Hradayni Galima
હૃદયની ગલીમાં (હૃદય વિશેનાં શે'રનું સંપાદન)
'હૃદયની ગલીમાં' થી કેટલાક શે'ર (૨૫૪ શાયરોના ૧૩૫૨ યાદગાર શે'રનું સંપાદન)
એસ. એસ. રાહી
હૃદય જોઈ લીધું તો ચિંતા નથી પણ,
તમે આજ મારું સદન જોઈ લીધું.
અનવર જેતપુરી
દિલ જેવી બીજે ક્યાંય પણ સગવડ નહીં મળે,
આવી શકે તો આવ આ ખાલી મકાન છે.
'અમર' પાલનપુરી
દિલ શું હવે તો પાછી દુનિયા ય પણ નહીં દઉં,
એ પણ મને ગમે છે, આ પણ મને ગમે છે.
અમૃત 'ઘાયલ'
દિલમાં કોઈની યાદનાં પગલાં રહી ગયાં,
ઝાકળ ઊડી ગયું અને ડાઘા રહી ગયા.
'આદિલ' મન્સૂરી
ખરા દિલથી વહ્યાં હો, જેમાં અશ્રુ મારા મૃત્યુ પર,
બને તો એ રૂમાલો લાવજો, મારા કફન માટે.
'આસીમ' રાંદેરી
ખાલી રહી શક્યું ન કોઈ પણ દશામાં દિલ,
આશા ગઈ તો એમાં નિરાશા વસી ગઈ.
'ઓજસ' પાલનપુરી
જખ્મોથી એટલું બધું ઘેરાયેલું છે દિલ,
વસવાટ ત્યાં કરે કોઈ એવું રહ્યું નથી.
કુતુબ 'આઝાદ'
હૃદય છલકાઈને મારું તમારો પ્યાર માગે છે,
ભરેલા જામ જાણે ખુદ હવે પીનાર માગે છે.
કૈલાસ પંડિત
જોયું તો ક્યાંક મારી કને મારું દિલ હતું,
પહેલાં તમારી આંખ ઉપર શક ગયો હતો.
'દિગન્ત' પરીખ
નથી એમાં પ્રણયનો રંગ કે સૌંદર્યની રેખા,
હવે દિલ કોઈની જાણે જૂની તસવીર લાગે છે.
ઊડી રહ્યા છે યાદનાં અબીલ ને ગુલાલ,
હૈયે થયા છે આજ તો છાંટા વસંતના.
મનોજ ખંડેરિયા
બે જણાં દિલથી મળે તો એક મજલિસ છે 'મરીઝ',
દિલ વિના લાખો મળે એને સભા કહેતા નથી.
'મરીઝ'
પ્રેમમાં ક્યાં જાણકારી જોઈએ,
બસ હૃદય વચ્ચે કટારી જોઈએ.
મુકેશ જોષી
હું તમારી આંખથી ઉતરી ગયો એ ઠીક છે,
શું તમારા દિલથી મારી યાદ પણ ચાલી ગઈ ?
શયદા
ઘણા લાંબા સમય પહેલાંની ચોરાયેલી વસ્તુ છે,
ઉતાવળમાં એ જાણે બહાર ફેંકાયેલી વસ્તુ છે.
અજાણ્યા કોક હૈયે જોઉં છું જ્યારે નિખાલસતા,
મને લાગે છે એ મારી જ ખોવાયેલી વસ્તુ છે.
'સૈફ' પાલનપુરી
|