 'આ એકલતા મારા માટે અભિશાપ નહીં પણ વરદાન બની ગઇ. એ શરૂઆતનાં વર્ષો અત્યારે પણ મને નજર સમક્ષ દેખાય છે કે, હું માત્ર બેઠેલો છું. તળાવને કાંઠે એક રમણીય સ્થાન હતું કે જ્યાં અમારું ઘર હતું. તળાવ માઇલો સુધી વિસ્તરેલું હતું. ખૂબ મનોહર અને નીરવ હતું. કદીક-કદીક ધોળા બગલાની કતાર ઊડતી અને પ્રેમ-સંગીત સંભળાવતી પસાર થાય. તળાવ કમળનાં ફૂલોથી ભરપૂર હતું. હું તેના કાંઠે કલાકો સુધી એટલી પરમતૃપ્તિમાં બેસતો કે જાણે આજુબાજુ દુનિયા છે જ નહીં. મારે તો બસ, કમળનાં ફૂલ, સફેદ બગલા અને નીરવ શાંતિ....
દુનિયાદારી, રાજકારણ કે મુત્સદ્દીગીરીની તૈયારી કરાવવા માટે મારી પાછળ પડનાર ત્યાં કોઇ નહોતું. મારાં નાના-નાનીને, ખાસ કરીને મારાં નાનીને હું જેટલો નૈસર્ગિક રહી શકું તેટલો રહેવા દેવામાં વધારે રસ હતો. નાની નાની બાબતો જિંદગીના સમસ્ત ઢાંચાને અસર કરતી હોય છે. સમસ્ત સ્ત્રી જાતિ પ્રત્યેના આદરના મારાં કારણો પૈકીનું એક કારણ મારી નાની છે. તે સીધીસાદી, અશિક્ષિત પણ અત્યંત સંવેદનશીલ હતી. તેણે મારા નાના અને અમારા નોકરને સમજાવી દીધું હતું કે આપણે બધા અમુક પ્રકારની જિંદગી જીવી ગયા છીએ પણ તેનાથી આપણને દિશા પ્રાપ્ત થઇ નથી. આપણે એવા જ ખાલીખમ રહ્યા છીએ. તેમનો આગ્રહ હતો કે આ છોકરો ભલે આપણી અસરથી મુક્ત રહેતો. આપણે તેના ઉપર કેવી અસર પાડી શકીએ? બહુ-બહુ તો આપણા જેવો બનાવી શકીએ, જ્યારે આપણે તો ક્ષુદ્ર છીએ. તે પોતે નિજત્વ મેળવે તેનો તેને મોકો ભલે મળતો.’
Courtsey :kishormakwana ( http://www.divyabhaskar.co.in )
|