Jeet Ke Haar Raho Taiyaar- Dr. Ujwal Patni
જીવનની રંગોળીને આકર્ષક બનાવતું પુસ્તક જીત અને હાર
આજના આ જેટ યુગમાં વિકાસના ડગ માંડતો માનવી એટલી સિદ્ધિઓ સર કરતો ચાલ્યો છે કે જીત એ હંમેશા તેને હાથવેંતમાં લાગી છે, પાણી માંગતાં દૂધ મળે એવા ઉછેર સાથે તૈયાર થતી નવી યુવાપેઢી એડ્વાન્સ ટેક્નોલોજીને આંગળીના ટેરવે હસ્તગત કરે છે પણ જીવનમાં મળતી નાનકડી હાર પણ આજે વિવિધ આત્મહત્યાઓનાં કારણ બની જાય છે. આજનો માનવી સતત માનસિક તાણ અનુભવે છે, કારણ કે હારને પચાવવાની તેની ક્ષમતા આપણે વિકસાવી શક્યા નથી. નાનપણથી જ રેડવાના કેટલાક મહત્ત્વના સંસ્કારો પૈકી હારને માન સાથે સ્વીકારવાની ટેવ અત્યંત આવશ્યક છે.
જીત અને હાર એ માત્ર અને માત્ર આપણી મંઝિલની સફરને યાદગાર કે દુ:ખદ બનાવનારા હિસ્સા માત્ર છે, ઘણીવાર મળતી જીતમાં પણ વ્યક્તિની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ થયો હોય તેવું નથી. જ્યારે ક્યાંક પરિણામ હારનું હોય ત્યારે પણ સંપૂર્ણ ક્ષમતાઓ કાર્યાન્વિત બની હોય તેવું પણ બને છે. આ પુસ્તક તેનાં 36 પ્રકરણોમાં ઘણી પાયાની સંકલ્પ્નાઓ સ્પષ્ટ કરે છે. નિષ્ફળતાનો અર્થ જીવનનો અંત નથી. કેટલીક વાર મળેલી નિષ્ફળતા આશીર્વાદ પણ હોઈ શકે. તણાવ છે તો જીવન છે, તાકાતની સાથે દિશા પણ જરૂરી છે, અતીતમાંથી મુક્તિ જરૂરી છે, હકારાત્મક અને નકારાત્મક લોકો, સફળ વાતચીતના 6 શક્તિશાળી નિયમ, ઉત્તમ પ્રતિષ્ઠા ઊભી કરવાના 25 મંત્રો જેવાં પ્રકરણો આપણને જીવનની વાસ્તવિકતાઓથી માહિતગાર કરાવે છે. એ ગુરુમંત્ર આપણને મળે છે કે જો તમારી ઊર્જા મોટા અને મહત્ત્વનાં કામો માટે બચાવવા ઇચ્છતા હો તો ‘ભાર ન રાખો.’ આમ, જીવન એ એક ઉત્સવ છે અને જીત કે હાર તેના રંગો છે. તો એ રંગોના મિશ્રણથી જ જીવનની રંગોળીને વધુ આકર્ષક બનાવીએ એ આ પુસ્તકનું હાર્દ છે.
Courtesy : જ્યોતિ દવે http://sadhanaweekly.com