હું મારું સરનામું છું - હ્યું પ્રેથર (Hugh Prather) Hu Maru Sarnamu Chhu (Gujarati Translation of Notes To Myself) અર્થઘટન અને આસ્વાદક: રમેશ પુરોહિત આ પુસ્તકનું નામ 'હું મારું સરનામું છું' ખૂબ જ સૂચક છે. વીસમી સદીની આખરી ક્ષણોએ અને એક્વીસમીના આરંભે આપણે તમામ નામ વિનાના, સરનામાં વગરના પરબીડિયા જેવા છીએ. સાચું એડ્રેસ મળતું નથી, એટલે ખોટા સરનામે ફરીએ છીએ. આ ખોટું સરનામું એટલે આપણી હુંપદથી ફાટફાટ થતી મોટા ભાગની નિરર્થક પ્રવૃતિઓ, સત્તાની લાલસા, પ્રસિદ્ધિનો મોહ અને સામાજિક સ્વીકૃતિની ભૂખ. આપણા બરડ, બટકણા અને લટકતી સલામ જેવા સંબંધો, ઉપરછલ્લી ઝાકઝમાળ, અંદરનો વલોપાત, અતૃપ્તિ અને અધીરાઈના છાયા-પડછાયાઓનું એક જંગલી ટોળું... બધા જ રઘવાયા થઈને દોડી રહ્યા છે. પલાઠી વાળીને, શ્વાસ હેઠો મુકીને, હાશકારો અનુભવીને સ્વસ્થ ચિત્તે બેસવાની કોઈને ફુરસદ નથી અને લાગે છે કે આવી જરૂરિયાત પણ જણાતી નથી. માણસ અંદરથી ઓલવાતો જાય છે એવી પરિસ્થિતિમાં કોઈ આપણી આંધળી ગતિને અટકાવે છે.આપણને પોતાની પાસે બેસાડે છે. ભ્રમ અને નિરર્થકતા શું છે એ સમજાવે છે અને મૃદુસ્વરે કહે છે કે તમારું સરનામું ક્યાંય બહાર નથી પણ તમે જ તમારું સરનામું છો. તમે કોઈ ખોટે પાટે ચડી ગયા છો એટલે સ્ટેશન આવતું નથી. આ પુસ્તક આપણને ખુદની તરતપાસ અને તલાશી કરવા પ્રોત્સાહિત કરે છે અને વિચાર કરવા પ્રેરે છે. 'મુંબઈ સમાચાર' માં દર રવિવારે હપ્તાવાર આ પુસ્તક 'ગૂફ્તગું' કટારમાં પ્રગટ થયેલ છે.