માનવીની ભવાઈ - પન્નાલાલ પટેલ (ભારતીય જ્ઞાનપીઠ એવોર્ડ વિજેતા - ૧૯૮૫ નવલકથા)
Manavini Bhavai by Pannalal Patel (Bharatiya Jnanpith Awarded 1985 Novel)
'માનવીની ભવાઈ ' એ ગ્રામીણ સમાજની વાત છે; ને ગતિ આપનાર બળ તે કાળ છે. જાણે આખી વાર્તાનું મુખ્ય પાત્ર જ કાળ છે, ને બીજા બધાં તો એના દોરવ્યા દોરાય છે. 'માનવીની ભવાઈ 'માં શ્રી પન્નાલાલે એક સમગ્ર સમાજને એક કાળથી પ્રેરાતો, ઘસડાતો, તેની સાથે ઝગડતો કે નમતો ચીતર્યો છે. નટડાના દોર પર ચાલવા જેવું આ કામ અઘરું છે છતાંય તેના પાત્રો - વાલો પટેલ, પરમો પટેલ, કાળું, ફૂલી ડોશી, માલી સૌ સુરેખ છે, આપણને મળે તે પહેલાં જ વેણે જ ઓળખી શકીએ તેવા છે.
ગુજરાતી સાહિત્યમાં વાસ્તવિક અનુભવને કથારૂપે કલાઘાટ મળ્યો હોય તેવી કેટલીક ઉત્તમ નવલકથાઓમાં 'માનવીની ભવાઈ' ખાસ ધ્યાન ખેંચે છે ભવાઈ એટલે મિલકત અને ભવાઈ એટલે ભવાડો અને ફજેતી. ગામડાના લોક માટે એ એક બાજુ મિલકત છે તો દુકાળ પડે ત્યારે ફજેતી બને છે, ભવાડો થાય છે. સરેરાશ માણસ માટે માણસાઈ એ એની મિલકત, પણ સમજણ ને પ્રેમનો દુકાળ પડે ત્યારે એ જ માણસાઈ એની ફજેતી કરાવે. કાળુ-રાજુના પાત્રો દ્વારા, એમની પ્રણય કથા દ્વારા લેખકને આ પણ બતાવવું છે.
ગામડામાં અજ્ઞાનતા, કુરૂઢીઓ, વહેમો, અસ્થિરતા, અગવડો, લુંટફાટ, વ્યસન, આળસ, રોજી-રોટીનો અભાવ, શોષણ, કુદરતી આફતો વગેરે છે. આમાં ગામવાસીઓ શોષાય, લૂંટાય, પિંખાય, પિસાય, નીચોવાય છે છતાં મેળા, ઉત્સવો, યોજે છે, ગાય છે, નાચે છે, દુ:ખને દળીને પચાવી જાય છે. સ્વ. પન્નાલાલ પટેલે સ્વાનુભવને ઉત્તમ કલાઘાટ આપ્યો છે.
|