Brain Teaser બ્રેઈનનું લોજીક + મેથ્સનું મેજીક = બ્રેઈન ટીઝર આ પુસ્તક સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ઉપયોગી થાય, કોઇની વિચાર-શક્તિ ( cognitive fitness) વધારવામાં મદદરૂપ થઇ શકે અને કોયડા ઉકેલનારને તદન જૂદી રીતે જ વિચાર કરતો કરી દે (think out of the box), એ કક્ષાનું અને આવી રીતનું ગુજરાતી ભાષામાં એક સરસ પુસ્તક લખવાનો પ્રયત્ન કરેલ છે. આ કોયડાના પુસ્તકમાં બીજગણિત, તર્કશાસ્ત્ર અને ભૂમિતિને લગતાં કોયડાઓ છે. ઘણાં કોયડાઓ જીવનનાં કોઇ પ્રસંગને વણીને નાટ્યાત્મક રૂપે લખવામાં આવ્યા છે, જેથી કરીને વાચકોને કોયડાઓ બરાબર સમજાય અને ઉકેલવામાં આનંદ આવે. કોઇ કોઇ કોયડાઓ રમૂજી પણ બનાવ્યા છે. આ કોયડાઓ એવી રીતે તૈયાર કરવામાં આવ્યા છે કે જેથી વાચકો, કોયડાનો જવાબ શોધવાનો પ્રયત્ન કરતાં અત્યન્ત રોમાંચ અનુભવે અને જવાબ મળતાં કંઇ પ્રાપ્ત કર્યાનો આનંદ આવે. પુસ્તકમાં આપેલ કોયડાઓ તૈયાર કરવામાં ખૂબ જ સમય અને મહેનત લાગ્યા છે. ઉકેલ લંબાણ પૂર્વક, આકૃતિ, કોષ્ટક અને ચિત્રો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. આ કોયડાઓ સામાન્ય લોકોને સમજણ પડે અથવા જેને બીજગણિત અને ભૂમિતિનું પાયાનું જ્ઞાન હોય તે પણ એનો ઉકેલ શોધી શકે એવી રીતના છે. ગણિતના પાયાનાં નિયમોનો ઉપયોગ કર્યો છે જેમ કે યુગ્મ, અયુગ્મ, ભાજ્ય, અવિભાજ્ય તથા ક્રમિક અથવા એકાંતરે આવતી સંખ્યાઓ, વર્ગ, ઘન, ચતુર્થઘાત વગેરે તથા પાયથાગોરસ પ્રમેયનો આધાર લીધો છે. અમુક તર્કશાસ્ત્રના પ્રશ્નોનોનાં ઉકેલ માટે ઓછામાં ઓછા સૂચનો (clue) આપી કોયડાઓને થોડા અઘરા બનાવ્યા છે. ઘણાં બીગણિતનાં પ્રશ્નોમાં ડાયોફન્ટાઇન સમીકરણ આપેલ છે, જેનો અમુક શરતો દ્વારા ઉકેલ લાવવાનો છે."