સૌરાષ્ટ્રની રસધાર - ઝવેરચંદ મેઘાણી
Saurashtrani Rasdhar (Set of 5 Gujarati Books) by Zaverchand Meghani
લોકસાહિત્યના સંપાદનનું મેઘાણી નું પહેલું પુસ્તક ‘ડોશીમાની વાતો’ પ્રગટ થયુ 1923માં, પણ સાહિત્યજગતમાં મેઘાણીને લોકસાહિત્યના સંપાદક—સંશોધક તરીકે માનભર્યું સ્થાન અપાવ્યું તે તો 1923થી 1927 દરમિયાન પ્રગટ થયેલ ‘સૌરાષ્ટ્રની રસધાર’ ના પાંચ ભાગે. ‘રસધાર’ ના પહેલા ભાગની પહેલી આવૃત્તિ પ્રગટ થઇ ત્યારે સંપાદક તરીકે મેઘાણીનું નહીં પણ સૌરાષ્ટ્ર સાહિત્ય મંદિરનું નામ મૂકવામાં આવેલું. આ અંગે છાપાં અને સામયિકોમાં ચર્ચા અને ઊહાપોહ થયા પછી બીજો ભાગ પ્રગટ થયો ત્યારે સંપાદક તરીકે મેઘાણીનું નામ મૂકવામાં આવ્યું. ‘રસધાર’ની લગભગ સો જેટલી વાર્તાઓમાં સોરઠી જનસમાજ, જનજીવન અને જનબોલીનું પ્રતિબિંબ ઝિલાયેલું છે.
દિવાળીના નવા દિવસો હતા. વડોદ ગામની ખળાવાડમાં ખળાં મસળી-ઊપળીને તૈયાર થાતાં હતાં. જગા પટેલની વહુ-દીકરીઓ દાણા વાવલતી નવાં લૂગડાં અને ઘરેણાંના મનોરથમાં મહાલતી હતી. ટાઢા-ટાઢા વાવડા વાતા હતા. તેમાં મોતી જેવા દાણા ભૉં માથે વરસતા હતા અને વાવલનારીઓની ચૂંદડીઓના છેડા ફરકતા હતા.
શિયાળાની તડકીમાં ચળકતો, મૂઠી ફાટે તેવો બાજરો ખળમાં પડ્યો છે. જગો પટેલ પોતાના બાજરાના ગંજ સામે મીટ માંડીને જોઈ રહ્યા છે. લીલવણી બાજરો એની નજરમાં સમાતો નથી. પ્રભાતને પહોર એને પાપનો મનસૂબો ઊપડ્યો છે. એ વિચાર કરે છે કે ‘ઓહોહો ! મહેનત કરી-કરીને તૂટી ગયા મારા ભાઈયું : આ બાજરો પાક્યો અમારે પરસેવે : અને હવે ઠાલા મફતના દરબાર પોતાનો રાજભાગ લઈ જશે !’ વળી થોડીક વાર થંભી ગયા, બાજરા સામે ટાંપી રહ્યા. ફરી વાર પેટમાંથી કૂડ બોલ્યું : ‘રાતમાં એકાદ ગાડી બાજરો ભરીને ઘરભેળો કરી દઉં તો એટલો મારો સુવાંગ રે’શે, રાજભાગમાં નહિ તણાઈ જાય.’
અરધી રાતનો ગજર ભાંગ્યો એટલે પોતાના ભાઈ તથા સાથીને લઈને પટેલે ખળામાંથી બાજરાનું ગાડું ભર્યું. ભૂદેવો જેમ તરપિંડી જમતી વખતે પોતાની હોજરીનું ભાન રાખતા નથી, તેમ જગા પટેલે પણ લોભે જઈ ગાડામાં હદ ઉપરાંત બાજરો ભર્યો અને પાછલી રાતના ગાડું જોડી ઘર ભણી ચાલ્યા. સાથી ગાડું હાંકતો હતો; પોતે ગાડાની આગળ ચાલતા હતા; અને તેમના ભાઈ ગાડાની પાછળ ચાલતા હતા.
ગામનાં પાદર ઢૂકડાં આવતાં હદ ઉપરાંત ભારને લીધે ગાડાની ધરી ગુડિયામાંથી નીકળી ગઈ; અને ગાડાનું પૈડું ચાલતું અટકી પડ્યું. જગો પટેલ મૂંઝાણા. ત્રણેય જણાએ મળી મહેનત તો કરી. પણ ગાડું ઊંચું થયું નહિ. ધણીની ચોરી એટલે કોઈને મદદે બોલવવા જાય તો છતરાયું થઈ જાય; તેમ પાછળ ખળું પણ છેટું ગયું એટલે ગાડું પાછું ખાલી પણ કરી શકાય નહિ. આમ જગા પટેલને સાપે છછુંદર ગળ્યા જેવું થયું. સવાર પડશે – અજવાળું થશે – તો ફજેતો થશે, એવી બીકમાં હાંફળાફાંફળા થતા જગો પટેલ કોઈ વટેમાર્ગુની વાટ જોવા માંડ્યા. એવામાં ઈશ્વરને કરવું તે એના જ દરબાર – જેની ચોરી હતી તે – ગજાભાઈ ગોહિલ જ પરોઢિયામાં પોતાના હંમેશના નિયમ પ્રમાણે જંગલ જવા સારું હાથમાં પાણીનો કળશિયો લઈ નીકળ્યા. ટાઢ પડતી હતી એટલે દરબારે મોઢે બોકાનું બાંધેલું હતું. ફક્ત દરબારની આંખો જ બહાર તગતગતી હતી.
જેવા દરબાર જગા પટેલના ગાડા પાસેથી નીકળ્યા તેવા જ જગા પટેલે, ગરજવાનને અક્કલ ન હોય એ હિસાબે, દરબારને કોઈ વટેમાર્ગુ ધાર્યા અને મનમાં વિચાર્યું કે આ આદમી અજાણ્યો હોવાથી ગામનાને ખબર નહિ પડે કે હું બાજરો છાનોમાનો લઈ જાઉં છું. એવું ધારીને પોતે ઉતાવળા ઉતાવળા બોલ્યા કે ‘એ જુવાન ! જરાક આ ગાડું સમું કરાવતો જા ને.’
અંધારું, ગભરામણ અને દરબારે મોઢે બોકાનું બાંધેલ; એટલે જગા પટેલે તો દરબારને ન ઓળખ્યા; પણ દરબારે જગા પટેલને ઓળખી લીધા. દરબાર સમજી ગયા કે ‘મારા રાજભાગનો બાજરો આપવો પડે એ ચોરીએ પટેલ છાનુંમાનું ગાડું ભરી લઈ જાય છે.’ પરંતુ દરબારે વિચાર કર્યો કે હું ઓળખાઈ જઈશ તો જગા પટેલ જેવો માણસ ભોંઠો પડશે – શરમાશે. માટે પટેલ પોતાને ન ઓળખે એવી રીતે નીચું જોઈ ગાડાને કેડનો ટેકો દઈ પૈડું ઊંચું કરાવ્યું, એટલે પટેલ ધરી નાખી ગાડું ચાલતું કરી રાજી થતા ઘર ભણી હાંકી ગયા.
‘હશે ! હોય ! બિચારા રાતદિવસ ટાઢતડકો વેઠી મહેનત કરીને કમાય અને સારો દાણો ભાળીને એનું મન કદીક બગડે તોયે શું થઈ ગયું ! એ પણ આપણી વસ્તી છે ને !’ આમ વિચારતા વિચારતા દરબાર ચાલ્યા ગયા.
આ વાત બન્યા ને આશરે છ એક માસ થયા હશે. દરબારના દરિયાવ દિલમાં ઉપરની વાતનું ઓસાણ પણ નથી. એવે સમયે દરબારમાં મહેમાનો આવેલા. હવાલદાર મહેમાનો સારું ખાટલા-ગોદડાં લેવા જગા પટેલને ત્યાં ગયો. પટેલે હા-ના કરવાથી હવાલદારે જગા પટેલને કાંઈ કડવું વચન કીધું. એટલે પટેલને રીસ ચડી. પોતે બોલ્યા કે ‘મારે આવા દરબારના ગામમાં રહેવું જ નથી.’
હવાલદારે પણ તોછડાઈથી કીધું કે ‘ત્યારે શીદને પડ્યો છો ? તને ક્યાંય બીજે મળતું નથી ? હાલ્યો જા ને !’
એટલે જગા પટેલ ને પગથી માથા સુધી ઝાળ લાગી ગઈ. દુભાઈને રાતે ગાડામાં ઉચાળા ભર્યા. દરબારને આ વાતની કશી ખબર પણ નથી. પણ વળતે દિવસે સવારે દરબાર ડેલીએ ડાયરો કરી બેઠા છે, ત્યાં જગા પટેલ પોતાના બાળબચ્ચાં, રાચરચીલું અને ઢોરઢાંખર લઈ ગાડાં ભરી ડેલી પાસેથી નીકળ્યા. ગામનાં માણસો એમને વારવા-મનાવવા મંડ્યા, પણ પટેલ તો વધારે જોર કરવા માંડ્યા. દરબારને ખબર પડી, એટલે દરબારે પણ ચોપાટમાંથી નીચે ઊતરી જગા પટેલને ખૂબ સમજાવ્યા અને કારણ પૂછ્યું. જગા પટેલે ખિજાઈને કહ્યું કે ‘દરબાર ! અમારી વહુઓ આણામાં બે સારાં ગોદડાં લાવી હોય છે તેય અમે વેઠે કાઢી દઈએ, અમે ગાભા ઓઢીને આવી ટાઢમાં સૂઈ રહીએ, તોય તમારો ત્રણ દોકડાનો અમને હડબડાવે ! ફફડાવે ! એ અમને નથી પરવડતું.’
દરબારે સબૂરીથી આખી વાત જાણી લીધી. ઘણા દિલગીર થયા. હવાલદારને સજા કરી, અને પટેલને કહ્યું કે ‘બાપ ! તમે મારાં સોનાનાં ઝાડવાં છો. માફ કરો અને પાછા વળો.’
પરંતુ જગો પટેલ કોઈ રીતે સમજ્યા નહિ. એટલે દરબારે જગા પટેલના પડખે ચડી કાનમાં કીધું કે ‘પટલ ! જાવ તો ભલે જાવ; પણ જે ધણી કેડનો ટેકો દઈને બાજરાનું ભરતિયું વળાવે, તેવો ધણી ગોતજો, હો !’
આટલું કહી દરબાર તો ચાલ્યા ગયા. પણ આંહીં પટેલના હાડોહાડમાં ધ્રુજારો છૂટ્યો. પટેલથી કાંઈ બોલાયું નહિ. મનમાં એક જ વાત બોલાઈ ગઈ કે ‘આનું નામ તે ધણી ! જે ધણીની મેં ચોરી કરી હતી, તે જ ધણી ચોરીમાં મદદ કરે અને મારી આબરૂને ખાતર મને તો માફ તો કરે, પરંતુ એ વાતમાંયે હું ભોંઠો પડું એ દયાથી મને ખાનગીમાં પણ ઠપકો દે નહિ ! અરે, આવો ધણી મને બીજે ક્યાં મળે ?’ એમ વિચારીને પટેલે ગાડાં ફેરવ્યાં.
તેના વંશજો હાલ પણ આ ગામમાં રહે છે. આ વાતને આશરે પોણાસો વર્ષ થયાં હશે. (ઈ.સ. 1923 ની સાલમાં) [આવો જ બનાવ ગોંડલ દરબાર ભા કુંભાજી વિશે બન્યો હોવાનું કહેવાય છે.
|