Pandade Pandade Rekha
પાંદડે પાંદડે રેખા – સં. મહેશ દવે
શ્રી મહેશભાઈ દવે દ્વારા સંકલિત ‘પાંદડે પાંદડે મોતી’, ‘પાંદડે પાંદડે જ્યોતિ’, ‘પાંદડે પાંદડે દીવા’ અને ‘પાંદડે પાંદડે કિરણ’ પુસ્તકના સુંદર લેખો આપણે અગાઉ માણ્યા છે. તાજેતરમાં પ્રકાશિત થયેલ આ શ્રેણીના નવા પુસ્તક ‘પાંદડે પાંદડે રેખા’માંથી માણીએ કેટલાક જીવનપ્રેરક લેખો સાભાર.
1] જીવનનો આનંદ
ત્રણ શિકારીઓ હતા. ત્રણે જુદી જુદી દિશામાં શિકારે નીકળ્યા. ધનુષ્ય-બાણ સાથે આખો દિવસ જંગલમાં રખડ્યા. પહેલો શિકારી ઘણી બધી જગાએ ફર્યો. ઝાડીમાં પ્રાણીઓ શોધ્યાં. ઝાડ પર સંતાઈ દૂર દૂર સુધી નજર દોડાવી. નદી અને સરોવરોએ ગયો. કોઈ પ્રાણી પાણી પીવા આવ્યું હોય તો તેનો શિકાર થઈ શકે. ત્યાં પણ કોઈ શિકાર ન મળ્યો. વનમાં પ્રાણીઓ જોયાં, પણ હાથ ન આવ્યાં. નિશાન લઈ તીર છોડ્યાં, પણ તીર નિશાન પર ન વાગ્યાં. આખો દિવસનો થાક્યો-પાક્યો, ધૂંધવાતો-ધૂંધવાતો, નસીબને ગાળો દેતો, ઈશ્વરની નિંદા કરતો એ રાતે ઘેર પહોંચ્યો. પાળેલું કૂતરું વહાલ કરવા ઝાંપે આવ્યું. તેને એક લાત લગાવી દીધી. છોકરાંઓને ઢીબ્યાં. ધણિયાણી પર ધખ્યો. ખાધા-પીધા વગર ગુસ્સામાં ને ગુસ્સામાં સૂઈ ગયો.
બીજો શિકારી પણ સઘળે સ્થળે ફર્યો. પ્રાણીઓ જોવા મળ્યાં, પણ નિશાનમાં આવ્યાં નહીં. શોક કર્યા વગર તે આગળ વધ્યો. જળ-સ્થળ બધે પ્રયત્નો કર્યા; નિષ્ફળ નીવડ્યો. ‘ચાલો, જેવી હરિની ઈચ્છા’ મનોમન એમ કહી એ ઘેર ગયો. કોઈની સાથે કશું બોલ્યો નહીં. ફક્ત એટલું કહ્યું, ‘શિકારમાં આજે કંઈ મળ્યું નથી. ઘરમાં જે કંઈ પડ્યું હોય તેનાથી ચલાવી લો.’ આમ કહી તેણે લંબાવ્યું. રોજની જેમ મનોમન હરિ-રટણ કરવા લાગ્યો.
ત્રીજો શિકારી હસતો-રમતો નીકળી પડ્યો હતો. જંગલમાં પાંદડાઓ વચ્ચેથી આવતા પ્રકાશનાં કિરણોની સંતાકૂકડી એ માણી રહ્યો. શીતળ હવાનો આહલાદ લૂંટતો રહ્યો. કોઈ પ્રાણી ચબરાકીથી છટકી જતું તો એ ‘હો…હો..હો…’ કરી હસી પડતો. તેણે ફૂલો જોયાં, લીલાં ખેતર જોયાં, ખળખળ વહેતી નદીઓ જોઈ. આ બધું નિહાળ્યું ને માણ્યું, પણ એનું નસીબ પણ પહેલા બે શિકારી જેવું જ નીકળ્યું. આજે કોઈ શિકાર હાથ લાગ્યો નહીં. ‘માળું આજે ખરું થયું ! પણ ઘેર બૈરી-છોકરાં માટે ખાવાનું તો લઈ જવું પડશે ને ?’ તેણે ક્યાંકક્યાંકથી કાચાં-પાકાં ફળ તોડ્યાં. દૂધીના વેલાઓ પરથી દૂધીનાં તુંબડાં તોડ્યાં. ઘેર બધાંએ સાથે બેસી ફળ-શાકભાજી ખાધાં. ‘આજે ફળાહાર.’ શિકારીએ ઓડકાર ખાધો !
આપણે મોટા ભાગના લોકો પહેલા શિકારી જેવા છીએ. મળે તો રાજા-ઈશ્વર સારો, બધું સારું. ન મળે તો બધાં ખોટાં – ઈશ્વર, નસીબ, પાલતુ પ્રાણી, ધણિયાણી ને છોકરાં. બધાંને ખાવા માટે ગુસ્સો આપીએ છીએ. બીજો શિકારી નિર્લેપ રહેવાને ગુણ ગણે છે, પણ તે નરી નિષ્ક્રિયતા છે. ત્રીજો શિકારી જીવન અને જીવનના આનંદનો માણસ છે. વિશ્વની ચેતના સાથે ભળી જઈએ તો જીવનનો વિશ્વાનંદ મળે. ભૂખ, ખોરાક એ બધી જીવનની વાસ્તવિકતાઓ છે, પણ જીવન-આનંદ સામે એ સાવ મામૂલી છે.
.
[2] સંબંધોની સમજણ
માણસનું મન કળવું બહુ મુશ્કેલ છે. સામેની વ્યક્તિ આપણને કેવી રીતે જુએ છે, એનો આપણી સાથેનો સંબંધ કેવો છે, એ વિશે માણસો જબરી થાપ ખાતા હોય છે. સંબંધ લાંબા સમયનો હોય, નિકટતા વધારે હોય તેમ ભૂલ થવાનો સંભવ વધારે રહે છે. આનો એક ચોંકાવનારો દાખલો સદગુરુ જગ્ગી વાસુદેવે આપ્યો છે :
એક પુરુષ કૉમામાં સરી પડ્યો હતો એટલે કે, બેભાનાવસ્થામાં હતો. ક્યારેક ક્યારેક ભાન આવતું હતું. અને પાછો કૉમામાં ચાલ્યો જતો હતો. એક વાર તે થોડા વધુ સમય માટે ભાનમાં આવ્યો. રાત-દિવસ તેની સાથે રહેતી તેની પત્ની ખંડમાં બેઠી હતી. ઈશારો કરી પુરુષે પત્નીને નજીક બોલાવીને કહ્યું :
‘હું વિચારી રહ્યો હતો – મારા બધા જ ખરાબ સમયમાં તું મારી સાથે રહી છે. મને નોકરીમાંથી છૂટો કર્યો ત્યારે તું સાથે હતી. વેપાર-ધંધામાં મેં નુકશાન કર્યું ત્યારે તું સાથે હતી. આપણા ઘર અંગેનો ખટલો કોર્ટમાં ચાલ્યો, ચુકાદો વિરુદ્ધ આવ્યો ને આપણે ઘર ગુમાવ્યું ત્યારે પણ તું સાથે હતી. અકસ્માતમાં હું જખમી થયો ત્યારે પણ તું સાથે હતી. હવે જ્યારે મારું સ્વાસ્થ્ય કથળ્યું છે ત્યારે પણ તું સાથે છે….’
પુરુષ સહેજ અટક્યો.
પત્નીને એમ હતું કે હમણાં પતિ કહેશે કે તું કેવી સારી પત્ની છે. મારા દુ:ખમાં તેં હંમેશાં સાથ ને સહારો આપ્યો છે. પણ બન્યું જુદું જ.
સહેજ અટકીને પતિએ કહ્યું : ‘બહુ વિચાર કરતાં મને લાગે છે કે તું અપશુકનિયાળ છે. તું મારે માટે હંમેશાં દુર્ભાગ્ય લાવી છે.’ અને પુરુષ પાછો કૉમમાં સરી પડ્યો.
આપણે આપણી જાત સાથે અને આપણા આજુબાજુના લોકો સાથે આ પુરુષ જેવો જ સંબંધ રાખીએ છીએ. આપણી મર્યાદા આપણને દેખાતી નથી. આપણો દોષ સમજતા અને સ્વીકારતા આપણને આવડતું નથી. સામેના માણસને માથે દોષ ઢોળવાનું આપણને ફાવી ગયું છે. સામેનાનો વાંક જોતાં પહેલાં આપણે આપણી જાતને સમજવી જોઈએ. આપણે સ્વાર્થી, ઈર્ષ્યાળુ, સાંકડા મનના, વેર-દ્વેષભાવવાળા કે પીડનવૃત્તિવાળા તો નથી ને ? આટલું આત્મનિરીક્ષણ કરીએ તો માનવસંબંધોની ઘણી ગેરસમજ દૂર થશે. સામેનાને ઝીણી, ઊંડી દષ્ટિથી જરૂર તપાસીએ, પણ ઉદારવૃત્તિથી, નાની-મોટી નબળી બાજુઓ માફ કરીએ અને સામાને સારો માની ચાલીએ તો સંબંધો સુધરશે. એ અને આપણે સુખી થઈશું. બાકી તો કવિ હરીન્દ્ર દવેએ કહ્યું છે તેમ :
કોઈનો સ્નેહ ક્યારેય ઓછો હોતો નથી,
માત્ર આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે.
.
[3] યૌવનધન
શહીદેઆઝમ ભગતસિંહ અને મિત્રોએ મળી આઝાદી મેળવવા ક્રાંતિકારી જૂથ બનાવ્યું હતું. તેમાં ભગતસિંહ, સુખદેવ, ચંદ્રશેખર આઝાદ, જયગોપાલ, વિજયકુમારસિંહ, શિવ શર્મા, બટુકેશ્વર દત્ત જેવા યુવાનો સામેલ હતા. આ જૂથનું કામ ગુપ્ત રાહે ચાલતું. સરકારમાં ખબર પડી જાય તો યોજના ઊંધી વળે અને ક્રાંતિકારીઓ પકડાઈ જાય. એક ઊડતી વાત આવી કે સરકારે ક્રાંતિકારીઓમાં પોતાના જાસૂસ ઘુસાડ્યા છે. જાસૂસોને જાણવા અને બહાર કાઢવા ભગતસિંહે યોજના કરી. એક રાતે એમણે મીણબત્તીઓ સળગાવી. પછી એક મીણબત્તી પર ભગતસિંહે પોતાનો હાથ ધર્યો. પૂરી વીસ મિનિટ સુધી હાથ ધરી રાખ્યો. હાથમાંથી લોહી, માંસ બળીને નીચે ટપકવા માંડ્યાં, છતાં તેમણે હાથ ખસેડ્યો નહીં. સાથીઓથી આ જોવાયું નહીં. એમણે બળજબરીથી હાથ ખસેડી લીધો.
ભગતસિંહે જાહેર કર્યું આપણામાંના દરેકે આવી અગ્નિપરીક્ષા આપવી પડશે. અમારી પણ આવી પરીક્ષા લેવાશે એમ ધારી સરકારી ખબરિયા જૂથમાંથી ખસી ગયા. જૂથની મિટિંગમાં આવવાનું બંધ કર્યું. ભગતસિંહની સહનશીલતાનો પ્રયોગ ધાર્યું પરિણામ લાવ્યો. આ જ રીતે એક વાર ફોલ્લો મટાડવા તેના પર સળગતો કોલસો ચાંપેલો. આવી હતી ભગતસિંહની સહનશીલતા. માફી માગ્યા વગર એ હસતે મોંએ ફાંસીએ ચડેલા. આજકાલ નવી પેઢી, આજના યુવાનો, તેમની આવડત, તેમની ચબરાકીના ઘણાં વખાણ થાય છે, પણ સોએક વર્ષની પેઢીના યુવાનોની કહાણી સાંભળીએ ત્યારે આજના યુવાનો સાવ પામર અને વામણા લાગે છે.
શહીદેઆઝમ ભગતસિંહની જન્મશતાબ્દી 27-09-2008ના દિવસે પૂરી થઈ. એ 27-09-1907ને દિવસે જન્મ્યા હતા. 16 વર્ષની કિશોરવયે ગૃહત્યાગ કર્યો. ઘરના ઝઘડાને કારણે નહીં, પ્રેમલા-પ્રેમલીને કારણે નહીં, સંન્યાસ માટે નહીં, પણ દેશની આઝાદી માટે, સમાજ બદલવા માટે. વીસ વર્ષે લાહોર બૉમ્બ કેસમાં પહેલી વાર પકડાયા. પોતાના ગુરુ લાલા લજપતરાયનો બદલો લેવા 21મા વર્ષે પોલીસ અફસર સોન્ડર્સની હત્યા કરી. 23મા વર્ષે ધારાસભામાં બૉમ્બ ફેંક્યો. ચોવીસમા વર્ષે ફાંસીએ ચઢ્યા ! આટલા ટૂંકા આયુષ્યમાં ઘણું વાંચ્યું, ખૂબ લખ્યું, વહેમ-અંધશ્રદ્ધા સામે અને કોમી એકતા માટે લડ્યા.
યૌવનમાં ઉત્સાહ, થનગનાટ આજે પણ હશે, પણ સમાજમાં મૂલ્યોના હ્રાસ અને યુવાનોમાં યોગ્ય મૂલ્યોની અગ્રિમતાના અભાવે યૌવન વેડફાય છે. એ બધાનો ઉત્સાહ અને શક્તિ સિનેમા, નાચગાન અને મોજમજામાં વપરાય છે. વાચન અને વિચાર નહિવત છે. તેથી જ આઝાદી છે, આબાદી નથી.
|