Chanakya Ni Rajneeti By: Swami Sachchidanand (Gujarati)
ચાણક્યની રાજનીતિ
સ્વામી સચ્ચિદાનંદ
ચાણક્યના અર્થશાસ્ત્રનો સાર લખવા પાછળ મારો મુખ્ય હેતુ એ છે કે ગુમરાહ થયેલી આપણી પ્રજા ચાણક્યને ઓળખે અને તેના તરફ વળે.મારું માનવું છે કે ભારતની પ્રજા અને તેમાં પણ હિન્દુ પ્રજા બીમાર વિચારોની શિકાર થયેલી છે. જેમાંથી એક બીમાર જીવનદર્શન વિકસ્યું છે.જે તેની ગુલામીનું તથા દરિદ્રતાનું કારણ છે. જો પ્રજા આ બીમાર વિચારોમાંથી મુક્ત થઇ શકે તો જ તેનું ભવિષ્ય ઉજ્જવળ થઇ શકે .ચાણક્યના વિચારો અને જીવનદર્શન આ દિશામાં મહત્વનું કાર્ય કરી શકે તેમ છે. એટલે આ નાનો સરખો પ્રયાસ થયો છે. આ અનુવાદ ગ્રંથ નથી પણ એના વિશેનો ગ્રંથ છે. ચાણક્યના વિચારોનો સાર છે.
આમ તો ૨૩૦૦ વર્ષ પહેલાં લખાયેલા આ ગ્રંથમાં કેટલુક અપ્રસ્તુત થઇ ગયું હોય તો પણ ચાણક્યની ખાસિયત એ છે કે તે સદા પ્રસ્તુત છે.કારણકે તે કોરો આદર્શવાસી નથી. વાસ્તવવાદી છે. ધરાતાલનો માણસ છે. પ્રસ્તુત પુસ્તકનાં નાનાં-નાનાં સુત્રો દ્વારા ચાણકયે નિશ્ચિંત વિચારો રાખ્યા છે .પ્રત્યેક સૂત્રમાં એટલો બધો અર્થ સમાયેલો હોય છે કે તે પર એક લેખ કે પુસ્તક લખી શકાય . પણ તેનું સંક્ષિપ્ત રૂપ કરીને સમાવી લીધું છે.
-સ્વામી સચ્ચિદાનંદ
[આ લેખનું અક્ષરાંકન સ્વામીજીનાં પુસ્તક ‘ચાણક્યની રાજનીતિ ’ માંથી કરવામાં આવ્યું છે.]
सुखस्य मूलं धर्मः || ૧ ||
સુખનું મૂળ ધર્મ છે.
ધર્મ એટલે જે કાર્યમાં સત્ય, ન્યાય અને માનવતા હોય તેને ધર્મ કહેવાય.
જેમાં સત્ય હોય જ નહિ તેને ધર્મ ન કહેવાય. જેમ કે ધર્મકાર્યોમાં ઈશ્વરને પ્રસન્ન કરવા અપાતું પશુનું બલિદાન એ સત્ય નથી. જો પશુહિંસા કરીને પ્રભુને રાજી કરાતો હોય અથવા પરલોક સુધરતો હોય તો પશુઓ માનવબલી આપીને સ્વર્ગ પ્રાપ્ત કરી શકત. ચાણક્યે જ કહ્યું છે કે:
“ वृक्षान् छित्वा, पशुन् हत्वा, कृत्वा रुधिरकर्दमम् |
यधेवं गम्यते स्वर्गं नरके केन गम्यते || “ અર્થાત વૃક્ષોને કાપીને તથા પશુઓને મારીને લોહીનાં ખાબોચિયાં ભરીને જો સ્વર્ગે જવાતું હોય તો પછી નરકે કોણ જશે?
એટલે જે કાર્યો કે વિધિવિધાનોમાં સત્ય ન હોય તે ધર્મ નથી પણ અધર્મ છે. આવી જ રીતે જેમાં ન્યાય ન હોય તે પણ ધર્મ નથી. ન્યાય એટલે બન્ને પક્ષોને સાંભળી-સમજીને, પક્ષપાતરહિત થઈને જે ચુકાદો અપાય તે ન્યાય કહેવાય. માત્ર એક જ પક્ષને સાથે લઈને ખરા-ખોટાનો વિચાર કર્યા વિના જે ચુકાદો અપાય તે ન્યાય ન કહેવાય, પક્ષપાત જ કહેવાય. જેમ રમતોમાં એક રેફરી હોય છે, તે પક્ષપાત વિના જે યોગ્ય હોય તેના પક્ષમાં જીત-હારનો ફેંસલો આપતો હોય છે. તેનો ફેંસલો બન્ને પક્ષોને માન્ય હોય છે. તેથી તો રમતો ચાલી શકે છે. જો રેફરી એકપક્ષીય નિર્ણય લઈને પક્ષપાતભર્યો નિર્ણય આપે તોયે ન્યાય ન કહેવાય. આવા પક્ષપાતભર્યા નિર્ણયો આપનાર રેફરી લાંબો સમય રેફરી રહી શકે નહિ. રમતો પણ લાંબો સમય ચાલી શકે નહિ. આવા પક્ષપાત કરનારા રેફરી પોતાનું તથા રમતનું અને સાચા રમતવીરોનું અહિત કરનારા હોય છે, જેથી ત્રણેને હાનિ પહોંચાડીને વિનાશ જ નોતરતા હોય છે.
કેટલાક નિર્ણયોમાં સત્ય હોય, ન્યાય પણ હોય, પણ માનવતા ન હોય. માનો કે એક સ્ત્રીએ હત્યા કરી અને તેને ફાંસીની સજા થઈ. આ સત્ય અને ન્યાયની દ્રષ્ટિએ યોગ્ય જ કહેવાય. પણ તે સ્ત્રી સગર્ભા છે અને તેને બાળક થવાનું છે. આવી સ્ત્રીને ફાંસી આપવી એટલે પેલા ગર્ભસ્થ બાળકને પણ ફાંસી આપવા જેવું થયું. આ માનવતા ન કહેવાય. તે સ્ત્રીને સાંસી સિવાયની સજા આપી શકાય. આવી જ રીતે આવી કોઈ હત્યારી સ્ત્રીને ધાવણું બાળક હોય તો તેને ફાંસી ન અપાય. ધાવણા બાળકનો પણ વિચાર કરવો જોઈએ. તેને જન્મટીપની સજા આપી શકાય, જેમાં પેલું ધાવણું બાળક તેની સાથે રહી શકે. આ માનવતા છે. માનવતા વિનાનો ન્યાય જડતાભર્યો હોઈ શકે છે. એટલે જે નિર્ણયોમાં અને જે કાર્યોમાં સત્ય, ન્યાય અને માનવતા ત્રણે હશે તેને ધર્મ કહેવાશે. આવો ધર્મ વ્યક્તિ, પ્રજા તથા રાજ્યના સુખનું કારણ થઈ શકશે. આ ત્રણની સ્થાપનાનું નામ જ ધર્મસ્થાપના છે. પણ જેમાં અસત્ય, અન્યાય અને અમાનવતા હશે તેને અધર્મ કહેવાશે. પછી ભલે તેણે ધર્મનો આંચળો ઓઢ્યો હોય તોપણ તે અધર્મ જ હશે. ધર્મના નામે આવેલો અધર્મ ભારે હાનીકારક થઈ જાય છે, કારણ કે તેને દૂર કરી શકતો નથી. જે સીધો અને કોરો અધર્મ હોય તેને દૂર કરી શકાય છે, કારણ કે તેને શાસ્ત્ર અને શાસ્ત્રીઓની સહમતી હોતી નથી. ધર્મશાસ્ત્ર અને શાસ્ત્રીઓની સહમતિથી આવેલા અધર્મે કેટલાય લોકોને સદીઓ સુધી અસ્પૃશ્ય બનાવ્યા, કેટલીય સ્ત્રીઓને સદીઓ સુધી વૈધવ્યજીવન જીવવા મજબૂર કરી, કેટલીયે સ્ત્રીઓને સતી થવા મજબૂર કરી. આવું-આવું તો કેટલુંય થતું રહ્યું છે અને આજે પણ થઈ રહ્યું છે, કારણ કે અધર્મ, ધર્મના નામે લોકોમાં પ્રસ્થાપિત થયો હતો. આવા અધર્મમૂલક ધર્મથી કોઈનું ભલું થતું નથી. તે સુખનું નહિ પણ દુઃખનું મૂળ થઈ જાય છે, જયારે પૂરી પ્રજા વર્ષો સુધી દુઃખ ભોગવે તો સમજવું કે તે અધાર્મિક હશે અથવા ધર્મના નામે અધર્મને પાળતી હશે.
સુખનું મૂળ ધર્મ છે એવું જયારે ચાણક્ય કહે છે ત્યારે તેનો એક વ્યવહારિક અર્થ એ પણ થાય કે પ્રજા તથા શાસન કાયદો અને વ્યવસ્થાનું કડક રીતે પાલન કરતાં હશે. શાસનનો અર્થ જ ‘લો એન્ડ ઓર્ડર’ ની સ્થાપના થાય છે. આમાં બે શબ્દો છે – “કાયદો” અને “વ્યવસ્થા”.
પક્ષપાતી રાજા ન્યાયપૂર્વકનો સંતુલિત કાયદો બનાવતો નથી. તે એકતરફી પક્ષપાત કરે છે, જેથી બીજી તરફ અન્યાય થાય છે. આવો કાયદો જુલમ કરનારો બની જાય છે. ભારતમાં આઝાદી પછી કેટલાક કાયદાઓ એકતરફી થયા છે, જેમ કે ભાડાનો કાયદો, રહે તેનું ઘર. એક વાર કોઈને ભાડે આપ્યા પછી તમે ઘર ખાલી કરાવી ન શકો. કદાચ તે ભાડું ન ભરે તો દીવાની કોર્ટમાં ભાડું વસૂલ કરવા કેસ કરી શકો. વર્ષો પછી કદાચ તમારા પક્ષમાં જજમેન્ટ આવે તો ઠીક, નહિ તો અપીલ કરો અને આયુષ્ય પૂરું કરો. ભાડૂતે પોતાનું નવું ઘર રાખ્યું હોય. બીજી તરફ તમારે પોતાને રહેવા માટે ઘરની જરૂર હોય તોપણ તમે ખાલી ન કરાવી શકો. લાંબી કૉર્ટપ્રોસેસ કરીને થાકી જાઓ. આ એકપક્ષીય કાયદાનાં દુષ્પરિણામ એ આવ્યાં કે લોકો ઘરને ખાલી રાખે પણ ભાડે ન આપે. જેથી ઝુંપડપટ્ટીઓ ઊભી થાય ગઈ. ઘર ખાલી કરાવવા માટે વિશેષ ગુંડાલોકો તૈયાર થયા, જે વગર કોર્ટે તમારું ઘર ખાલી કરાવી આપે. પણ હા, નિશ્ચિત રકમ આપો તો. આના કારણે ગુંડાગર્દી અને અપરાધો વધ્યા. જો ભાડાનો કાયદો સંતુલિત હોત અર્થાત બન્ને પક્ષે સમાનતા રખાઈ હોય તો ન ઝૂપડપટ્ટી વધત, ન ઘર ખાલી કરાવી આપનારા ગુંડા વધત. બીજી તરફ લોકોએ ઘણાં મકાનો બનાવ્યાં હોત અને સરળતાથી ભાડે મળતાં હોત. મકાન તમારી સંપત્તિ છે. તમે ભાડે આપો અને ભાડું મેળવો એ તમારો હક્ક છે. નિશ્ચિત અવધિની નોટિસ આપીને તમે મકાન ખાલી કરાવો તેમાં કશું ખોટું નથી. ખોટું તો મકાન પચાવી પાડવું તે છે. જો કાયદો બન્ને પક્ષોને ધ્યાનમાં રાખીને બન્યો હોત તો લોકો પાસે વધારાની મૂડી મકાન-નિર્માણમાં લાગી હોત જેથી મકાનોનો રાષ્ટ્રીય પ્રશ્ન ઉકેલાઈ ગયો હોત. પણ એકપક્ષીય અન્યાયી કાયદાએ વ્યક્તિ અને રાષ્ટ્રના પ્રશ્નોને ગૂંચવી નાખ્યા જેથી પ્રજા મકાન વિના દુઃખી થઇ રહી છે.
આવી જ રીતે એટ્રોસીટી એક્ટ, ગણોતધારો, ઘરગથ્થું હિંસા જેવા બીજા કેટલાય કાયદાઓ એકપક્ષીય હોવાથી સુખી કરવાની જગ્યાએ દુઃખી જ વધારે કરે છે. એટલે કાયદો સંતુલિત – ન્યાયપૂર્ણ હોવો જોઈએ.
દુર્બળ રાજા કે દુર્બળ શાસક ઉત્તમ કાયદાઓનું પણ પાલન કરાવી શકતા નથી. કાયદાને લાગુ કરવા માટે પરાક્રમ જોઈએ. અપરાધીઓ જાણી-કરીને પકડાતા નથી અને કદાચ પકડાય તો અપરાધ સ્વીકારતા નથી. તેમને તત્કાલ પકડવા અને દંડ દેવો એ પરાક્રમ વિના થઇ શકે નહિ. એટલે શાસકવર્ગ પરાક્રમી હોવો જોઈએ. પોલીસો અને ન્યાયધીશો બન્ને પરાક્રમી હોય તો જ કાયદાનું પાલન કરાવી શકાય. નમાલા પોલીસો અને નમાલા ન્યાયધીશો અપરાધીઓ સાથે સમજૂતી કરીને ન્યાયને મારી નાખતા હોય છે. એટલે કાયદાનું પાલન કરાવનારો વર્ગ લોભી-લાલચી કે બીકણ ન હોવો જોઈએ. વીણીવીણીને આવી જગ્યાએ યોગ્ય માણસોને જ નિયુક્ત કરાય. જો ખોટા માણસોને ઊંચા પદો ઉપર ગોઠવી દેવાશે તો ઉત્તમ કાયદા હોવા છતાં પણ લાગુ ન કરી શકવાથી તૂટી પડશે. જેમ કે દારૂબંધીનો કાયદો ખોટો નથી, પણ તેનો અમલ થતો નથી. તેમાંથી જ હાનિ થઇ રહી છે. સરકારને રેવન્યુની હાનિ થઇ રહી છે. આવા ઘણાં સારા કાયદા હોય પણ પળાવી ન શકાય તો પ્રજાને સુખી ન કરી શકાય.
એમ કહી શકાય કે ધર્મ પ્રમાણે કાયદો બને અને ધર્મ પ્રમાણે પરાક્રમથી તેનું પાલન કરાવાય તો પ્રજા સુખી થાય. અહીં ધર્મ શબ્દનો અર્થ સંપ્રદાય કે મજહબ કરવાનો નથી. સાંપ્રદાયિક કે મજહબી કાયદા એકપક્ષીય હોય છે જે પ્રજાને વધુ દુઃખી કરતા હોય છે. અફઘાનિસ્તાન જેવા દેશોમાં કટ્ટર મજહબી કાયદા તાલીબાનોએ લાગુ કર્યા, જેથી લોકો, ખાસ કરીને સ્ત્રીઓ, દુઃખીદુઃખી થઇ ગયાં. એટલે ધર્મ શબ્દનો અર્થ સંપ્રદાય કે મજહબ કરવાનો નહિ, પણ સત્ય-ન્યાય અને માનવતાલક્ષી ધર્મ એવો કરવાનો.
|