Vaktrutva Kala Ek Sadhna (Art of Public Speaking Gujarati) By Dhirendra Relia
વક્રુત્વકળા એક સાધના : ધીરેન્દ્ર રેલીયા
સારા વક્તા બનવું હોય તો આટલું ધ્યાન રાખો તમારા શ્રોતાઓ કોણ હશે તેના માટે પૂરતો વિચાર કરી લો. શ્રોતાઓને અનુસાર તમારું વક્તવ્ય તૈયાર થયું છે કે નહીં તેનો પણ વિચાર કરવો જરૃરી છે. આજે ઘણા બધા સામાજિક, શૈક્ષણિક અને વ્યવસાયિક સંમેલનો થતાં હોય છે. જ્યાં વક્તાઓ પોતાના પ્રવચન રજુ કરતા હોય છે. ઘણા વક્તાઓને સાંભળવાનો આનંદ આવતો હોય છે. તો ઘણા વક્તાઓનું પ્રવચન કંટાળાજનક હોય છે. ઘણાને નીભાવી લેવા પડતા હોય છે. ઘણા વક્તાઓ ભાષણમાં નિરંતર ચીલાચાલુ જોક્સ અથવા ઉક્તિઓ બોલે રાખતા હોય છે. તો ઘણા ચવાઈ ગયેલી વાર્તાઓ કહેતા હોય છે. અમુક વક્તાના પ્રવચનમાં એટલી બધી માહિતી હોય છે કે શ્રોતાગણ માટે બધી યાદ રાખવી અથવા પચાવવી અઘરી પડતી હોય છે. અમુક વક્તાઓ પોતાનું ઉચ્ચારનું ધ્યાન રાખતા નથી અને બિનસ્વીકાર્ય શબ્દોનો ઉપયોગ કરતા હોય છે અને શિષ્ટ ભાષાથી દૂર રહેતા હોય છે. અમુક વક્તાઓ ચીપી ચીપીને બોલતા હોય છે અને અતિ નાટકીય બની જતા હોય છે. અમુક વક્તાઓમાં 'હું પણું' આવી જતું હોય છે અને પોતાના ગુણગાનની વાતો કરે રાખતા હોય છે. વ્યવસાયિક ભાષણોમાં ઘણા વક્તાઓ હરીફનું ખરાબ બોલી પોતે વ્યવસાયમાં વધારે સારા છે તે સાબિત કરવા માંગતા હોય છે. વ્યવસાયિક ભાષણોમાં ઘણી વખત પાવર પોઈન્ટનો વધારે પડતો ઉપયોગ અને થોડા અંતરથી પણ ના વાંચી શકાય તેવા ઝીણા અક્ષરોમાં સ્લાઈડ્સ બનાવવામાં આવી હોય છે જે ઘણી વખત શ્રોતાઓમાં નિદ્રા પેદા કરે છે. તમારે જ્યારે કોઈપણ કારણથી પ્રવચન અથવા પ્રેઝન્ટેશન આપવાના પ્રસંગ આવે ત્યારે અમુક મુદ્દાઓનું ખાસ ધ્યાન રાખો. આગળ દર્શાવેલ વક્તાની ભૂલો અથવા ખામીઓથી દૂર રહો. સૌથી પહેલાં તમારે કયા વિષય ઉપર બોલવાનું છે તેની પૂરી જાણકારી મેળવી લો. વિષય માટે કયા મુદ્દા ઉપર બોલશો, તેને રસદાયક બનાવવા તમે શું કરશો અને કયા દ્રષ્ટાંતો અથવા માહિતી આપશો તેનો પૂરો વિચાર કરી લો અને અગત્યના મુદ્દા લખી લો. તમે બિનઅનુભવી વક્તા હો તો બે-ત્રણ વખત મહાવરો કરી લો અને કોઈ અનુભવી વ્યક્તિ આગળ એક વખત રિહર્સલ કરી લો. તમારા શ્રોતાઓ કોણ હશે તેના માટે પૂરતો વિચાર કરી લો. શ્રોતાઓને અનુસાર તમારું વક્તવ્ય તૈયાર થયું છે કે નહીં તેનો પણ વિચાર કરવો જરૃરી છે. તમારે કેટલો સમય બોલવાનું છે તેની જાણકારી હોવી ખાસ જરૃરી છે. તમારે ૧૦ મીનીટ બોલવાનું હોય તો તમારી પાસે ૧૨ મીનીટ બોલી શકાય તેટલી માહિતી હોવી જરૃરી છે કારણ કે સંજોગોને કારણે અમુક મુદ્દા ભાષણ વખતે જતા કરવા પડે તેવું બને અને ઘણી વખત ભાષણ આપતી વખતે કુદરતી રીતે બોલવાની ઝડપ વધી જતી હોય છે. તમારા ભાષણમાં ૧ થી ૨ મીનીટ પ્રસ્તાવના માટે ૭ થી ૮ મીનીટ મુખ્ય વક્તવ્ય માટે અને ૧ થી ૨ મીનીટ સમાપન માટે રાખવાથી તમારું વક્તવ્ય શ્રોતાઓને મુદ્દાસર લાગશે. પ્રવચન આપતી વખતે તમારો અવાજ સ્પષ્ટ અને મીઠાશભર્યો હોવો જરૃરી છે. તમારી આત્મશ્રદ્ધા પણ અગત્યનો ભાગ ભજવે છે. માઈક્રોફોન ઉપર બોલવાનું હોય તો તમારો અવાજ ફાટીને કર્કશ બની જાય તે રીતે બોલશો નહીં. પ્રેઝન્ટેશન કરવાનું હોય તો દૂરથી વાંચી શકાય તે રીતે અક્ષરો અને રંગનો ઉપયોગ કરો. પ્રયત્નથી દરેક વ્યક્તિ સારી વક્તા બની શકે છે.
Courtsey Rohit Shah/Gujarat Samachar