The Revenue Stamp : Amrita Pritam Ni Atmakatha
અમૃતા પ્રીતમ અને ખુશવંતસિંઘ સારા મિત્રો હતા. એક વખત અમૃતા પ્રીતમે ખુશવંતસિંહને કહ્યું કે, બીજું બધું તો લખ્યું- વાર્તા, કવિતા, નવલકથા... જસ્ટ ફોર અ ચેઇન્જ પણ હવે થોડુંક મારા વિશે લખું. ખુશવંતસિંહે મજાકમાં કહ્યું, "તારી જિંદગીમાં હોય હોયનેય શું હોય? એકાદ-બે પ્રસંગો, એ લખવા માટે તો રેવન્યુ સ્ટેમ્પની પાછળની બાજુય પૂરતી થાય. અમૃતા પ્રીતમે પછી આત્મકથા લખી અને એનું નામ રાખ્યું, 'રસીદી ટિકિટ' એટલે કે રેવન્યુ સ્ટેમ્પ. અમૃતા પ્રીતમ લખે છે, ખુશવતસિંઘે રેવન્યુ સ્ટેમ્પ કદાચ એટલા માટે કહ્યું હશે, કારણ કે બીજી ટિકિટોની સાઇઝ બદલતી રહે છે, પણ રેવન્યુ સ્ટેમ્પની એ જ નાનકડી સાઇઝ રહે છે. તેણે બરાબર જ કહ્યું હતું. જે કંઈ બન્યું, મનની ભીતરમાં બન્યું અને એ બધું નજમો અને નોવેલ્સને હવાલે થઈ ગયું. પછી બાકી શું રહ્યું? તોપણ થોડુંક લખું છું. કંઈક એવું, જાણે જિંદગીના હિસાબના કાગળો પર એક નાનકડો રેવન્યુ સ્ટેમ્પ ચોંટાડું છું. નજમો અને નોવેલ્સના હિસાબના કાચા સ્ટેમ્પને પાકો સ્ટેમ્પ કરવા માટે. અમૃતા પ્રીતમની નવલકથા ગુજરાતી સહિત અનેક ભાષામાં પ્રસિદ્ધ થઈ છે. કેટલા બધા એવોર્ડ્ઝ તેમને મળ્યા છે, પણ તેમાંથી ભાગ્યે જ કંઈક તેમણે આત્મકથામાં લખ્યું છે. આત્મકથામાં કંઈ હોય તો એ છે માત્ર એમનાં દિલની વાત... એવી વાત કે એ વાંચતી વખતે દિલના તાર ઝણઝણ્યા વગર ન જ રહે.