Parodhiye Kalrav – Gunvant Shah પક્ષીઓ પ્રાર્થના નથી કરતાં. એમનું મૌન એ જ એમની પ્રાર્થના! પક્ષીઓ કીર્તન નથી કરતાં. એમનો કલરવ એ જ એમનું કીર્તન! કલરવની નજીક પહોંચી શકે એવો માનવીય સ્વર કયો હોઈ શકે? નરસિંહ મહેતાએ રચેલા પ્રભાતિંયા ગાતી વખતે થતું પ્રભુકીર્તન કલરવના કુળનું જણાય છે. અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રીહરિ, જૂજવે રૂપે અનંત ભાસે; દેહમાં દેવ તું, તેજમાં તત્ત્વ તું, શૂન્યમાં શબ્દ થઈ વેદ વાસે. પરોઢિયે કલરવ ઝીલવાનું કામ માત્ર કાન પર છોડવા જેવું નથી. આપણા સમગ્ર અસ્તિત્વને એકઠું કરીને કલરવને રોમેરોમથી પામવાનો છે. પરોઢિયાના આછા અજવાળામાં ધ્યાન માટે ઝાઝો પ્રયત્ન નથી કરવો પડતો. અસ્તિત્વના ઉત્સવમાં સામેલ થવું એ જ ધ્યાન! એ ઉત્સવ પ્રતિક્ષણ ચાલી રહ્યો છે, પરંતુ પરોઢિયે આપણી સ્ફૂર્તિ અનોખી હોય છે. એ વેળાએ કીર્તન અને કલરવ વચ્ચે સુમેળ જામી જાય એ શક્ય છે.