Shrimad Bhagwat Geeta
શ્રીમદ્ ભગવદ્ ગીતા
- જ્ઞાન, કર્મ અને ભક્તિનો શ્રેષ્ઠ બોધ આપનાર દિવ્યભવ્ય ગ્રંથ
- ગીતા સુતેલાને બેઠો કરે છે. બેઠેલાને ચાલતો! કરે છે, ચાલનારને દોડતો કરે છે અને દોડનારમાં જીવંત પ્રેરણા પૂરીને ધોધ નિર્માણ કરે છે
શ્રીમદ્ ભગવદ્ ગીતામાં વ્યક્ત થયેલા જ્ઞાાન, કર્મ તથા ભક્તિના ત્રિવિધ આદર્શોને હૃદયંગમ કરીને સ્વયં ઉત્કર્ષ અને લોકોન્નતિનાં અગ્રિમ ધ્યેયની દિશામાં આગળ વધીએ તે અત્યંત જરૃરી છે. શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પ્રજ્ઞાા, પ્રેરણા અને પ્રગતિનો પ્રાણવાન પ્રબોધ હૃદયંગમ કરીને આત્મોન્નતિ અને સમાજના ઉત્કર્ષ તરફ કટિબદ્ધ બનીએ તો આપણે ગીતા જયંતિના મહોત્સવને સત્યાર્થ ભાવથી ઉજવ્યો ગણાય. શ્રીમદ્ ભગવદ્ ગીતામાં અંતરજ્ઞાન, અનુકંપા અને અભયનો અમર અને અણમોલ ખજાનો અભિવ્યક્ત છે. આ અલૌકિક તથા અજોડ ખજાનો માનવજીવનનો સર્વાંગી વિકાસ કરે છે જીવનને ભવ્યદિવ્ય બનાવે છે. માનવ ને અધોગતિમાંથી ઉર્ધ્વગતિ તથા ઉન્નતિ તરફ ગતિવંત કરે છે.
કુરુક્ષેત્રના યુદ્ધ મેદાનમાં કૌરવ તથા પાંડવોની સેનામાં અર્જુન સગાસબંધીઓને જોઈને માનસિક પરિતાપ અનુભવે છે. નિરાશ તથા ઉદ્વિગ્ન બને છે અને ગાંડિવ નિરાશ થયેલા અર્જુનને ગીતાગ્રન્થમાં નિરૃપાએલો સ્વકર્તવ્યનો સિંહનાદ તથા કાયરતાને ત્યજીને કર્મપ્રવૃત્ત થવાનો શ્રેષ્ઠ ઉપદેશ જ અર્જુનને બેઠો કરે છે, અને કર્મ કરવા પ્રવૃચ્ચ કરે છે. ગીતા કહે છે, માનવીનો કર્મ કરવાનો અધિકાર છે. દરેક વ્યક્તિએ નિઃસ્પૃહ ભાવે, ફલાસક્તિ રહિત કર્મ કરવું એ કર્તવ્ય છે. સ્વનિર્વાહ, શરીર પોષણાર્થે, જીવનને આગળ ધપાવવા માટે, પ્રગતિ તરફ આગેકૂચ કરવા કર્મ અતિ આવશ્યક છે. પરંતુ ફળની કદાપિ આશા રાખવી નહિ તેમ શ્રીમદ્ ભગવદ્ ગીતા ઉપદેશે છે તો ગીતાના આ દિવ્ય સંદેશાને આપણે આપણા જીવનમાં ઉતારીએ અને તેમના શ્રેષ્ઠ આદર્શોને ગીતા જયંતિના દિવસને સાચી રીતે ઉજવવા માટે આચરણમાં મૂકીએ તે અત્યંત જરૃરી છે.
ગીતા ગ્રંથમાં સ્પષ્ટ રીતે જણાવાએલું છે કે કામ, ક્રોધ, લોભ, મોહ, માયા, મત્સરએ આપણા શત્રુ છે, તે કર્મ પ્રવૃત્તિ કરવામાં, વિકાસ પથ તરફ ગતિવંત થવામાં બાધક છે, તેથી તે દુર્ગુણોને આપણે જીવનમાંથી ત્યજીને આત્મકલ્યાણ અને આત્મોન્નતિ સાધવા જાગૃત બનીએ તો જ ગીતા જયંતિની ઉજવણી સત્યાર્થ ભાવે કરી ગણાય. ગીતામાં નિરૃપાયેલા ઉત્કૃષ્ટ આદર્શોનો સતત અભ્યાસ કરી પઠન કરી અને સુયોગ્ય રીતે સમજીને તદ્ અનુસાર આપણા વર્તનમાં લાવીએ તો આપણું જીવન સુખમય, શાંતિમય અને આનંદમય બનશે. ગીતા ગ્રન્થના ઉપદેશોને અને આનંદમય બનશે. ગીતાગ્રન્થના ઉપદેશોને આચરણમાં મૂકવાના છે. તેમના પ્રેરણાત્મક અને અસ્મિતાસભર બોધવચનોને વ્યવહારમાં ઉપયોગમાં લેવાના છે. અને તો જ માનવજીવન સંસ્કારશીલ, સત્વશીલ, તેજસ્વી, સુશીલ બને છે. ગીતાના વિચારો વાંચીએ અને અપનાવીએ. ગીતા એ તો ભાઈ, જ્ઞાાનસાગર છે તેમાં ડૂબીએ અને તેમાંથી અણમોલ રત્નમાણેકનો ખજાનો મેળવીને જીવનઉત્કર્ષ કરવા માટે આચરણમાં મુકીએ. ગીતારૃપી વહાણથી જ આ સંસારસાગરને સરળતાથી તરી શકાય છે.
ગીતા માનવ માત્રનું શરણું છે. આધારસ્તંભ છે, દીવાદાંડીરૃપ છે, ગીતા આપણા માટે મિત્રરૃપે છે, તત્વચિંતક રૃપે છે. અને ભોમિયારૃપે છે. ગીતાના શ્રેષ્ઠ અને સત્વશીલ સંદેશાઓ ભક્તને ક્ષણે ક્ષણે નવી દિશા, નવી દૃષ્ટિ, નવો બોધ, નવી શક્તિ, નવી આશા, નવી પ્રેરણા અને નવો આનંદ આપે છે. આવો દિવ્યભવ્ય, ઉત્કૃષ્ટ, અણમોલ, અજોડ અને અમૂલ્ય ગ્રન્થ છે, જેના આદર્શો હતાશાને દૂર કરીને આશાવાદ જન્માવે છે, અંધકાર દૂર કરી પ્રકાશ પાથરે છે, ગીતા તો જીવનઅમૃત છે, અભયવાણી, પારસમણી છે, પુરુષાર્થ તરફ અંગુલિ નિર્દેશ કરતો આધ્યાત્મિક શ્રેષ્ઠ ગ્રન્થ છે. જીવનના હરકોઈ પ્રશ્નનો ઉકેલ ગીતાના ઉપદેશમાંથી પ્રાપ્ત થાય છે. સત્ય, સેવા, સાદગી, સાધના, સામર્થ્ય તથા સાક્ષાત્કાર તરફ ગતિશીલ થવામાં આ ગીતારૃપી અભૂતપૂર્વ ગ્રન્થ અત્યંત સહાયભૂત થાય છે તે નિઃશંક બાબત છે. સાચી દિશા, નૂતન પ્રકાશ અને સદ્વિદ્યા મેળવવા માટે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતા પાસે જવું જ પડશે. તેના મૂલ્યો આદર્શોને જીવનમાં કંડારવા પડશે અને આચરણમાં મૂકવા જ પડશે અને તો જ સૂર્યસમી તેજસ્વીતા, સાગરસમી વિલક્ષણ ભવ્યતા અને ચંદ્રસમી શીતળતા પ્રાપ્ત થઈ શકે.
ગીતામાં નિરૃપાયેલ ઉપદેશોને જીવનમાં હૃદયંગમ કરવાથી વ્યક્તિગત ઉન્નતિ થાય છે, સામાજિક પ્રગતિ થાય છે અને રાષ્ટ્રજીવનમાં જાગૃતિ જન્મે છે. જીવનને પુષ્ટ તથા ઊર્ધ્વગામી બનાવવામાં ગીતાના વચનામૃતો એ વિટામિન્સરૃપે છે. ગીતા સુતેલાને બેઠો કરે છે. બેઠેલાને ચાલતો! કરે છે, ચાલનારને દોડતો કરે છે અને દોડનારમાં જીવંત પ્રેરણા પૂરીને ધોધ નિર્માણ કરે છે. ગીતા સુખી જીવન જીવવા માટેનો અનુપમ માર્ગ, સદ્પંથ બતાવે છે. ગીતાની જ્ઞાાનગંગા માનવને પાવન કરશે. સંયમ, શ્રદ્ધા, શિસ્ત, સદાચાર, સદ્ભાવ, સમભાવના પાઠો શીખવે છે. શુષ્ક જીવનની વેરાન ભૂમિમાં ગીતારૃપી અમીજળ-અમૃતજળનું સિંચન કરીને જીવનને હર્યુંભર્યું, પ્રાણવાન, ઉત્સાહી, લીલુંછમ અને નવપલ્લવિત કરે છે.
ગીતા કહે છે કે આત્માજ આત્માનો ઉદ્ધારક છે. માટે ફળની આશા વગર, નિરાશ બન્યા વગર સતત કર્મ કરતા રહેવાની મનોહર અને ઉપયોગી શીખ આ ગીતારૃપી શ્રેષ્ઠ ગ્રન્થ આપે છે. જીવનમાં કદી કાયર ન બનવું, શોક ન કરવો. સુખદુઃખને સમાન ગણીને પોતાના સ્વકર્તવ્યમાં નિમગ્ન રહેવું. આવો શ્રેષ્ઠ બોધ શ્રીમદ્ ભગવદ્ ગીતા આપે છે. પ્રસ્તુત આદર્શોને જીવનમાં ઉતારવાથી અને આચરણમાં મૂકવાથી આપણે પરમધ્યેયને સિદ્ધ કરી શકશું, ગીતા કહે છે કે જે વ્યક્તિ સુખદુઃખ, શત્રુમિત્ર, લાભહાનિ, જયપરાજ્ય, યશઅપયશ, માનઅપમાન, નિંદાસ્તુતિ, પ્રિયઅપ્રિય વગેરેને સમાન ગણીને જીવન જીવે છે, તે યોગી છે, સ્થિતપ્રજ્ઞા છે. તથા મોક્ષનો અધિકારી છે. પરમાત્માની સમીપ પહોંચવા માટેનો આ શ્રેષ્ઠ પંથ છે.
આપણે શક્તિ, વિદ્યા તથા વાણીનો યોગ્ય ઉપયોગ કરતાં શીખીએ તો શાંતિ, સ્થિરતા અને સુખનું સામ્રાજ્ય સ્થપાય છે, આપણે શક્તિને ભક્તિનું બળ પૂરું પાડી, વિદ્યાને વિવેક વડે સમૃદ્ધ કરીએ અને વાણીને સંયમ વડે નિર્મળ કરીએ. પરંતુ આ પ્રકારની ઉત્તમ ભૂમિકાનું સર્જન કરવા માટે આપણે શ્રીમદ્ ભગવદ્ ગીતાને ભેટવું પડશે. અને તેમના મૂલ્યોને આદર્શોને જીવનમાં ઉતારવા પડશે. તો ચાલો, આપણે સહુ શ્રીમદ્ ભગવદ્ ગીતામાં દર્શાવેલા આદર્શો, મૂલ્યો, સદ્ગુણો તથા શ્રેષ્ઠ ભાવોને આપણા જીવનમાં મૂર્તિમંત કરીએ, આચરણમાં મૂકીએ અને સાચા અર્થમાં શ્રીમદ્ ભગવદ્ ગીતા જયંતિને ઉજવીએ.
માગશર સુદ અગિયારસે ગીતા ગ્રન્થનું પૂજન અર્ચન જરૃરી છે. પ્રાર્થના જરૃરી છે, સાથે સાથે તેમના પ્રાણવાન સંદેશાઓને હૃદયંગમ કરીએ તે પણ આવશ્યક છે.
|