Jhakalni Pyali
ઝાકળની પ્યાલી (વિવિધ વિષય પરના ચુનંદા શે'રનું સંપાદન)
'ઝાકળની પ્યાલી' માંથી કેટલાક શે'ર (૧૨૨ વિષય પરના ૧૩૦૦ શે'રનું અભૂતપૂર્વ સંપાદન)
એસ. એસ. રાહી
અનુભવ
સંગાથમાં જો હોય છે લાંબા અનુભવો,
તો ઘરની બહાર આવતાં થાકી જવાય છે.
'સૈફ' પાલનપુરી
અત્તર
અહિ કોણ ભલાને પૂછે છે, અહિ કોણ બુરાને પૂછે છે ?
મતલબથી બધાને નિસ્બત છે, અહિ કોણ ખરાને પૂછે છે ?
અત્તરને નિચોવી કોણ પછી ફૂલોની દશાને પૂછે છે ?
સંજોગ ઝુકાવે છે નહિતર અહિ કોણ ખુદાને પૂછે છે ?
કૈલાશ પંડિત
આગમન
મેં બસ માની લીધું કે આપ નક્કી આવવાના છો,
જે શક્તિ હોય છે શ્રદ્ધામાં, શંકામાં નથી હોતી.
'નઝીર' ભાતરી
આંસુ
અપમાન સાથે કાઢો છો ઘરમાંથી આજ પણ,
આંસુ બનીને આપની આંખોમાં આવશું.
શયદા
ઈન્તેઝાર
હમણાં જ આવશે એ, હમણાં પધારશે એ,
મુજ નામઠામ તેઓ હમણાં પૂછી ગયા છે.
મનહર મોદી
એકાન્ત
હશે એકાંતમાં શું એમની હાલત ખુદા જાણે !
બધાની હાજરીમાં જેઓ શરમાઈ નથી શક્તાં.
'સૈફ' પાલનપુરી
કાજલ
મને મારી નજર લાગી ન જાયે એટલા માટે,
ખુદના સમ, હું તારી આંખનું કાજલ નથી જોતો.
હસનઅલી નામાવટી
ગલી
નહીંતર 'નકાબ' આટલા થાકી જતે નહીં,
એની ગલીથી આજ અમે નીકળ્યા હોઈશું.
સતીશ 'નકાબ'
ગુલમ્હોર
ચકલી, તું મારા ભાગ્યનું પરબીડિયું ઉપાડ,
આવ્યો છું હું શહેરમાં ગુલમ્હોર શોધવા.
રમેશ પારેખ
ગંગા-ગંગાજળ
એમને પૂછો નશો શું ચીજ છે ?
જેમની પ્યાલીમાં ગંગા હોય છે.
હરકિશન જોષી
ઘર
તમે હતા તો હતું ઘરમાં કંઈક ઘર જેવું,
તમે ગયા તો નથી રહી શક્યું આ ઘર ઘરમાં.
'નૂરી'
ચમન
કદમ મારા પડે છે ત્યાં હું વેરાની નથી ચાહતો,
બગીચામાંથી ખાલી ફૂલદાની લઈને આવ્યો છું.
'મરીઝ'
જિંદગી
એમ કહેતાં કહેતાં અંતે સો વરસ જીવી જશું,
બસ, હવે બાકી રહી છે જિંદગી થોડી ઘણી.
'સાકિન' કેશવાણી
ઝેર
ઝેરનો તો પ્રશ્ન ક્યાં છે ? ઝેર તો હું પી ગયો,
આ બધાને એ જ વાંધો છે કે હું જીવી ગયો.
'ખલીલ' ધનતેજવી
દિલ
દિલ તમોને આપતાં આપી દીધું,
પામતાં પાછું અમે માપી લીધું.
માત્ર એક જ ક્ષણ તમે રાખ્યું છતાં,
ચોતરફથી કેટલું કાપી લીધું !
મનહર મોદી
દોસ્તો
દોસ્તોએ, દુશ્મનોએ ભીંસી નાખ્યો છે મને,
રામે રાખ્યો છે પરંતુ સૌએ ચાખ્યો છે મને.
અદી મિરઝા
પગલાં
જોઈને પગલાં ઉપાડ્યા'તા છતાં,
કંઈક ઠોકર જિંદગી આ ખાઈ ગઈ.
રાજેશ વ્યાસ 'મિસ્કીન'
ફૂલો
તાજા જ છે હજીયે તમારા સ્મરણનાં ફૂલ,
મારું હૃદય હજીયે સુગંધી શહેર છે !
'જટિલ' વ્યાસ
માણસ
વાત દરિયાની કરી છલકાય છે,
માણસો પણ કેવા કેવા થાય છે ?
શ્યામ સાધુ
મેળો
ઉત્સવ સમું આ શું હશે તારા અભાવમાં ?
દરરોજ મારી આંખમાં મેળો ભરાય છે.
જવાહર બક્ષી
મોહબ્બત
એક દી' કોઈકે મને પૂછ્યું મોહબ્બત શું છે ?
આ સવાલે મારાં અરમાન જગાવી દીધાં.
તમને મેં યાદ કર્યા, નયનમાં તસવીર બની,
પૂછનારાએ બધા પ્રશ્નો ફગાવી દીધા.
'સૈફ' પાલનપુરી
આયનો
વૃદ્ધને સામે ઊભેલો જોઇને,
આયનો ડૂબી ગયો ભૂતકાળમાં.
એસ. એસ. રાહી
ખાંભી
સીમાડે પાળિયાઓ એક સાથે ચાલવા લાગે,
પછી લોકો જ ત્યાં ખોડાય તો કેવી મજા આવે !
એસ. એસ. રાહી
ગુલાબ
જે રહે છે ગુલાબની વચ્ચે,
એમના હાથમાં ય ચીરા છે.
એસ. એસ. રાહી
ઝરૂખો
વાટ જોઈને ઝરૂખે બેસજો,
તારલા મારી ગઝલ સંભળાવશે.
એસ. એસ. રાહી
ડાયરી
નવરાશ મળી તે ક્ષણે વાંચી છે ડાયરી,
મેં રાત વિતાવી નથી તારા ગણી ગણી.
એસ. એસ. રાહી
થાક
રાત વરસાદી છે ને આવ્યાં છે પૂર,
ને નદીમાં ટહેલવા નીકળ્યો છે થાક.
એસ. એસ. રાહી
બારી
તમે ઘર સજાવી લીધું આંખમાં
કહ્યું'તું મેં કેવળ કે બારી જુઓ
એસ. એસ. રાહી
મિલન
શ્રેષ્ઠ જીવનપર્વ એ સાબિત થશે,
તું મિલનનો એક ફકરો આપજે.
એસ. એસ. રાહી
રણ
રોજ આવે, ક્ષણ પછી પાછું વળે,
આજ મારે ઘેર કાં રોકાય રણ ?
એસ. એસ. રાહી
વાચા
હું દરિયાના મોજાંની વચ્ચે ઊભો છું,
હું ચુપચાપ વાચાની વચ્ચે ઊભો છું.
એસ. એસ. રાહી
શ્રીફળ
શ્રીફળ ક્યાં છું, તોપણ વધેરી લીધો છે,
મને પારકી આશે ઘેરી લીધો છે.
એસ. એસ. રાહી
સ્લેટ
આખી નિશાળ શોધવા નીકળી,
ક્યાંક ખોવાયા પેન ને પાટી.
એસ. એસ. રાહી
હોડી
માણસો કેવી રીતે ડૂબ્યા હતા,
તે કથા લખવા મને હોડી મળી.
એસ. એસ. રાહી