બિન્દાસ ખુશવંત -ખુશવંતસિંહ
ભારત પાસેના બધા સરદાર 'સિંહો' કંઈ મૌન નથી. આ સરદારજી નામે ખુશવંતસિંહ તો બહુ બોલકા છે. એક ઘાથી અનેક કટકા કરે એવા ખુશવંતસિંહ નામ મુજબ મોજીલા અને બેબાક બહાદુર પણ છે. દાયકાઓ પહેલા ઈલસ્ટ્રેટેડ વીકલીમાં એ ઈરોટિકા નામથી જોબનિયું હિલોળે ચડયું હોય એવી તસવીરો અને સરસ માહિતી મુકતા. લેખક-પત્રકાર તરીકે રમૂજથી જ નહિ, પણ સૂઝબૂઝથીય છલોછલ લખાણોથી બે-ત્રણ પેઢીઓ ઘડનારા ખુશવંતસિંહ રંગીન તબિયતથી ત્રણે ડબલ્યુ વુમન, વેલ્થ અને વાઈનનો ભોગવટો કરી ૯૮ વર્ષે ય સદાબહાર છે! ભારતની જીવતી જાગતી યુનિવર્સિટી ગણાય એવા ખુશવંતસિંહે હુમા કુરેશી સાથે મળી હજુ હમણા જ લખેલા પુસ્તકના આ ગુજરાતી અનુવાદમાં બધી જ 'પાઘડીછૂટી' વાતો એમણે મોકળા મને કરી છે. રાજકારણની, બચપણની, મોતની, ત્રાસવાદની, નસીબની, લેખનની, સુખની અને અફ કોર્સ, જાહેરમાં ઘણા ગુજરાતીઓ જેના નામથી શરમાઈ અને અમુક કરમાઈ પણ જતા હોય છે, એ સેક્સની! એમની જીંદગી અને તબિયત જેટલું જ મેઘધનુષી પુસ્તક છે અને કેટલીયે બાબતોમાં સ્પષ્ટ રીતે મુગ્ધ વાચકની આંખો ખોલતું!