16 Varasni Mausam by Ankit Trivedi સોળ વરસની મોસમ પ્રેમ.... જે આપણને પળની જેમ ઉજવવામાં માને છે. આપણે જેવા છીએ તેવા રહીને બીજાના હૃદયમાં રહેવા જવાનું તેડું મોકલાવે છે પ્રેમ! એને ડાઉનલોડ નથી કરવો પડતો! એ ચોવીસ કલાક ઓનલાઈન પણ હોતા નથી! એ તો હોય છે હવા જેવો.... એના પાસવર્ડને સ્પર્શ કહેવાય છે. એની મેમરીનું નામ લાગણી છે.... એની ડાયરીના પાનાં જેમ જેમ ભરાય છે તેમ તેમ કોરાં થતાં જાય છે! નવી પેન લેટી વખતે કોના નામનું ચિતરામણ કરવાનું મન થાય છે? નવા કપડા પહેરીને અરીસા સામે ઉભા હોઈએ ત્યારે કોણ બાજુમાં ઉભું હોય તો ગમે? બધા જ કામ પરવારીને રાત્રે સુતી વખતે દિનચર્યાની આસપાસ અજાણતા જ અંદર ઉગેલું નામ મોબાઈલમાં રણકે તો ઉપાડીને બોલતાં પહેલાં શબ્દમાં કોની કાળજીનો ખ્યાલ રખાય છે? ફરવા જતી વખતે ધારો કે એક સીટ ખાલી હોય તો કોણ સાથે હોવું જોઈએ? મૂડ બદલાય છે એની ખબર જેને સૌથી પહેલાં પડે છે તે વ્યક્તિમાં જ છુપાયો છે આપણો પ્રેમ? આવું બધું થતું હોય છે ટાઈમટેબલ વિના! સવાલો ઉભરાયા કરે છે અને જવાબો જડતા નથી! છતાંય હૃદયના ખૂણે છાની લાગણીને પંપાળવાનું મન થઇ આવે છે, અને આપણે કોઈ પણ ઉંમરના હોઈએ, આપણામાં રહેવા આવે છે સોળ વરસની મોસમ!