આપણો વહાલો હિંદુ ધર્મ - લેખક : ભાણદેવ Aapano Vahalo Hindu Dharm (Gujarati) By Bhaandev હિન્દુ ધર્મ વિશે અગણિત ગ્રંથો લખાયા છે. હિન્દુ ધર્મનો અપરંપાર વિકાસ થયો છે. હિન્દુ ધર્મ એક અતિ વિશાળ વટવૃક્ષ સમાન છે. આ પારાવાર વિકાસ અને અપરંપાર વૈવિદ્યને કારણે હિન્દુ ધર્મના સામાન્ય સ્વરૂપને સમજવાનું ઘણું કઠિન બની ગયું છે. આ ગ્રંથમાં શ્રી ભાણદેવે આ હિન્દુ ધર્મના સાગરને એક ગાગરમાં ભરીને, ગાગર આપણી સમક્ષ મૂકી છે. હિન્દુ ધર્મના લગભગ બધાં જ પાસાઓની વિચારણા આ ગ્રંથમાં કરવામાં આવી છે. શ્રી ભાણદેવે હાથમાં આમળું મૂકે તેમ હિન્દુ ધર્મ આપણા હાથમાં મુક્યો છે. આ ગ્રંથ દ્વારા વાચક માટે હિન્દુ ધર્મને સમજવો સહજ બને છે. શ્રી ભાણદેવ હિન્દુ ધર્મના સમર્થ જ્ઞાતા છે. તેથીયે વિશેષ તો તેઓ હિન્દુ આધ્યાત્મવિદ્યાના મર્મજ્ઞ અને સંનિષ્ઠ અધ્યાત્મ પુરુષ છે. આમ હોવાથી આ ગ્રંથમાં હિન્દુ-ધર્મ, હિન્દુ-દર્શન અને હિન્દુ-અધ્યાત્મવિદ્યા- આ ત્રણેય તત્વો એક દોરડાની ત્રણ સેરની જેમ પરોવાયેલા છે. ઋગ્વેદથી પ્રારંભીને વર્તમાન કાળ સુધીના હિન્દુ ધર્મનું સ્વરૂપ આ ગ્રંથમાં અભિવ્યક્ત થયું છે. હિન્દુ ધર્મના લગભગ સર્વ દર્શનો, સર્વ સંપ્રદાયો, પ્રધાન સિદ્ધાંતો, પ્રધાન લાક્ષણિકતાઓનો આ ગ્રંથમાં વિચાર થયો છે. શ્રી ભાણદેવે હિન્દુ ધર્મના પ્રમાણભૂત ગ્રંથોનું ઊંડું અધ્યયન કર્યું છે. તેમણે ભારતની ખૂબ યાત્રાઓ કરી છે. તેમણે ધર્મ અને અધ્યાત્મને જીવનમાં ઉતાર્યું છે. શ્રી ભાણદેવ અનેક આશ્રમો, આધ્યાત્મ કેન્દ્રો, આધ્યાત્મ પુરુષોના ગાઢ સંપર્કમાં આવ્યા છે અને અને સંપર્કમાં છે. અનુભવ, સત્સંગ, ચિંતન અને અધ્યયન – આ ચારે માધ્યમો દ્વારા શ્રી ભાણદેવ હિન્દુ ધર્મના રહસ્યોને સમજ્યા છે. આ સર્વને પરિણામે આ અદભુત ગ્રંથ ‘આપણો વહાલો હિન્દુ ધર્મ’ આપણી સમક્ષ આવ્યો છે. આ ગ્રંથમાં ગહન અને મૌલિક ચિંતન મબલક પ્રમાણમાં અભિવ્યક્ત થયું છે. એક જ ગ્રંથ દ્વારા હિન્દુ ધર્મનો ઊંડો અને વ્યાપક પરિચય મળી રહે તેવો સર્વાંગી ગ્રંથ ગુજરાતી ભાષામાં આ પહેલા પ્રકાશિત થયાનું જાણમાં નથી. આ ગ્રંથ દ્વારા આ કમી પૂરી થાય છે. ભાષા, શૈલી અને અભિવ્યક્તિ- સરળ, શાસ્ત્રીય અને પ્રાસાદિક છે. આધુનિક શિક્ષિત વર્ગ પણ આ ગ્રંથ દ્વારા હોંશે હોંશે હૃદયંગમ કરી શકશે.