Andhi Ashadhni (Novel) By Pannalal Patel
આંધી અષાઢની (ગુજરાતી નવલકથા )
‘આંધી અષાઢની’નવલકથામાં લેખક પન્નાલાલ પટેલે એક મહત્વનો સામાજિક કોયડો નિરૂપ્યો છે અને એને ઉકેલવાનો પ્રયત્ન કર્યો છે. કથાનાયિકા તારાના હૃદયમાં ઉલ્લાસ પ્રગટાવતી આષાઢની આંધી તેના જીવનમાં વંટોળ ઊભો કરે છે. જીવનની આંધીનો સામનો કરવામાં મૈત્રીનો સમભાવ અને વડીલની સહાનુભૂતિ મળતાં અને વિધુર સજ્જન સાથે લગ્નગ્રંથિથી જોડાયા બાદ અંધી શમે છે. તારાનું અાત્મકથન ્હીં નવલકથા રૂપે વિસ્તરે છે.
‘આંધી અષાઢની’ની નાયિકા તારાની આસપાસ સહૃદયી બહેનપણી વિદુલા, માતાના મમત્વથી સમભાવ દાખવતી વિશાખા, નિર્મળ નિર્મળાબા અને ઉદાર સ્નેહપતિ નવીનચંદ્રની હાજરી મુશ્કેલીમાં ટકી રહેવાની પ્રેરણા બને છે. આ સર્વ પાત્રોના હૃદય માંગલ્યની પીઠિકામાં તે તે પાત્રોની હૃદયસ્થ ભાવસૃષ્ટિનો મહિમા નિરૂપાયો હોઈ એ પ્રતીતિકર બને છે. વાર્તાકુતૂહલ વાચકને સતત પોતાની પકડમાં રાખે છે. નવલકથામાં પ્રકૃતિ અને ભૌતિક સામગ્રીના પ્રતીકોને લેખકે સુંદર રીતે પ્રયોજ્યાં છે. પન્નાલાલની કલમે આંધીનું વર્ણન તથા ઉપમાઓ અને અલંકારોનો પ્રયોગ આહ્લાદકતાનો અનુભવ કરાવે છે.
શહેરી જીવનની સૃષ્ટિ ખડી કરવામાં તથા પ્રકૃતિની ભયાનકતા સાથે માનવમનનાં સંચલનો અને ઉર્મિઓનું આલેખન કરવામાં પન્નાલાલની કલમ કેવુંક કૌવત દાખવે છે તે ‘આંધી અષાઢની’ નવલકથામાં જોઈ શકાય છે.