Shri Arvindnu Adhyatma Darshan
શ્રી અરવિંદનુ અધ્યાત્મદર્શન
ભાણદેવ
સમગ્ર અસ્તિત્વને બે પ્રધાન વિભાગમાં વહેંચવામાં આવે છે – જડ અને ચેતન. આ બે મૂળભૂત તત્વોને અજીવ અને જીવ, પ્રકૃતિ અને પુરુષ, અચેતન અને ચૈતન્ય – એમ અનેક નામે ઓળખવામાં આવે છે. જડ અજીવ, અચેતન પ્રકૃતિના શાસ્ત્રીય અભ્યાસમાંથી વિજ્ઞાનનો પ્રાદુર્ભાવ અને વિકાસ થયો છે, અને અપરંપાર વિકાસ થયો છે. આમ પ્રકૃતિવિષયક શાસ્ત્રીય જ્ઞાનને આપણે ‘વિજ્ઞાન’ કહીએ છીએ.
જેમ પ્રકૃતિના જ્ઞાનની પ્રાપ્તિનો પ્રયત્ન અતિ પ્રાચીનકાળથી થયો છે અને થઈ રહ્યો છે, તેમ ચૈતન્યના જ્ઞાનની પ્રાપ્તિનો પ્રયત્ન પણ અતિ પ્રાચીનકાળથી થઈ રહ્યો છે. આ ચૈતન્યતત્વના જ્ઞાન અને અનુભવમાંથી જે એક શાસ્ત્રનું નિર્માણ થયું છે, તે શાસ્ત્રને આપણે ‘અધ્યાત્મવિદ્યા’ કહીએ છીએ. વિજ્ઞાનની સંશોધનપદ્ધતિઓમાં નિરીક્ષણ અને પ્રયોગ પ્રધાન છે. અધ્યાત્મવિદ્યાની પ્રધાન સંશોધન પદ્ધતિઓમાં ‘અનુભૂતિ’ પ્રધાન છે. ચૈતન્ય અર્થાત આત્મા ઈન્દ્રિયાતીત અને મનસાતીત છે, તેથી નિરીક્ષણ-પ્રયોગ દ્વારા ચૈતન્યને જાણી શકાય નહિ. તે માટે તો અનુભૂતિ જ યથાર્થ ઉપાય છે. આત્મા ઈન્દ્રિયગમ્ય કે મનોગમ્ય નથી, પરંતુ આત્મા અનુભવગમ્ય છે.
વિજ્ઞાનના સંશોધન અને વિકાસ માટે નિરીક્ષણ અને પ્રયોગ પ્રધાન અભ્યાસપદ્ધતિઓ છે. આ બંને પદ્ધતિઓમાં પાંચ જ્ઞાનેન્દ્રિયો, પાંચ કર્મેન્દ્રિયો અને મન-બુદ્ધિ આ અગિયાર ઈન્દ્રિયો પ્રધાન કરણો છે, પ્રધાન માધ્યમો છે. પરંતુ ચૈતન્ય કે આત્મા ઈન્દ્રિયગમ્ય કે મનોગમ્ય પણ નથી. આત્મા ઈન્દ્રિયાતીત અને મનસાતીત છે. આમ હોવાથી નિરીક્ષણ અને પ્રયોગ દ્વારા આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરી શકાય નહિ. આત્માનું જ્ઞાન પ્રાપ્ત કરવાનો એક જ ઉપાય છે અને તે છે – આત્માની અનુભૂતિ, આત્માનો સાક્ષાત્કાર !
આ પૃથ્વીના પટ પર કદીયે થયો ન હતો, એટલો વિજ્ઞાનનો વિકાસ આજે થયો છે અને હજુ આ વિકાસ તીવ્ર ગતિથી થઈ રહ્યો છે. આશ્ચર્યથી છક થઈ જવાય તેવી અને તેટલી તીવ્ર ગતિથી વિજ્ઞાન છલાંગો મારતું મારતું આગળ ને આગળ વધી રહ્યું છે. વિજ્ઞાનના વિકાસે પૃથ્વીના આ પટને અને આપણી જીવનશૈલીને આમૂલાગ્ર બદલી નાખી છે. વિજ્ઞાનની અપરંપાર શાખાઓ છે અને પ્રત્યેક શાખાનું શાસ્ત્રીય સ્વરૂપ છે, એટલું જ નહિ, પરંતુ વિજ્ઞાનની નવી નવી શાખાઓ ઉદ્દભવી રહી છે અને વિકસી રહી છે. આપણા અસ્તિત્વનો એક ભાગ છે – પ્રકૃતિ. તેના અભ્યાસનો અર્થાત વિજ્ઞાનનો તો કૂદકે ને ભૂસકે વિકાસ થઈ રહ્યો છે અને તે બરાબર છે. બરાબર તો છે, પરંતુ પર્યાપ્ત નથી, કારણ કે પ્રકૃતિ આપણા જીવનનો અને સમગ્ર અસ્તિત્વનો એક ભાગ છે. આપણા જીવન અને અસ્તિત્વનો દ્વિતિય ભાગ છે – પુરુષ, આત્મા, ચૈતન્ય ! તદવિષયક વિદ્યાને આપણે ‘અધ્યાત્મવિદ્યા’ કહીએ છીએ. જેમ વિજ્ઞાનમાં સંશોધન થાય છે અને વિજ્ઞાન વિકસી રહ્યું છે તેમ આ ચૈતન્યની વિદ્યા ‘અધ્યાત્મવિદ્યા’માં પણ સંશોધન થાય, તેનો પણ વિજ્ઞાનની સાથે સાથે વિકાસ થાય, તે ઈષ્ટ જ નથી પરંતુ આવશ્યક અને અનિવાર્ય છે. આટલું થવું જોઈએ.
(1) અધ્યાત્મવિદ્યા અને તેની અનેક શાખાઓમાં સંશોધનની પ્રક્રિયા ચાલે.
(2) વિજ્ઞાનની જેમ અધ્યાત્મવિદ્યાનો પણ સતત વિકાસ થાય.
(3) અધ્યાત્મવિદ્યા પણ વિજ્ઞાનની જેમ શાસ્ત્રીય સ્વરૂપ ધારણ કરે.
આપણી સમક્ષ એક પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે – વિજ્ઞાનની જેમ અધ્યાત્મવિદ્યામાં પણ સંશોધન અને વિકાસ શા માટે અને અધ્યાત્મવિદ્યાએ શાસ્ત્રીય સ્વરૂપ શા માટે ધારણ કરવું જોઈએ ? કારણ કે આ યુગની માગ છે. વિજ્ઞાનનો અસાધારણ વિકાસ સિદ્ધ થયો છે. આ વિકાસની સાથે સાથે માનવનાં મન-બુદ્ધિએ પણ અસાધારણ વિકાસ સિદ્ધ કર્યો છે. છ-સાત વર્ષનાં બાળકો કમ્પ્યુટર ચલાવે છે અને ઈન્ટરનેટ પર અપરંપાર માહિતી જોઈ-જાણી શકે છે. જ્યારે માનવની જીવનશૈલી અને વિચારધારાએ એક નવું સ્વરૂપ ધારણ કર્યું છે; ત્યારે આ યુગની માગ છે, આ યુગની આવશ્યકતા છે કે – વિજ્ઞાનની જેમ, વિજ્ઞાનની સાથે કદમતાલ મેળવીને અધ્યાત્મવિદ્યામાં પણ સંશોધન થાય, અધ્યાત્મવિદ્યા પણ સતત વિકાસમાન રહે અને અધ્યાત્મવિદ્યા પણ શાસ્ત્રીય સ્વરૂપ ધારણ કરે. કોઈપણ વિદ્યા, કોઈપણ શાસ્ત્ર જો યુગને અનુરૂપ વિકાસ સિદ્ધ ન કરે, યુગને અનુરૂપ નવું સ્વરૂપ ધારણ ન કરી શકે તો તે વિદ્યા કાલબાહ્ય બની જાય છે અને તેથી તે માનવચેતના માટે અસ્વીકૃત બની જાય છે.
કોઈ આપણને પ્રશ્ન પૂછી શકે – શું આજ સુધી અધ્યાત્મવિદ્યામાં કોઈ વિકાસ સિદ્ધ થયો જ નથી ? અને શું અધ્યાત્મવિદ્યામાં અત્યારે પણ કોઈ વિકાસ થતો જ નથી ? એ વાત સાચી છે કે અધ્યાત્મવિદ્યામાં પણ વિકાસ થયો છે અને વિકાસ થઈ રહ્યો છે. નવી નવી અનેક સાધનાપદ્ધતિઓ અને નવા નવા અનેક સંપ્રદાયો પણ પ્રચારમાં આવી રહ્યા છે. જો આમ જ છે, તો પછી અધ્યાત્મવિદ્યામાં સંશોધન અને વિકાસની વાત અપ્રસ્તુત ન ગણાય ? ના, આ વાત અપ્રસ્તુત નથી. આપણે આ મુદ્દાને નિરાંતે સમજીએ, તે આવશ્યક છે. સાધન પરંપરાનાં જે નવાંનવાં સ્વરૂપો આવી રહ્યાં છે તેમનાં ત્રણ લક્ષણો જોવા મળે છે.
(1) છીછરાપણું : અધ્યાત્મની પૂરી સમજ વિના જ જાતે બની બેઠેલા આચાર્યો નવી નવી સાધનાપદ્ધતિઓ બનાવીને પ્રચાર શરૂ કરી દે છે. એક અધકચરી સાધનાપદ્ધતિને સર્વાંગસંપૂર્ણ અને સ્વયં પર્યાપ્ત સાધના ગણીને લાખો ભલાભોળા માનવોને ગેરમાર્ગે દોરવામાં આવે છે.
(2) સાંપ્રદાયિક દષ્ટિકોણ : પ્રત્યેક સાધનપદ્ધતિ આખરે એક નવો સંપ્રદાય બની જાય છે. સાંપ્રદાયિક સંકુચિતતા અને સાંપ્રદાયિક ઝનૂન આવી જાય છે.
(3) સંખ્યા પાછળ દોડ : લગભગ પ્રત્યેક સંપ્રદાયમાં હોય છે, તેમ આ નવી ઉદ્દભવેલી સાધનપદ્ધતિઓમાં પણ સંખ્યા પાછળ દોડ જોવા મળે છે. વધારેમાં વધારે માનવોને પોતાના સંપ્રદાયમાં સામેલ કરવાની જાણે એક દોડ શરૂ થઈ છે ! પોતાના સંપ્રદાયને છોડીને બીજા સંપ્રદાયમાં જનાર અનુયાયીના શરીર પર લાકડીઓના ઘા પડ્યાના દાખલા પણ નોંધાયા છે ! આ છે આપણો અધ્યાત્મપ્રચાર !
વેદથી માંડીને આજ સુધી કોઈ ને કોઈ સ્વરૂપે અધ્યાત્મવિદ્યાનો વિકાસ થઈ રહ્યો છે, તે સાચું છે, પરંતુ આ વિકાસયાત્રાને વધુ શાસ્ત્રીય સ્વરૂપ આપવાની જરૂર છે. છીછરાપણું, સાંપ્રદાયિક દષ્ટિકોણ, સંખ્યા પાછળ દોડ આદિ તત્વોને છોડીને અધ્યાત્મવિદ્યા વધુ શાસ્ત્રીય સ્વરૂપ ધારણ કરે અને સતત વિકાસશીલ રહે, અધ્યાત્મના ક્ષેત્રમાં પણ સંશોધનવૃત્તિ પ્રવેશે અને શાસ્ત્રીય દષ્ટિકોણ આવે – તે આ યુગની માગ છે ! આમ કેવી રીતે બની શકે ?
(1) પૃથ્વીના પટ પર ઉપલબ્ધ અધ્યાત્મસાધન પરંપરાનો નિરાંતે કાળજીપૂર્વક, સંપ્રદાયનિરપેક્ષભાવે ઊંડાણથી અભ્યાસ કરવો જોઈએ.
(2) અધ્યાત્મધારાનાં કાલબાહ્ય તત્વોનો ત્યાગ કરવો જોઈએ.
(3) યુગને અનુરૂપ સમન્વયાત્મક દષ્ટિકોણ રાખવો જોઈએ.
(4) પૃથ્વી પર અધ્યાત્મની અનેક ધારાઓ છે, અને તે બરાબર છે. આ અનેક ધારાઓ રહેવી જ જોઈએ. તેમની વચ્ચે અન્યોન્ય સદભાવયુક્ત અને આપ-લેનો સંબંધ હોવો જોઈએ.
(5) અધ્યાત્મની પ્રત્યેક ધારા વિકાસશીલ રહે, તેમ થવું જોઈએ. વિકાસશીલ હોવું એટલે શું ? કાલબાહ્ય તત્વોનો ત્યાગ, નવાં નવાં તત્વોનો સ્વીકાર, યુગને અનુરૂપ પરિવર્તન, વિજ્ઞાનની જેમ અધ્યાત્મના ક્ષેત્રમાં પણ સંશોધન.
(6) ઠેર ઠેર અધ્યાત્મવિદ્યાપીઠોની સ્થાપના થવી જોઈએ. આ અધ્યાત્મવિદ્યાપીઠો શું કરશે ?
અધ્યાત્મવિદ્યાના તજજ્ઞ શિક્ષકો તૈયાર કરશે, અધ્યાત્મવિદ્યામાં સંશોધન કરશે-કરાવશે, અધ્યાત્મવિદ્યાના ઉત્તમ શાસ્ત્રીય ગ્રંથોની રચના અને પ્રકાશન કરશે-કરાવશે, જિજ્ઞાસુઓને યથાર્થ આધ્યાત્મિક માર્ગદર્શન મળી રહે, તેવી વ્યવસ્થા ગોઠવશે, લોકો સમક્ષ અધ્યાત્મનું યથાર્થ સ્વરૂપ પ્રગટ કરશે.
વિજ્ઞાનના ક્ષેત્રમાં, ઉદ્યોગના ક્ષેત્રમાં, ખેતીના ક્ષેત્રમાં, સાહિત્ય-કલાના ક્ષેત્રમાં નવાં નવાં સંશોધનો અને નવો નવો વિકાસ થયા જ કરે છે. અધ્યાત્મના ક્ષેત્રમાં સંશોધન અને વિકાસનો પ્રારંભ ક્યારે થશે ? આપણે ન ભૂલીએ કે જીવનમાં જેમ વિજ્ઞાન, ઉદ્યોગો, ખેતી, સાહિત્ય-કલા આદિનું મૂલ્ય છે, તેમ અધ્યાત્મનું પણ મૂલ્ય છે. સંભવતઃ સર્વાધિક મૂલ્ય છે !
સાભાર :રીડ ગુજરાતી .કોમ .
|