Ayushyaman Bhava:Retirement Planning
આયુષ્માન ભવ: રિટાયરમેન્ટ પ્લાનિંગ - પરેશ ગોરધનદાસ
નિવૃતોને ટિપ ટોપ
એ તો તમને યાદ હશે કે ચિત્રલેખાએ તાજેતરમાં ૬૦ વર્ષની ધમાકેદાર ઉજવણી ગુજરાતના પાંચ શહેરમાં કરી ત્યારે વાચકો માટે ખાસ માહિતીપ્રદ સેમિનારો યોજવામાં આવ્યા હતાં. આર્થિક ક્ષેત્રે બચત, રોકાણ, સંપત્તિનું સર્જન અને નિવૃત્તિ પછીનું આર્થિક આયોજન જેવી ઘણીબધી બાબત અંગે સેમિનારમાં ઉપસ્થિત શ્રોતાઓને માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ સેમિનારમાં ઉપસ્થિત શ્રોતાઓમાં પણ નિવૃત્તિ પછી આર્થિક આયોજન કઈ રીતે કરવું એ જાણવાની તાલાવેલી દેખાઈ આવતી હતી. કહેવાનો મતલબ એ કે મોંઘવારીના આ સમયમાં મસમોટી આવક ધરાવનારાઓને પણ બે છેડા ભેગા કરવામાં તકલીફ પડી રહી છે ત્યારે ભવિષ્ય માટે બચત ક્યાં અને કેવી રીતે કરી શકાય એ સવાલ દરેકને મૂંઝવે છે.
ખેર, મૂંઝવણ હોય ત્યાં એનો ઉકેલ પણ હોય. પૂછો અમદાવાદના જાણીતા ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ અને રોકાણકારોના માર્ગદર્શક પરેશ ગોરધનદાસને. પરેશભાઈ આમતો વિવિધ અખબાર-સામયિકોમાં અને ટીવીચેનલ પર સામાન્ય રોકાણકારોને માર્ગદર્શન આપતા જ રહે છે, પણ હમણાં એ એક પુસ્તક લઈને આવ્યા છે. નામ છે એનું 'આયુષ્માન ભવ'
પુસ્તકનું નામ જોતાં લાગે કે એમાં લાંબુ જીવવાની જડીબુટ્ટી દર્શાવતા ઉપાય અને ઓસડિયા હશે. પણ પરેશભાઈએ એમાં આર્થિક ઓસડિયા બતાવ્યાં છે. પરેશભાઈ કહે છે એમ અત્યાર સુધી સયુંકત કુટુંબની પરંપરાને કારણે નિવૃત્તિ પછી આર્થિક મુશ્કેલી બહુ નડતી નહોતી, પણ હવે સયુંકત કુટુંબની પરંપરા તૂટી રહી છે ત્યારે એની કડવી અસર હવે પછીના પંદર કે વીસ વર્ષમાં જોવા મળશે. આ સંજોગોમાં વ્યક્તિએ નિવૃત્તિ પછીના પંદર કે વીસ વર્ષના સમયગાળાનું આર્થિક આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. અત્યારથી જ યોગ્ય બચત અને રોકાણ કર્યું હોય તો પાછલી જિંદગીમા કોઈ પણ પ્રકારની આર્થિક તકલીફ ન ભોગવવી પડે. ટૂંકમાં, પાણી પહેલાં પાળ બાંધી લઈએ તો વાંધો ન આવે.
જો કે ઘણા બધા લોકો કદાચ જાણતાં જ નથી કે આ પાળ બાંધવી કઈ રીતે ?
કદાચ એટલે જ પરેશભાઈએ એમના આ પુસ્તકમાં રિટાયરમેન્ટ એટલે કે નિવૃત્તિ પછીનું પ્લાનિંગ અત્યારથી જ કરવા માટે ઉપયોગી ટિપ્સ આપી છે, આ પુસ્તકમાં એમણે નિવૃત્તિ પછીની મુખ્ય ચિંતાઓને આવરી લઈને નિવૃત્તિ પછીનું આયોજન, બચત, મ્યુ.ફંડનું આયોજન, વિવિધ પ્રકારના રિટાયરમેન્ટ પ્લાનની સમજણ સરળ ભાષામાં આપી છે. એટલુજ નહી, આર્થિક અખબારોમાં રોજ ઉભરાતાં શબ્દોની એમણે સરળ સમજૂતિ પણ આપી છે. હવે ડીફર્ડ એન્યુઈટી, ડિવિડન્ડ યિલ્ડ, ગિલ્ટ ફંડ, રિવોલ્વિંગ ક્રેડીટ જેવા શબ્દોમાં આપણાં જેવા સામાન્ય માણસોને સમજણ ન પડે એટલે એમણે એની સમજણ પણ આપી છે. પરેશભાઈએ એમના આ પુસ્તકનું નામ આયુષ્માન ભવ: જાણે આશીર્વાદ આપતા હોય એમ રાખ્યું છે, પણ આ ટિપ્સ મેળવ્યા પછી તમે જો રિટાયરમેન્ટ આયોજન સારી રીતે કરી શકો તો એના આશીર્વાદ તો એમને જ મળવાનાને.?
(સૌજન્ય : 'ચિત્રલેખા')
|