જીના ઈસી કા નામ હૈ -ઉમેશ અગ્રવાલ નાનકડું પણ આત્માથી રૃપકડું એવું સપના જોવાની ઉંમરે દરેક યુવક-યુવતીએ જરૃર વાંચવા જેવું પુસ્તક. પાને પાને સંવેદનશીલ સત્યનું સોનું છે. ૧૯૯૯થી ૨૦૦૨ દરમિયાન દૂરદર્શન પર ચાલેલી સીરિયલ 'કિરણ ઃ પાવર ઓફ વન'ના એપિસોડનું ટેક્સ્ટ વર્ઝન અંગ્રેજીમાં બહાર પડયું, પછી એનું આ ગુજરાતી થયું. આખું પુસ્તક અસામાન્ય સંઘર્ષ કરીને કશુંક કરી બતાવનારા સામાન્ય માણસોની દાસ્તાન જેવું છે. ખુદને માટે જ નહિ, 'ઘસાઈને ઉજળા થઈ' બીજાઓ માટે ય જીવીને બતાવનારા આ મહાબલી છતાં મોટે ભાગે ગુમનામ વ્યક્તિઓની પ્રેરણાનો પર્વત અહીં રચાયો છે. કોઈ બાળકોને રમકડાં અપાવે છે, કોઈ ગામડાના દર્દીને સારવાર, કોઈ તળાવ બાંધે છે, કોઈ અંધ વિદ્યાર્થીઓને પરીક્ષાની તાલીમ આપે છે. છાપાની ફ્રન્ટપેજ હેડલાઈનમાં ન હોય, છતાં ભારત જેના માટે ગર્વથી માથું ઉંચુ કરી શકે એવા રિયલ હીરોઝ વિશે જાણવા આ રસાળ ગુજરાતી અનુવાદ વાંચવો જ રહ્યો.